- ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી, સમગ્ર પ્રયાગરાજનો વ્હીકલ ઝોન જાહેર
- અત્યાર સુધીમાં 46.25 કરોડથી વધુ ભક્તો મહાકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા
મહાકુંભમાં આજે પાંચમા સ્નાન માટે કરોડો લોકોનો જનસૈલાબ ઉમટી પડ્યો હતો. ખુદ યુપીના મુખ્યમંત્રી યોગીએ મોરચો સંભાળ્યો છે. મહાકુંભના એડિશનલ મેળા અધિકારી વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આજે ’મહા પૂર્ણિમા’નું સ્નાન છે, આ વખતે મેળામાં ખૂબ ભીડ છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે. મહાકુંભ દરમિયાન મહા પૂર્ણિમા નિમિત્તે સવારે 2 કલાકમાં જ 73 લાખથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી, જેમાં 10 લાખથી વધુ કલ્પવાસીઓનો પણ સમાવેશ થાય છે.રાત સુધીમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી લગાવશે. પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે. વહીવટીતંત્રે અમૃત સ્નાન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. સીએમ યોગી પોતે સવારે 4 વાગ્યાથી માઘી પૂર્ણિમાના સ્નાનનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત, ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, મેળા વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને સમગ્ર પ્રયાગરાજ શહેરને નો વ્હીકલ ઝોન જાહેર કર્યું છે. મેળા વહીવટીતંત્રે મહા પૂર્ણિમા પર એક નવો ટ્રાફિક પ્લાન અમલમાં મુક્યો છે. નવા ટ્રાફિક પ્લાન મુજબ, મેળા વિસ્તાર સહિત સમગ્ર શહેરને આજે નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. કલ્પવાસીઓના વાહનોને પણ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી. મેળા વિસ્તારમાં ફક્ત વહીવટી અધિકારીઓના વાહનો અને આરોગ્ય વિભાગના વાહનોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત,વીવીઆઈપી પાસ પણ રદ કરવામાં આવ્યા છે. સીએમ યોગીએ પાંચમા અમૃત સ્નાન નિમિત્તે સંગમ કિનારે પહોંચેલા ભક્તો અને રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, પવિત્ર સ્નાન પર્વ મહા પૂર્ણિમાની રાજ્યના તમામ ભક્તો અને લોકોને હાર્દિક શુભકામનાઓ! આજે પ્રયાગરાજમાં મહાકુંભ-2025માં પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર સ્નાન કરવા આવેલા તમામ પૂજ્ય સંતો, ધાર્મિક નેતાઓ, કલ્પવાસીઓ અને ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ! ભગવાન શ્રી હરિ ની કૃપાથી દરેકનું જીવન સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરેલું રહે. માતા ગંગા, માતા યમુના અને માતા સરસ્વતી બધાની મનોકામના પૂર્ણ કરે, આ જ કામના છે.
- અંબાણી પરિવારની ચાર પેઢીએ પ્રયાગરાજમાં સ્નાન કરી પૂણ્યનું ભાથુ બાંધ્યું
- નિરંજની અખાડાના સ્વામિ કૈલાશાનંદગિરિજી મહારાજે ગંગા પૂજા કરાવી

મુકેશ અંબાણીએ મંગળવારે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.
મુકેશ અંબાણીએ તેમની માતા કોકિલાબેન, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધુઓ શ્લોકા અને રાધિકા, પૌત્ર-પૌત્રીઓ પૃથ્વી અને વેદા, તથા બહેનો દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી સાથે સ્નાન કર્યું. મુકેશ અંબાણીના સાસુ પૂનમબેન દલાલ અને સાળી મમતાબેન દલાલ પણ હાજર રહ્યા.
અંબાણી પરિવારની ચાર પેઢીએ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમસ્થળે લાખો શ્રદ્ધાળુઓ સાથે આ આધ્યાત્મિક યાત્રામાં ભાગ લીધો. નિરંજનિ અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજે ગંગા પૂજા કરાવી. તે પછી, અંબાણીએ
પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ સાથે મુલાકાત કરી. આશ્રમમાં અંબાણી પરિવાર દ્વારા પ્રસાદી અને લાઇફ જેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેની ‘તીર્થયાત્રી સેવા’ દ્વારા મહાકુંભના શ્રદ્ધાળુઓની સેવા કરી રહી છે. આ સર્વસમાવિષ્ટ પહેલનો ઉદ્દેશ્ય યાત્રીઓની સુખાકારી અને કુંભ મેળાના આ મહાસંગ્રહમાં તેમની યાત્રાને સુગમ બનાવવાનો છે.
‘વી કેર’ ફિલોસોફી અનુસાર, રિલાયન્સ શ્રદ્ધાળુઓ માટે પૌષ્ટિક ભોજન (અન્ન સેવા), વ્યાપક આરોગ્યસુવિધા, સલામત પરિવહન અને કનેક્ટિવિટી સહિતની વિવિધ સેવાઓ પ્રદાન કરી રહી છે. કંપની દ્વારા વધુ સુવિધાઓમાં પવિત્ર નદીમાં સુરક્ષા, આરામદાયક વિશ્રામ ઝોન, સ્પષ્ટ માર્ગદર્શન અને પ્રશાસન, પોલીસ અને લાઇફગાર્ડ્સ માટે સહાયતાની વ્યવસ્થા સામેલ છે.