‘દેશનું સ્વાસ્થ્ય’ સ્વસ્થ; અર્થતંત્રની ગાડી પુરપાટ ઝડપે દોડતા એન્જિનિયરીંગ, હીરા-ઝવેરાત અને પેટ્રોલીયમ પેદાશોની નિકાસમાં નોંધપાત્ર વધારો
કોરોનાની વૈશ્વિક મહામારીની નકારાત્મક અસરો પાછળ છોડી હવે ભારતીય અર્થતંત્ર ઝડપે આગળ ધપી રહ્યું છે. દેશમાં આંતરિક ઉત્પાદન ગતિવિધિઓ વધુ તેજ બનતા નિકાસને વેગ મળ્યો છે. કોરોનાકાળમાં પણ ભારતની વેપાર તુલા મજબૂત સ્થિતિએ ઉભી રહી નિકાસ વધવા પામી છે. ત્યારે હવે ઔદ્યોગિક ક્ષેત્ર તેમજ સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલી નિકાસ વધુને વધુ આગળ વધે તે માટેનો રોડમેપ સરકારે તૈયાર કરી લીધો છે. નિકાસકારોને પ્રોત્સાહિત કરવા કર દરોમાં પારદર્શકતા લાવવા પણ સરકારે કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત આગામી બે દિવસમાં કર દરોમાં ધરખમ ફેરફારોની જાહેરાત થવાની તીવ્ર સંભાવના છે.
વેપાર-વાણિજ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે તાજેતરમાં મહત્વકાંશી નિવેદન આપતા જણાવ્યું છે કે, ઉદ્યોગ વેપારની નિકાસ આવતા સાત વર્ષમાં એક ટ્રિલિયન ડોલરે આંબી જશે. ભારત વર્ષ 2027-28 સુધીમાં વેપારની નિકાસમાં 1 ટ્રિલિયન ડોલર જ્યારે સેવાના ક્ષેત્રમાં 700 અબજ ડોલરની નિકાસ કરશે તેમ લક્ષ્યાંક સેવાયો છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતું. જેમાં સચિવ સુબ્રહ્મણ્યમ પણ જોડાયા હતા અને જણાવ્યું હતું કે સરકાર શુક્રવાર સુધીમાં નિકાસ ક્ષેત્ર માટે મુખ્ય કર તટસ્થકરણ યોજનાઓ હેઠળ રિફંડ દરો જાહેર કરે તેવી શક્યતા છે.
તેમણે જણાવ્યું કે, સરકાર આ સપ્તાહના અંત સુધીમાં નિકાસ કરેલી પ્રોડક્ટ્સ ( RoDTEP ) સ્કીમ પરની કર અને કરની મુક્તિ માટે ટેક્સ રિફંડ દર આ ઉપરાંત રિબેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ લેવીશ એન્ડ ટેક્સીસ (RoSCTL)ના કાપડ-વિશિષ્ટ રિબેટ માટે ગુરુવાર સુધીમાં સૂચિત કરે તેવી શક્યતા છે. ચાકુ વર્ષે 500 અબજ ડોલરની નિકાસનો લક્ષ્યાંક છે. જે હાંસલ કર્યા બાદ હવે આગામી 7 વર્ષના સમયગાળામાં 1 ટ્રિલિયન ડોલર અંગેનો રોડમેપ તૈયાર કર્યો છે. અને આ માટે જાપાન, યુરોપિયન સંઘ અને અમેરિકાની જેમ ભારત સરકાર દ્વારા માર્કેટ ઇન્ટેલિજન્સ નેટવર્ક પણ ઉભું કરવામાં આવશે.