ભાજપના સ્વરૂપ ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ વચ્ચે ત્રિપાંખીયો જંગ: ચૂંટણીના પરિણામથી સત્ત્ાના સમિકરણો પર કોઈ ફેર નહી પડે પણ પ્રતિષ્ઠા મહત્વનો મુદો
રાજકોટ
ગુજરાતની વાવ વિધાનસભા બેઠક માટે આગામી 13મી નવેમ્બરના રોજ યોજાનારા પેટા ચૂંટણીના મતદાન માટે આજે સાંજે પ્રચારના ભુંગળા શાંત થઈ જશે. પેટા ચૂંટણીનાં પરિણામથી સત્તાના સમિકરણો પર કોઈ જ અસર પડવાની નથી છતા ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ સમી બની રહી છે.
વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વાવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીતી ધારાસભ્ય બન્યા હતા. દરમિયાન તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની બનાસકાંઠા બેઠક પરથી જીતી ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા છે. તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી જેના માટે આગામી 13મી નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા સ્વરૂપ ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેની સામે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપી છે. ભાજપ સામે બળવો પોકારી માવજીભાઈ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. આમ ત્રિપાંખીયો જંગ જામ્યો છે.
વાવ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીના પરિણામથી સત્તાના સમીકરણો પર કોઈજ અસર થવાની નથી પરંતુ ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ સમાન બની ગયો છે. છેલ્લી બે ટર્મથી વાવ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જીતી રહ્યા છે. ભાજપ કોઈપણ ભોગે કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવા મથી રહ્યો છે. સામા પક્ષે કોંગ્રેસ આ બેઠક જાળવી રાખવા એડી ટોચીનું જોર લગાવી રહ્યું છે. માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે ઝુંકાવતા ત્રિપાંખીયા જંગ જામ્યો છે.
વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ફોર્મ ભરનાર માવજી પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ
રાજકોટ
વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સ્વરૂપ ઠાકોર સામે બળવો પોકારી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઝૂકાવનાર માવજીભાઇ પટેલ સહિત પાંચ નેતાઓને ભાજપ દ્વારા પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના આદેશ બાદ બનાસકાંઠા જિલ્લાના ભાજપના પાંચ આગેવાનોને પક્ષમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે.
બનાસ બેન્કના ડિરેક્ટર માવજીભાઇ ચતરાભાઇ પટેલ, ભાભાર માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજીભાઇ હમીરભાઇ ચૌધરી (પટેલ), જિલ્લા ખરીદ વેંચાણ સંઘના પૂર્વ ચેરમેન દેવજીભાઇ પ્રેમાભાઇ પટેલ, ભાભર માર્કેટીંગ યાર્ડના ચેરમેન દલરામભાાઇ નાગજીભાઇ પટેલ અને સુઇગામ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી જામાભાઇ ભૂરાભાઇ પટેલને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી દુર કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.