ઈમ્પિરિયલ પેલેસ હોટલમાં ઘુસેલા આતંકીઓ ઠાર: એન.એસ.જી.ના કમાન્ડોએ સાડા ત્રણ કલાકના ઓપરેશનના અંતે બંધકોને મુકત કરાવ્યા
શહેરના યાજ્ઞિક રોડ પર હોટેલ ઈમ્પીરીયલ પેલેસમાં બોમ્બ અને એ.કે.૫૬ સાથે ચાર આતંકવાદીઓએ ઘુસી હોટેલમાં ૧૫ જેટલા ઉતારુઓને બંધક બનાવી લેતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. રેસ્કયુ ઓપરેશન માટે દિલ્હીથી ખાસ વિમાનમાં આવેલા એનએસજીના ચાર આઈજી, ૨૨ એસપી અને કમાન્ડો સહિત ૧૬૦ જવાનોની ટીમે
ઓપરેશન પાર પાડી ચારેય આતંકીને ઠાર કરી બંધકોને મુકત કરાવ્યા હતા. હકિકતમાં હોટલમાં આતંકવાદીઓ ઘુસ્યા ન હતા પરંતુ મુંબઈની તાજ હોટેલમાં થયેલા આતંકવાદી હુમલાનું પુનરાવર્તન થાય તો કઈ રીતે ઓપરેશન પાર પાડી શકાય તે માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલ માટે યાજ્ઞિક રોડ અને હોટલની પાછળના રોડ બંધ કરાવી દેવાયા હતા. આ મોકડ્રીલ જોવા શહેરીજનો ઉમટી પડયા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોકડ્રીલની માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં આવતા મોટાભાગના સેલીબ્રીટી ઈમ્પીરીયલમાં રોકાણ કરતા હોવાથી મોકડ્રીલ માટે આ હોટેલની પસંદગી કરવામાં આવી હતી અને મોકડ્રીલ માટે બે મહિનાથી તૈયારી ચાલી રહી હતી. આજે આર. કે. સી. કોલેજમાં અને કાલે આઈઓસી બોટલિંગ પ્લાન્ટમાં એનએસજીની મોકડ્રીલ યોજાશે. આ મોકડ્રીલમાં એસઓજીના પી.આઈ કે.કે.ઝાલા અને કયુઆરટીની ટીમ તથા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડને સાથે રખાયા હતા.