ઉપપ્રમુખ પદે ગુલામ પરાસરા : કોંગ્રેસના સતાવાર પ્રમુખ પદના ઉમેદવાર મુકેશ ગામીને માત્ર ૭ નો ટેકો
મોરબી : કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ગઈકાલે યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસના બાગીઓ સામે કોંગ્રેસના સતાવાર ઉમેદવાર હાર્યા છે અને પ્રમુખ પદે કિશોર ચીખલીયાએ ચૂંટાઈ આવ્યા હતા.
કોંગ્રેસ બહુમતી વાળી મોરબી જીલ્લા પંચાયતમાં પ્રમુખપદને લઈ છેલ્લા પાંખવાડિયાથી ચાલતા હાઇવોલ્ટેજ ડ્રામામાં ગઈકાલે કોંગ્રેસના બાગી નેતા કિશોર ચીખલીયાએ અજ્ઞાતવાસમાંથી બહુમત સભ્યો સાથે સીધાં જ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હાજર થતા બાગી ૧૭ સભ્યોએ પક્ષનો વ્હીપ લેવાનો ઇનકાર કરી દઈ પ્રમુખ પદે કિશોર ચીખલીયાને બેસાડ્યા હતા.
બીજી તરફ કોંગ્રેસે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મુકેશ ગામીને સતાવાર ઉમેદવાર જાહેર કર્યા હોવા છતાં બહુમત સભ્યો કિશોર ચીખલીયાએ સાથે રહયા હતા અને ઉપપ્રમુખ પદે ગુલામ પરાસરા ચૂંટાઈ આવ્યા હતા.
જો કે મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું ઘર સળગી ગયું હોવા છતાં કોંગી આગેવાનો જિલ્લા પંચાયતમાં સતા કોંગ્રેસના હાથમા જ રહી હોવાના નિવેદન કરી સંતોષ માની રહ્યા છે.
મોરબીમાં કોંગ્રેસની આબરૂના લિરા ૧૭ સભ્યોએ વ્હીપનો અનાદર કર્યો
મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ પદની ચૂંટણી સમયે જ કોંગ્રેસના ૧૭ અસંતુષ્ઠોએ ધોકો પછાડી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને આડે હાથ લઈ પાર્ટીનો વ્હીપ ફગાવતા ચકચાર જાગી છે.
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ની ચૂંટણી શરૂ થઈ ત્યારે સભ્યોએ વ્હીપ લેવાની મનાઈ ફરમાવી અને જિલ્લા પ્રમુખને સાફ – સાફ ભાષામાં કહી દીધું હતું કે તમે અમને ક્યારેય સાંભળ્યા જ નથી અને અમારો સંપર્ક પણ નથી કર્યો અમે મિટિંગ પુરી થયા પછી વ્હીપ લેશું !!