- પીએમએવાય યોજના હેઠળ છેલ્લા દસ વર્ષમાં કુલ 4.21 કરોડ મકાનો બનાવાયા, હવે નવા 3 કરોડ મકાન ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં બનશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી પ્રથમ કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવા માટે લીલીઝંડી આપી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત કાર્યભાર સંભાળ્યા પછી તેમની કેબિનેટની આ પ્રથમ બેઠક મળી હતી. એનડીએના બધા પ્રધાનો આ બેઠકમાં હાજર હતા. કેબિનેટ મીટિંગમાં ગ્રામીણ અને શહેરી એમ કુલ ત્રણ કરોડ મકાનો બનાવવા માટે આ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રકારના મકાનો માટેના કુટુંબોની સંખ્યામાં વધારો થવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ભારત સરકાર 2015-16થી પીએમએવાય યોજનાનો અમલ કરે છે. આ યોજનાોમાં શહેરી અને ગ્રામીણ ગરીબોને મૂળભૂત સગવડો ધરાવતા પાકા મકાનો પૂરાં પાડવામાં આવે છે. પીએમએવાય યોજના હેઠળ છેલ્લા દસ વર્ષમાં કુલ 4.21 કરોડ મકાનો બાંધવામાં આવી ચૂક્યા છે. આ યોજનાનો લાભ લેનારા બધા કુટુંબોને ઘરદીઠ શૌચાલય, એલપીજી જોડાણ, વીજ જોડાણ અને પીવાના પાણીનું જોડાણ પૂરુ પાડવામાં આવે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને એકીકૃત કરીને આ સગવડો પૂરી પાડવામાં આવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર પદ ગ્રહણ કર્યા પછી પીએમઓ અધિકારીઓને તેમના પ્રથમ સંબોધનમાં જણાવ્યું કે તેમની ઓફિસ મોદીની પીએમઓના સ્થાને લોકોની પીએમઓ બનવી જોઈએ અને તેણે સમગ્ર સીસ્ટમને દોરવણી આપતા અને નવી ઊર્જા ઉત્પન્ન કરતા પ્રેરક તત્વ તરીકે કામ કરવું જોઈએ. રાષ્ટ્રએ આપણા પર વિશ્વાસ મુક્યો છે. આપણે સમયની પરવા કર્યા વિના કામ કરવાનું છે.ભારતના 140 કરોડ નાગરિકો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરતા વડા પ્રધાને જણાવ્યું કે આ નાગરિકો માત્ર મનુષ્યો નથી પણ ઈશ્વરનું સ્વરૂપ છે. હું જ્યારે સરકારમાં કોઈ નિર્ણય લઉં છું ત્યારે માનું છું કે મેં આ 140 કરોડ દેશવાસીઓની પૂજા કરી છે. વડા પ્રધાને નિર્ધારીત લક્ષ્યાંકો હાંસલ કરવા મક્કમતા અને સખત પરિશ્રમના મહત્વ પર ભાર મુક્યો હતો.
વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું જ એક સામૂહિક લક્ષ્યાંક હોવું જોઈએ. આપણી પાસે એક જ લક્ષ્ય છે – રાષ્ટ્ર પ્રથમ. એક જ ઈરાદો છે – 2047 વિકસિત ભારત. મેં આ વાત જાહેરમાં પણ કહી છે, મારી પળ પળ દેશના નામે છે. મેં દેશવાસીઓને 2047ના લક્ષ્યાંક માટે દરરોજ 24 કલાક કામ કરવાનું વચન આપ્યું છે. મને મારી ટીમ પાસેથી પણ આવી જ અપેક્ષા છે. સમયસર કામ પૂર્ણ કરવું સારી બાબત છે પણ સંપૂર્ણ નથી. હું માનું છું કે નક્કી કરેલા કાર્યમાં સુધારા થતા રહેવા જોઈએ. આપણે આવા ઈરાદા સાથે કામ કરીશું તો મને પૂર્ણ ખાતરી છે કે આપણે આપણા સ્વપ્નો અને આકાંક્ષાઓ સાકાર કરી શકશું.વડા પ્રધાને ઉમેર્યું કે આપણે એવા લોકો નથી જેના માટે ઓફિસ કોઈ ચોક્કસ સમયે શરૂ થાય અને ચોક્કસ સમયે બંધ થાય. આપણે સમય સાથે બંધાયેલા નથી.