જે લોકો જૈન ભુવનમાં ન આવી શકે તેવા લોકો માટે ટીફીન સેવા ઉપલબ્ધ
રવિવારે ફરસાણ, મીઠાઈ સહિતની ગુજરાતી થાળી
આજના મોંઘવારીના યુગમાં જયારે લોકોને જીવનનિર્વાહ ખુબ જ મોંઘુ પડી રહ્યું છે ત્યારે ગામડામાંથી શહેરમાં આવેલા તથા શહેરમાં રહેતા જરૂરીયાતમંદ લોકો સ્વમાનપૂર્વક સંઘર્ષ કરી રહ્યા છે. ખાસ તો સ્વમાન માટેના સંઘર્ષથી જજુમી રહ્યા છે જેનું કારણ કયાંકને કયાંક ઓછા પગાર અને મોંઘવારીને ગણી શકાય. આ સમયે જૈન ભવન કે જે લોકોને ૧ રૂા.માં એક ટકનું ફુલ ગુજરાતી થાળી જમાડે છે જે સ્વમાની જરૂરીયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બન્યું છે. ખાસ તો જૈન ભવનમાં સ્વચ્છતા પણ જોવા મળે છે જેથી અહીંયા જમવા આવતા લોકોને સ્વચ્છ વાતાવરણમાં શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે છે.
સાથો સાથ અહીંયા એક પરિવારમય વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું છે. નિયમિતપણે ૨૦૦ જેટલા લોકો પોતાની આંતરડી ઠારે છે અને લગભગ ૮૦ જેટલા ટીફીન પણ એવા લોકોને મોકલવામાં આવે છે કે જેવો જૈન ભવન સુધી પહોંચવા
જરૂરીયાત મંદને જમાડવાના ધ્યેયથી ભોજનાલય ચલાવાય છે: રમેશભાઈ શાહ
ભોજનાલયના પ્રણેતા નાગળદાસ શાહના પુત્ર રમેશભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમના પિતાએ જે ભોજનાલય શરૂ કર્યું તે એ આશયથી કર્યું હતું કે, દરેક જરૂરીયાતમંદને ભોજન મળી રહે. ૧ રૂપિયા એટલા માટે રાખવામાં આવ્યા છે કારણકે કોઈ પણ જૈન મફતમાં જમે નહીં. સાથો સાથ જે-તે માણસ જમે તેનું સ્વમાન પણ ઘવાય નહીં તે હેતુથી મહિને ૬૦ રૂપિયામાં લોકોને સ્વચ્છતાપૂર્વક શુઘ્ધ અને સાત્વીક આહાર આપવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતી અનુસાર આંતરડી ઠારવાને મોટુ પૂણ્ય મનાય છે: ચેતનભાઈ શાહ
નાગળદાસ શાહનાં પૌત્ર ચેતનભાઈ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓને ખાસ તો રાજકોટ ખુબ જ પસંદ છે. ખાસ તો તેવો મસ્કતમાં રહે છે પરંતુ માતૃભૂમિ હંમેશા વ્હાલી જ લાગતી હોય છે. ખાસ કરીને તેમના દાદાએ ભોજનાલયનો પ્રારંભ કર્યો ત્યારથી આજ સુધી માત્ર ૧ રૂપિયામાં એક ટક જમાડવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિમાં જમાડવાને મોટુ પુણ્ય માનવામાં આવે છે. તેમના દાદા પહેલા ગુપ્તદાન કરતા લોકોને જમાડતા. આમ તેઓએ ભોજનાલય શરૂ કરવાનો વિચાર આવ્યો અને તેઓએ ભોજનાલય શરૂ કર્યું. આ ઉપરાંત વધુમાં ઉમેયુૃં કે ધીરજમુનીના આશીર્વાદથી પાંચ વર્ષ પહેલાથી ભોજનાલયને નવી રીતે શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કમિટી ખુબ જ સારું કાર્ય કરી રહી છે તેમ જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું કે હાલ ઘણા બધા દાતાઓ અવિરતપણે દાન કરી રહ્યા છે. તેમનો પણ આભાર વ્યકત કર્યો હતો.
છેલ્લા ૨૬ વર્ષથી માત્ર રૂા.૧માં જમાડાય છે: શશીભાઈ વોરા
જૈન ભવન ભોજનાલયના સેક્રેટરી શશીભાઈ વોરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જૈન ભવન છેલ્લા ૨૦ વર્ષથી ચાલે છે. નાગળદાસ શાહએ જૈન ભવન ભોજનાલયની શરૂઆત કરેલી. હાલમાં જૈન ભવનમાં રૂા.૧માં ભોજન અપાય છે. કારણકે જૈન મફત જમે નહીં અને સાથોસાથ જે-તે વ્યકિતનું સ્વમાન ન ઘવાય. આમ ૧ રૂા. ભાવ ૧૯૮૪માં નકકી કરેલ છે. આજે એક થાળીની કિંમત ૫૮ રૂપિયાની આસપાસ થાય છે તો ૫૭ રૂપિયાને દાતાઓ ભોગવે છે. હાલમાં જૈનેતર દાતાઓ પણ આ ભોજનાલય સાથે જોડાયેલ છે. ખાસ કરીને જે લોકો જમવા ઈચ્છતા હોય તે માટેની એપ્લીકેશન સિસ્ટમ છે જે વધુ જરૂરીયાતમંદ હોય તેવોને પહેલો લાભ આપવામાં આવે છે. જે-તે સમયે વ્યકિત જમવા આવે ત્યારે તેનો પાસ લઈને આવે છે.
હાલમાં થાળીમાં બે શાક, રોટલી, દાળ-ભાત, છાશ, સંભારો, ગોળ પીરસવામાં આવે છે. આ ઉપરાંત ભોજનાલયમાં ત્રણ કેટેગરીમાં જમાડવામાં આવે છે. ૧ રૂા.ની ૧૦ રૂા.ની અને ૬૦ રૂા.ની પહેલી કેટેગરીમાં ખુબ જ જરૂરીયાતમંદ લોકોને લેવામાં આવે છે. બીજી કેટેગરીમાં ૧૦ રૂપિયામાં નાના પગારવાળા લોકોને જમાડવામાં આવે છે અને ત્રીજી ૬૦ રૂપિયાની કેટેગરી જે લોકો સ્પેશ્યલી જૈન ભોજન જમવા ઈચ્છતા હોય તેવા લોકો માટે રાખવામાં આવી છે. જમવાનો સમય થાય પહેલા મહાસતીજીને ગૌત્રી કરે છે પછી ટીફીન વ્યવસ્થા કરવામાં આવે છે અને બપોરે ૧૨:૦૦ થી ૧:૩૦ સુધી જમણવાર શરૂ થાય છે અને સાંજે પણ ૫ થી ૮ સુધી જમાડવામાં આવે છે. ખાસ તો હાલમાં જૈન અને જૈનતર બંનેને લાભ આપી સપ્રેમ જમાડવામાં આવે છે.
૧ રૂા.માં જરૂરીયાતમંદને જમાડવાનું ભગીરથ કાર્ય કરાઈ રહ્યું છે: નવિનભાઈ લાઠીયા
નિત્યપણે જમવા આવતા નવિનભાઈ લાઠીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલ જે રીતે લોકોને માત્ર ૧ રૂા.માં જમાડવાનું ભગીરથ કાર્ય ચાલુ છે જેનાથી લોકોને ભોજન તો મળી જ રહે છે પરંતુ સ્વચ્છતા અને પારિવારીક માહોલ મળે છે. આ બાબત ખુબ જ અગત્યની છે.
છેલ્લા પાંચ વર્ષથી અહિયા જમવા આવું છું: કિશોરભાઈ મહેતા
જૈન ભવનમાં જમવા આવતા કિશોરભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પારિવારિક ભાવના સાથે અહીંયા જમાડવામાં આવે છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી અહીંયા બે ટાઈમ જમે છે અને તેઓને જમવામાં ખુબ જ સારી રીતે ભોજન પીરસાય છે.
પારિવારિક માહોલમાં ભોજન પીરસાય છે: સુભાષભાઈ રાજાણી
જમવા આવેલા સુભાષભાઈ રાજાણીએ જણાવ્યું કે ખાસ કરીને અન્નદાન એ મોટુ માનવામાં આવે છે ત્યારે જૈન ભવનમાં માત્ર ૧ રૂા.ની કિંમતે લોકોની આંતરડી ઠારવામાં આવી રહી છે ત્યારે આ કાર્ય ખુબ જ સારું છે. અહીંયા આ કાર્ય આમ જ શરૂ રહે તો જરૂરીયાતવાળા લોકોને સ્વમાન સાથે આહાર મળી રહેશે.