બાગાયતી વિભાગ ગુલાબની ખેતી માટે આપે છે સહાય
જયાં 80 ટકા ખેડૂતો કરે છે માત્ર ગુલાબના ફૂલની ખેતી
પ્રથમ દ્રષ્ટિએ આ તસ્વીર ચાના બગીચાની હોય એવું લાગે પણ તે વડોદરા જિલ્લાના ગુલાબની ખેતી કરતા વિસ્તારની છે.
વડોદરા જિલ્લાનું એક એવું ગામ છે જયાં 80 ટકા ખેડૂતો કાશ્મીર અને દેશી ગુલાબની ખેતી કરે છે. કરજણ તાલુકાનું સાયર ગામ ગુલાબની રાજધાની ગણાય છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં કાશ્મીરી ગુલાબ સહિત ફૂલોની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે એટલે કે આ તાલુકો ગુલાબની સુગંધિત ખેતીનું કેન્દ્ર બન્યો છે. કરજણ તાલુકામાં મુખ્યત્વે સાયર મોટી કોરલ અને નાની કોરલ, પૂરા, દેરોલી, રણાપૂર, કોઠીયા, અને દિવેર વગેરે ગામોમાં કાશ્મીરી તથા દેશી ગુલાબની ખેતી થાય છે. કરજણ તાલુકાના સાયર ગામના મુકેશ માછી અને રોશન માછીનો પરિવાર પેઢી દર પેઢીથી ગુલાબની ખેતી કરે છે. સાયર ગામની 100 હેકટર જમીનમાંથી 90% જમીનમાં કાશ્મીરી અને દેશી ગુલાબની ખેતી કરવામાં આવે છે એવું તેમનું કહેવું છે. તદુપરાંત, અહીંના ખેડૂતો મોગરો અને પારસની પુષ્પખેતી પણ કરે છે. મુકેશ માછીના જણાવ્યા મુજબ છેલ્લા 30 વર્ષથી સાયર ગામમાં ગુલાબની ખેતી કરવામાં આવે છે.
તેણે જણાવ્યુ કે કોરોના કાળના લોકડાઉન સમય દરમિયાન ગુલાબના ભાવ ઓછા થઈ જતાં તેમણે પહેલીવાર ગુલાબની પાંખડીઓ સૂકવીને સાવલી તાલુકાના કુંજરાવમાં વેચી આવક મેળવી હતી.કાશ્મીરી ગુલાબની પાંખડીઓ દેશી ગુલાબની તુલનાએ મોટી અને વધુ સારી હોય છે તેથી ગુલકંદ બનાવવા માટેની ગુણવત્તા સારી રહે છે. કાશ્મીરી ગુલાબ દેશી ગુલાબની સરખામણીમાં વધુ ટકાઉ છે.આ ગુલાબની વીણી દિવસે કરી શકાય છે.જ્યારે દેશી ગુલાબમાં વીણી રાત્રે કરવી પડે છે.
આમ,આ ગુલાબે રાત્રિ જાગરણ ની અસુવિધા નું નિવારણ કર્યું છે.વડોદરા ખાતેના બાગાયત અધિકારી યોગેશભાઈ જણાવે છે કે બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને ગુલાબના વાવેતર માટે હેકટર દીઠ સબસિડી આપવામાં આવે છે. . બાગાયત વિભાગ નાના અને સીમાંત ખેડૂતોને હેકટર દીઠ રૂ. 16,000 ની અને મોટા ખેડૂતોને હેકટર દીઠ રૂ. 10,000 ની વાવેતર સહાય કરે છે. આ વિસ્તારના ખેડૂતો કાશ્મીરી ગુલાબનું વેચાણ વડોદરા, સુરત, અમદાવાદ, ભાવનગર જેવા શહેરોમાં કરે છે.મોટા વેપારીઓ આ ગુલાબ પાર્સલ થી મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં મોકલે છે. તેણે જણાવે છે કે સન 2020 – 21 માં વડોદરા કચેરી દ્વારા અંદાજે 200 જેટલા ખેડૂતો ને 30 હેકટર જમીનમાં ગુલાબની ખેતી માટે વાવેતર સહાય આપવામાં આવી હતી.