બોગસ ડિગ્રીકાંડની તપાસનો રીપોર્ટ આપવામાં અધિકારીઓની આનાકાની, સભ્યો અને પ્રમુખે ભાર મુકતા અંતે રીપોર્ટ જાહેર કરાશે
જિલ્લાભરના ગામોમાં તલાટીઓની અનિયમિતતા સામે કોઈ કાર્યવાહી ન થતી હોવાનો સભ્યનો આક્ષેપ
જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ યોજાઈ હતી. આ સામાન્યસભા જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશ વિરાણીની અંતિમ તથા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશીયાની પ્રથમ હતી. પ્રથમ સામાન્ય સભામાં જ ડીડીઓ રાણાવશીયા પર પ્રશ્નોની તડાપીટ બોલી હતી. સભ્યોએ છેલ્લા ૬ માસથી પેન્ડીંગ પડેલા પ્રશ્નોના રીતસર મારો ચલાવીને અધિકારીઓને હંફાવ્યા હતા.
જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પ્રમુખ નિલેશ વિરાણીની અધ્યક્ષતામાં સંપન્ન થઈ હતી. સામાન્યસભામાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવાણા, કારોબારી સમિતિના ચેરમેન અર્જુનભાઈ ખાટરીયા, જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા તેમજ જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂ આતમાં તમામ પદાધિકારીઓએ નવા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશીયાનું ઉષ્માભયુર્ં સ્વાગત કર્યું હતું. બાદમાં તમામ સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારી પર રીતસર પ્રશ્નોના મારો ચલાવ્યો હતો.
જિલ્લા પંચાયતના સભ્ય ચંદુભાઈ શીંગાળાએ રાજકોટ જિલ્લા અને ગામોમાં લાભાર્થીઓને ફાળવવામાં આવેલા ૧૦૦ ચો.વાર પ્લોટો ઉપર દબાણો દુર કરવા માટે શું પગલા લેવાયા છે તેઓ પ્રશ્ન પુછયો હતો. જેના પ્રત્યુતરમાં અધિકારીઓએ દબાણ થયેલ પ્લોટ અંગે તલાટી કમ મંત્રીઓએ દબાણકર્તાઓને નોટિસ આપ્યાનું જણાવ્યું હતું. વધુમાં તેઓએ પ્રશ્નો પુછયો હતો કે, જિલ્લા પંચાયત હેઠળ સિંચાઈ વિભાગના સરકાર દ્વારા મંજુર કરાયેલા કેટલાક કામો પેન્ડીંગ છે. જેના પ્રત્યુતરમાં અધિકારીઓએ રાજકોટમાં ૭, લોધીકામાં ૮, કોટડાસાંગાણીમાં ૮, પડધરીમાં ૧૦ કામો પેન્ડીંગ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સભ્ય કિશોરભાઈ પાદરીયાએ મંડલીકપુર ગામે ગૌચરમાં દબાણ કરી ગ્રામ પંચાયતે બારોબાર ભ્રષ્ટાચાર કરેલ છે તે અંગે થયેલ તપાસની વિગત માંગી હતી.
વધુમાં કિશોરભાઈ જિલ્લાભરમાં તલાટીઓની અનિયમિતતાને લઈને ડીડીઓનો ઉધળો લીધો હતો. કિશોરભાઈના જણાવ્યા મુજબ તલાટી કમ મંત્રીઓ યોગ્ય કારણ સિવાય કવાર્ટર છોડી શકતા નથી તેઓ પરીપત્ર હોવા છતાં તલાટી કમ મંત્રીઓ પોતાના ગામમાં એક-એક અઠવાડિયા સુધી આવતા ન હોવાની અનેક અરજદારોની ફરિયાદ મળી છે. જિલ્લા પંચાયત દ્વારા આવા તલાટીઓ સામે કુણુ વલણ દાખવવામાં આવી રહ્યું છે જેથી તેઓને વધારે પ્રોત્સાહન મળી રહ્યું છે.
જિલ્લા પંચાયત સભ્ય બાલુભાઈ વિંઝુડાએ બોગસ ડિગ્રી કાંડની તપાસ અંગેનો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. તેઓએ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં થયેલી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં બોગસ ડિગ્રીના આધારે નોકરી મેળવનારની જે તપાસ ચાલી રહી છે તેનો રીપોર્ટ માંગ્યો હતો. જિલ્લા પંચાયત દ્વારા બોગસ ડિગ્રીને તપાસ અર્થે બે ટીમો બનાવીને જે કોઈ યુનિવર્સિટીની મુલાકાત લેવામાં આવી હતી આ તપાસનો રીપોર્ટ સભ્યએ રજુ કરવાનું જણાવ્યું હતું ત્યારે ડીડીઓએ કોર્ટની મેટર હોવાના લીધે રજુ ન થઈ શકવાનું કહ્યું હતું તે વેળાએ સભ્યોએ સાથે મળીને આ બાબતે વધુ ભાર આપતા અંતે ડીડીઓએ તપાસનો રીપોર્ટ જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com