સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો : ઉત્સાહમાં આવી ટોળા વચ્ચે ધડાધડ ફાયરિંગ કર્યું તુની કબૂલાત
અબતક,રાજકોટ
શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન એક યુવાન હવામાં ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વહેતો થયો હતો. જે વીડિયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતા બનાવની તપાસ કરવા આદેશ કર્યો હતો. તપાસ દરમિયાન વીડિયો ભગવતીપરા વિસ્તારનો હોવાની માહિતી મળતા બી ડિવિઝન પોલીસમથકના પીઆઇ એમ.બી.ઔસુરા સહિતના સ્ટાફે વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી.
હવામાં ફાયરિંગ કરતો વીડિયો ભગવતીપરા નંદનવન સોસાયટીના શિવાજી ચોક ખાતેનો અને તા.19ના ગણેશ વિસર્જન સમયનો હોવાની પોલીસને માહિતી મળી હતી. વધુ તપાસમાં હવામાં ફાયરિંગ કરનાર નંદનવન સોસાયટી-3માં રહેતો શૈલેષ રામક્રિષ્નસીંગ યાદવ નામનો યુવાન હોવાનું જાણવા મળતા તેની પૂછપરછ કરતા તેને વીડિયોમાં દેખાતો યુવાન તે જ હોવાનું અને તેને એરગન મારફતે હવામાં ફાયરિંગ કર્યાની કેફિયત આપી હતી. અને તેને ફાયરિંગ વિશે પૂછતાં તેને કબૂલાત આપી હતી કે તેને ઉત્સાહમાં આવીને તોલા વચ્ચે ફાયરિંગ કર્યું હતું.
પોલીસે જાહેરમાં ફાયરિંગ કરી અન્ય લોકોની જિંદગી જોખમાય તેવું કૃત્ય કર્યું હોય જેથી તેના વિરુદ્ધ ગુનો નોંધી શૈલેષ યાદવની ધરપકડ કરી એરગન કબજે કરી છે. વિશેષ પૂછપરછમાં શૈલેષ યાદવ દવાના સેલ્સમેન તરીકે નોકરી કરે છે અને તે એનસીસીનો કેડેટ પણ હોવાનું જણાવ્યું છે. જ્યારે એરગન 2020માં આબુથી રૂ.1400નું ખરીદ્યાનું જણાવી તેનું બિલ પણ તેને રજૂ કર્યાનું પીઆઇ ઔસુરાએ જણાવ્યું છે.