કોર્પોરેશન, શહેર પોલીસ, માર્ગ અને મકાન વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રૂડાના અલગ-અલગ પ્રોજેકટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે માદરે વતન રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના હસ્તે અલગ-અલગ વિભાગોના ૧૭૫ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. તમામ કાર્યક્રમોનું સંયુકત ડાયર્સ ફંકશન શહેરના રૈયા રોડ પર આવેલા શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરીયમની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે યોજાશે. રાત્રી રોકાણ પણ મુખ્યમંત્રી રાજકોટમાં કરશે. આવતીકાલે સવારે યોજાનારી રાજકોટ મેરેથોનનું ફલેગ ઓફ કર્યા બાદ તેઓ ગાંધીનગર જવા માટે રવાના થશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે ૪:૪૫ કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. તેઓના હસ્તે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૯૧ લાખના ખર્ચેના એસ્ટ્રોન ચોકના નાલા પાસે જન કલ્યાણ સોસાયટી, સર્વેશ્ર્વર ચોક વચ્ચે બનાવવામાં આવેલા સાઈકલ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવશે. વોર્ડ નં.૫માં પેડક રોડ પર સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલમાં આગળના ભાગેરૂ૯૧ લાખના ખર્ચે બનનારા જીમ્નેશીયમનું ખાતમુહૂર્ત, વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં રૂ.૯.૩ કરોડના ખર્ચે વીઆઈ ડિસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનનું ખાતમુહૂર્ત, કોઠારીયા વિસ્તારમાં નારાયણનગર હેડ વર્કસ હેઠળના વિસ્તારમાં ૬.૪૬ કરોડના ખર્ચે ડીઆઈ ડિસ્ટ્રીબ્યુશન લાઈનનું ખાતમુહૂર્ત તથા તિરૂપતિ પાર્ક હેડ વર્કસ હેઠળ વિસ્તારમાં ૮.૮૨ કરોડના ખર્ચે બિછાવવામાં આવનાર ડીઆઈ ડિસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનનું ખાતમૂહૂર્ત કરવામાં આવશે. વોર્ડ નં.૬માં ગોકુલનગર ખાતે સ્માર્ટઘર યોજના અંતર્ગત ૯ કરોડના ખર્ચે બનનારા ૧૨૮ ઈડબલ્યુએસ આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ શહેર પોલીસ દ્વારા મુંજકા ખાતે ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, મોટામવા ખાતે રૂ.૧.૯૫ કરોડના ખર્ચે બનેલા તાલુકા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા શ્રોફ રોડ પર રૂ.૧૩.૨ કરોડના ખર્ચે બનાવામાં આવેલા જિલ્લા સેવા સદનનું લોકાર્પણ અને રૂ.૧૫.૮ કરોડના ખર્ચે પ્રેમ મંદિર પાસે કવાર્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ફેઈસ-૧માં રૂ.૫.૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા એસ્ટ્રોટર્ફ, હોકી, સિન્થેટીક બાસ્કેટ બોલ, સિન્થેટીક ટેનીસ, ફુટબોલ, ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવશે. રૂ.૧.૫ કરોડના ખર્ચે સેન્ટ્રલ લેબોરેટરીનું ખાતમુહૂર્ત, રૂ.૧.૨૫ કરોડના ખર્ચે બનેલી ગર્લ્સ હોસ્ટેલ, પાંચ કરોડના ખર્ચે બનેલા ‚ફટોપ સોલાર સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવશે. રૂ.૧.૩ કરોડના ખર્ચે બનનારી સીસીડીસી લાઈબ્રેરીનું ખાતમુહૂર્ત, રૂ.૩.૪ કરોડના ખર્ચે બનનારી ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ હાઉસનું ખાતમુહુર્ત રૂ.૧૦ કરોડના ખર્ચે બનનારા ઓડિટોરીયમ અને રૂ.૧.૬૫ કરોડના ખર્ચે બનનારી ગર્લ્સ હોસ્ટેલનું ખાતમુહુર્ત કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૬૮.૩૮ કરોડના ખર્ચે મુંજકામાં એર્ફોડેબલ હાઉસીંગમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટનું ખાતમુહૂર્ત કરાશે અને રીંગ રોડ-૨, ફેઈસ-૨ કાલાવડ રોડ (મોટામવા)થી ગોંડલ રોડ (પારડી)નું લોકાર્પણ કરવામાં આવશે. તમામ પ્રોજેકટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ સાંજે ૫:૦૦ કલાકે મુખ્યમંત્રીને રૈયારોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમની બાજુના ગ્રાઉન્ડમાં સંયુકત ડાયર્સ કાર્યક્રમમાં હાજરી આપશે અને સભાને સંબોધશે.