કેન્દ્ર સરકાર દ્વારા દર્દીઓને દર માસે આપવામાં આવતી રૂ.૫૦૦ની આર્થિક સહાય રૂ.૩૦ લાખની કિંમતના સીબીએનએઅટી મશીન દ્વારા ટી.બી.નું નિદાન
ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગનાં જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબીના દર્દીઓની નિશૂલ્ક સારવાર કરવામાં આવે છે. જિલ્લામાં ટી.બી.ના ૨૨૮૪ દર્દીઓને ૪૬ લાખની સહાય ચુકવવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ટી.બી.ના દર્દીઓને દર માસે રૂ.૫૦૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય પોષણક્ષમ આહાર લે તે માટે આપવામાં આવે છે. જિલ્લા ક્ષય કેન્દ્ર દ્રારા ટી.બી.ના દર્દીઓને સારવારામાં એચ.આર.ઝેડ.ઈ.ની ગોળી આપવામાં આવે છે.
જિલ્લામાં નોર્મલ ટી.બી.ના ૬૦૫ દર્દીઓ પબ્લિક સેકટરમાં અને ખાનગી સેકટરમાં ૨૦૧ દર્દીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૨૬ ઝેરી ટી.બી.ના દર્દીઓ નોંધાયેલા છે. જેમાં વેરાવળમાં-૬, તાલાળા-૧, સુત્રાપાડા-૧, કોડીનાર-૨, ઉના-૯ અને ગીરગઢડા- ૭ નો સમાવેશ થાય છે. ટી.બી.ના દર્દીઓને ૬ થી ૩૦ મહિના સુધી સારવાર આપવામાં આવે છે. સ્ટેલા મેરીજ ટ્રસ્ટ વેરાવળ દ્રારા વેરાવળ, કોડીનાર, તાલાળા અને સુત્રાપાડાના ટી.બી.ના દર્દીઓને તેમજ ઉના મહેતા હોસ્પિટલ દ્રારા ઉના અને ગીરગઢડાના દર્દીઓને રૂ.૮૦૦ની કિંમતનો પોષણક્ષમ અનાજની કિટ આપવામાં આવે છે.
ટી.બી. હવા મારફતે ફેલાતો ચેપી રોગ છે. અઠવાડીયા કરતા વધારે ઉધરસ આવે , તાવ આવવો, વજન ઘટવો, ભુખ ન લાગવી વગેરે લક્ષણો જણાય તો ટી.બી.ની શંકા કરી શકાય. બે અઠવાડિયા કરતા વધારે ઉધરસ આવે તો ગળફાની તપાસ કરાવવી આવશ્યક છે. ગળાફાની તપાસ જિલ્લામાં તાલુકા કક્ષાએ સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા ગ્રામ્યકક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટી.બી.ની.અનિયમિત સારવાર લેવામાં આવે તો ઝેરી ટી.બી. થઈ શકે છે. તેના નિદાન માટે સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે રૂ.૩૦ લાખની કિંમતનું સીબીએનએએટી મશીન ઉપલબ્ધ છે. તેમ જિલ્લા ક્ષય કેન્દ્ર ગીરસોમનાથના ડો.બામરોટીયાએ એક યાદીમાં જણાવાયું છે.