રૂ.૬૦ હજારની ઉઘરાણીની ધમકીથી કંટાળી યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
શહેરમાં વ્યાજચક્રમાં અનેક પરિવારો પિંખાયા છે. લોક દરબાર યોજાયા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહ્યો હોય તેમ ઉપરા ઉપરી બે દિવસ વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહ્યો હોય તેમ ઉપરા ઉપરી બે દિવસ વ્યાજખોરના ત્રાસથી યુવાનોએ આપઘાતના પ્રયાસ કરતા ગંગોત્રીપાર્કનાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ફરિયાદના આધારે મહિલા વ્યાજખોરની શોધખોળ આદરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર આવેલા ગંગોત્રીપાર્કમાં રહેતા સોહલે હબીબભાઈ કુરેશી ઉ.૪૧ એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી સાથે શોકનું મોજુ છવાયું છે. આ બનાવ અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
પોલીસની પ્રાથમિક પુછતાછમાં સોહેલ કુરેશીએ બજરંગવાડી વિસ્તારમાં રહેતી ફરીદાબેન દલવાણી નામની મહિલા વ્યાજખોર પાસેથી ૨૦ ટકાના વ્યાજે રૂ.૬૦ હજાર વ્યાજે લીધા હતા જે રૂપીયાની ઉઘરાણીમાં મહિલા વ્યાજખોર યુવાનને રૂપીયા વસૂલવા ધમકી આપતી હોવાથી યુવાને આત્મઘાતી પગલુ ભરી લીધું હોવાનું અને મૃતક ત્રણ ભાઈમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ વી.એન. કુછડીયા સહિતના સ્ટાફે ફરિયાદનાં આધારે મહિલા વ્યાજખોરને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.