ડો. મિતેષ ભંડેરીના બચાવમાં આવેલા સભ્ય ચંદુભાઈ શીંગાળાને પૂર્વ ચેરમેન અર્જુનભાઈ ખાટરિયાએ કહ્યું ’તમે ભાટાઇ બંધ કરો’
કોટડા સાંગાણીના નારણકા ગામે પીએચસી સેન્ટરનું ૨૦૧૭નું કામ ૩ વખત નોટિસ ફટકાર્યા છતાં ત્રણ વર્ષે પણ પૂર્ણ ન થયું, આરોગ્ય શાખામાં ભેદી રીતે બદલી થતી નથી : સભામાં ગાજેલા પ્રશ્ર્નો
સ્વંભંડોળના કામો અધ્ધરતાલ રહી જતા હોવાથી હવે આ કામોને ૩ મહિનાની અંદર વહીવટી મંજૂરી આપી દેવાનો સર્વાનુમતે નિર્ણય
જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં સભ્યોએ આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરી ઉપર પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. અને તેઓ ઉપર આક્ષેપો પણ કર્યા હતા. આ દરમિયાન ચંદુભાઈ શીંગાળાએ બચાવ કરતા તેઓને અર્જુનભાઇ ખાટરીયાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે તમે ભાટાઇ બંધ કરો. આમ આજે ઘણા સમય બાદ મળેલી સામાન્ય સભામાં આરોગ્ય અધિકારીનો વારો ચડ્યો હતો.
જિલ્લા પંચાયતની છેલ્લી ઘણી સામાન્ય સભાથી આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. તેઓ ઉપર દર સભામાં આક્ષેપો કરવામાં આવે છે. એક સભામાં તો સભ્યોએ તેમને સરકારમાં પરત મોકલવાનો ઠરાવ કરી નાખ્યો હતો પરંતુ ડીડીઓએ અસહમતી દર્શાવી હતી. આજ રોજ યોજાયેલી સામાન્ય સભામાં પણ એ જ દ્રશ્યો જોવા મળ્યા હતા.જેમાં આરોગ્ય અધિકારી ઉપર સભ્યોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. જેમાં અર્જુનભાઇ ખાટરિયાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કોટડા સાંગાણી તાલુકાના નારણકા ગામે નવા બાંધકામ કરવામાં આવતા પીએચસી સેન્ટરનું કામ વર્ષ ૨૦૧૭થી પેન્ડિગ હાલતમાં છે. અત્યાર સુધી આ કામ બાબતે ત્રણ વખત નોટિસો ફટકારી હોવા છતાં કામ પૂર્ણ થયું નથી. બીજો પ્રશ્ન અર્જૂનભાઈએ એ ઉઠાવ્યો હતો કે ડો. ભંડેરીએ ૩૮ ગામોની જ મુલાકાત લીધી હતી. શહેરી વિસ્તારમાં તેઓ વધુ જતા હોવાની રાવ કરી હતી. વધુમાં સભ્યોએ આરોગ્ય અધિકારીનો ઉધડો લેતા કહ્યું હતું કે આરોગ્ય શાખામાં છેલ્લા ઘણા વર્ષોથી ભેદી રીતે બદલી કરવામાં આવી નથી. અંતમાં અર્જુનભાઇ ખાટરીયાએ સ્વંભંડોળના કામો અધ્ધરતાલ રહેતા હોવાનું જણાવ્યું હતું. જેના પરિણામે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે ૩ મહિનાની અંદર સ્વંભંડોળના કામોને મંજૂરી આપી દેવાની રહેશે.