આદિત્યાણામાં જૂની અદાવતના કારણે ત્રણ શખ્સો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો’તો
પોરબંદરના રાણાવાવ નજીક આદિત્યાણા ખાતે પૂર્વ ધારાસભ્યના ભાઇ ભીમા દુલા પર ફાયરિંગ કરી હત્યાની કોશિષ અંગેનો નોંધાયાલે કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે અનિલભાઇ દેસાઇની નિમણુંક કરવામાં આવી છે. આદિત્યાણા ખાતે મુસ્લિમ પરિવારની થયેલી હત્યામાં ભીમા દુલાની સંડોવણી બહાર આવ્યા બાદ હત્યાનો બદલો લેવા માટે આદિત્યાણામાં બ્રહ્મસમાજની વાડી પાસે મહંમદ ખાલીદ સલીમ મુંદ્રા, અલ્તાફ ઉર્ફે ટીટી અલીમામદ મુંદ્રા અને સલીમ ઇસ્માઇલ મુંદ્રા નામના શખ્સોએ પિસ્તોલમાંથી ફાયરિંગ કરી હત્યાની કોશિષ કર્યાનો ગુનો નોંધાયો હતો.
હત્યાની કોશિષના કેસમાં સરકાર દ્વારા સ્પેશ્યલ પીપી તરીકે રાજકોટના જાણીતા એડવોકેટ અનિલભાઇ દેસાઇની નિમણુંક કરવામાં આવી છે. અનિલભાઇ દેસાઇ આ પહેલાં અમરેલીના અદિતી હત્યા કેસ, કાળીપાટ ડબલ મર્ડર, રાજકોટમાં કાલાવડ રોડ પર કાઠી યુવાનની થયેલી હત્યા અને જસદણના ડબલ મર્ડર કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે ફરજ બજાવી છે તેમજ રાજકોટ જિલ્લા સરકારી વકીલ તરીકે પણ પસંશનીય ફરજ બજાવી અનેક ચકચારી કેસના આરોપીઓને સજા અપાવી છે.