આઠ પંચનામા,એફએસએલ પુરાવા,  ટેકનિકલ પુરાવા, મેડિકલ પુરાવા 67 સાહેદના નિવેદન સહિત 1008 પેઇઝનું તહોમતનામું કોર્ટમાં રજુ કર્યુ

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત અને  ડીવાય.એસ.પી. એચ.પી.દોશીના માર્ગ દર્શન હેઠળ પોલીસની જુદી જુદી ટીમ દ્વારા તપાસ પુરી કરતા ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનશે

જોરાવગરનગર નજીકના ફુલગ્રામ ગામે ગત તા.6 ફેબ્રુઆરીએ ગટરની પાઇપ લાઇનના પ્રશ્ર્ને પાડોશી પરિવાર વચ્ચે થયેલા ઝઘડાના કારણે પિતા, પુત્ર અને પુત્રવધૂની થયેલી કરપીણ હત્યાની પોલીસ દ્વારા તપાસ પુરી કરી 1008 પેઇઝનું ચાર્જશીટ તૈયાર કરી સુરેન્દ્રનગર કોર્ટમાં રજુ કરી સુરેનગર પોલીસે રેર્કડ4 સર્જી દીધો છે.

ફુલગ્રામે રહેતા એસટી બસ ચાલક ધર્મેન્દ્રભાઇ હમીરભાઇ મેમકીયા, તેમની પત્ની દક્ષાબેન અને પિતા હમીરભાઇ કહેરભાઇ  મેમકીયાની પાડોશી અગરસંગ નાગજી માત્રાણીયા નામના શખ્સે છરીથી ત્રણેય ગળા કાપી કરપીણ હત્યા કર્યાનું જોરાવરનગર પોલીસમાં હિતેશ હમીરભાઇ મેમકીયાએ ફરિયાદ નોંધાવી હતી.

ત્રિપલ મર્ડરની ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત ઘટના સ્થળે દોડી ગયા હતા. તેઓએ મૃતક પરિવારને ન્યાય મળી રહે તે માટે તપાસ ઝડપી બનાવી ચાર્જશીટ વહેલું કોર્ટમાં રજુ કરવા તાકીદ કરી હતી.

આથી ડીવાય.એસ.પી. એચ.પી.દોશી, વી.બી.જાડેજા, પી.આઇ. વી.વી.ત્રિવેદી, એસઓજી પી.આઇ. એસ.એમ.જાડેજા, જોરાવરનગર પી.એસ.આઇ. આર.જે.જાડેજા, એએસઆઇ ઘનશ્યામભાઇ, નિતિનદાન, સરદારિસિંહ વિનોદભાઇ, વનરાજભાઇ, રાજેશભાઇ, અશોકસિંંહ, મહેબુબભાઇ, કેશરીસિંહ, અનિલસિંહ, સાહિલભાઇ, નરેન્દ્રસિંહ અને મયુરસિંહ સહિતના સ્ટાફે સમગ્ર તપાસને ઝડપી બનાવી હતી.

પોલીસની જુદી જુદી ટીમ દ્વારા આઠ પંચનામા, એફએસએલ પુરાવા, ટેકનિકલ પુરાવા, મેડિકલ પુરાવા, 67 સાહેદના નિવેદન પૈકી કેટલાકના સીઆરપીસી 164 મુજબના નિવેદન   સહિત 1008 પેઇઝનું ચાર્જશીટ તૈયાર કરી શુક્રવારે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજુ કરતા ત્રિપલ મર્ડરના આરોપી અગરસંગ નાગજી માત્રાણીયા સામે કોર્ટમાં કેસ ઝડપી ચાલી શકે તેવો તખ્તો ગોઠવવામાં આવ્યો છે. જેના કારણે મૃતકના પરિવારને ઝડપી ન્યાય મળી રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે કરેલી પસંશની કામગીરીને રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે બીરદાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.