દિવાળી પહેલા જ વાગડમાં શરાબનો માલ ઉતરવાનો શરૂ થઈ ગયો છે. સાંય અને ગેડીમાંથી ૨૫ લાખનો શરાબ પોલીસે પકડી પાડયો હતો. સાંયમાંથી ૧૪.૯૪ લાખના મુદામાલ સાથે બે શખ્સો પકડાયા હતા. જયારે રાપરના ગેડી પાસે બંધ મકાનમાંથી પોલીસે રૂ. ૧૦.૩૬ લાખનો શરાબ પકડી પાડયો હતો.
પોલીસે જણાવ્યુંં હતુ કે, રાપર તાલુકાના સાંય ગામે રહેતા શખ્સો અલ્પેશસિંહ ઉર્ફે ગોપાલસિંહ સુખદેવસિંહ જાડેજા, શિવા જીવણ કોલી બંને સાંય તથા નરેન્દ્રસિંહ જાડેજા રાપર સાથે મળીને શરબ મંગાવી અલ્પેશસિંહના વરંડામાં સંગ્રહાયો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ૧૨૮૬૪ કવાર્ટર અને ૫૭૬ બોટલો તથા બીયરના ૪૮ ટીન પણ મળી રૂ. ૧૪,૯૪,૫૦૦નો મુદામાલ જપ્ત કરી અલ્પેશસિંહ તથા શિવા કોલીને પકડી પાડયા હતા.
જયારે એક શખ્સની શોધખોળ હાથ ધરાઈ હતી. તો રાપરના ગડી ખાતે એક બંધ મકાનમાં શરાબ સંગ્રહાયો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. મકાનમાંથી ૮૮૮ બોટલ જયારે ૧૮૦ એમએલની ૭૨૫૩ બોટલ મળી કિંમત રૂ. ૧૦.૩૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો. પોલીસે અર્જુનસિંહ હેતુભા વાઘેલા તથા અશોકસિંહ બહાદૂરસિંહ વાઘેલા બંને ગડી સામે ગુન્હો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી છે.