- બંનેમાંથી જે પ્રશ્ર્ન લખ્યો હોય તે પ્રશ્ર્ન બોર્ડે ગ્રાહ્ય રાખવા વિધાર્થીઓની માંગ
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગઈકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે ત્યારે પરીક્ષાના પ્રથમ દિવસે જ શિક્ષણ બોર્ડે ભગો કર્યો છે જેના લીધે હજારો વિદ્યાર્થીઓને નુકસાન થયું છે. ધોરણ 12 સાયન્સમાં ગુરુવારે ભૌતિકવિજ્ઞાનનું પેપર લેવાયું હતું જેમાં બોર્ડે પહેલીવાર તદ્દન નવી જ પેપર સ્ટાઈલ પ્રમાણેનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને આપી દીધું હતું. આ પ્રશ્નપત્રમાં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ બંનેના પ્રશ્નો એકસાથે જ આપી દેવાતા વિદ્યાર્થીઓમાં ભારે મૂંઝવણ ઊભી થઇ હતી.
જે પેપર સ્ટાઈલ શિક્ષકોએ પણ પહેલીવાર જોઈ હતી તે પેપર જોઈને મૂંઝાયેલા વિદ્યાર્થીઓએ જ્યારે ક્લાસમાં સુપરવાઈઝરને પૂછ્યું કે બંનેમાંથી ક્યો પ્રશ્ન સાચો. ત્યારે દરેક કેન્દ્રમાં સુપરવાઈઝરોએ જુદા જુદા જવાબ આપતા વિદ્યાર્થીઓ પણ ગેરમાર્ગે દોરાયા હતા. પેપરની નવી પેટર્નને ખંડ નિરીક્ષક પણ ન સમજી શક્યા હતા. વિદ્યાર્થીઓ એજ મૂંઝવણમાં રહ્યા કે ઉપર આપેલા પ્રશ્નનો જવાબ લખવો કે નીચે આપેલા. ઘણા વિદ્યાર્થીઓ દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોના જવાબો લખીને આવ્યા. કારણ કે, તે સહેલા હતા. પેપર એક જ હતું પણ બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ અને રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન અલગ હતા. સામાન્ય રીતે સીબીએસઈમાં આ પ્રકારે પેપર સ્ટાઈલથી પ્રશ્નો પૂછાતા હોય છે, પરંતુ ગુજરાત બોર્ડમાં પહેલીવાર આ પ્રકારનું પેપર વિદ્યાર્થીઓના હાથમાં આવ્યું જેની ખુદ શિક્ષકોને પણ ખબર ન હતી. ઘણા વિદ્યાર્થીઓને ખોટા પ્રશ્નોના જવાબ લખાય ગયા. ઘણાને લખવાના છૂટી ગયા. પેપર પૂરું કર્યા બાદ વિદ્યાર્થીઓને શિક્ષકોમાં ગુરુવારે આખો દિવસ આ જ પેપરની અને ભૂલની ચર્ચા રહી હતી અને વિદ્યાર્થી-વાલીઓમાં આ મુદ્દે રોષ ઉભો થયો છે.