કોરોના મહામારી અને લોકડાઉનને કારણે તમામ ઉદ્યોગ-ધંધાને વતા ઓછા અંશે નકારાત્મક અસરનો સામનો તો કરવો જ પડ્યો છે પરંતુ સમયાંતરે અનલોક સ્વરૂપે છૂટછાટ આપીને અને રાહત પેકેજ સ્વરૂપે આર્થિક મદદ કરીને સરકારે તમામ ઉદ્યોગ-ધંધાને બેઠા કરવા પ્રોત્સાહન આપ્યા છે. તેમ છતાં હજુ ઘણાં એવા વ્યવસાય એવા છે જેને હજી છૂટ પણ નથી અપાઈ અને આર્થિક સહાય પણ નથી અપાઈ. તેવો જ એક વ્યવસાય હોસ્ટેલનો છે. જે છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે સજ્જડ બંધ અવસ્થામાં છે.
લોકડાઉન અને મહામારીને કારણે હોસ્ટેલ સંચાલકોની હાલત કફોડી: શહેરની 150 હોસ્ટેલમાં મેન્ટેનન્સ ખર્ચ કાઢવો પણ પડકારરૂપ બન્યો
અનેક સંચાલકો વ્યાજે નાણાં લઈને મેન્ટેનન્સ કરવા મજબૂર
ભાડે બિલ્ડીંગ લઈને હોસ્ટેલ ચલાવતા સંચાલકોની દયનિય પરિસ્થિતિ
આસપાસના વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે લોજ ચલાવતા ધંધાર્થીઓની પણ માઠી બેઠી
શાળા-કોલેજો બંધ છે ત્યારે અનેકવાર આ મુદ્દો શેરી-મહોલ્લાથી માંડીને સચિવાલય સુધી ચર્ચાઈ ગયો છે પણ ક્યારેય શાળા-કોલેજ બંધ હોવાથી તેના પર નભતા અન્ય વ્યવસાયકારોની વાત ભાગ્યે જ કરાઈ હશે. અનેક સંચાલકો હોસ્ટેલ બંધ કરીને હવે અન્ય વ્યવસાય તરફ વળવા મજબૂર થઈ ગયા છે. મહામારીને કારણે હોસ્ટેલ પર લાગેલું તાળું કદાચ હવે ક્યારેય ન ખુલે તેવી પરિસ્થિતિ આવી જાય તો પણ નવાઈ નહીં.
કોરોનાને કારણે સ્કૂલ- કોલેજો લાંબા સમયથી બંધ છે. જેથી વિદ્યાર્થીઓ પર નભતા અન્ય વ્યવસાયો પણ પડી ભાંગ્યા છે. રાજકોટમાં હોસ્ટેલ સંચાલકોને સૌથી મોટો ફટકો પડ્યો છે. શહેરની 75 ટકા જેટલી હોસ્ટેલ્સને તાળાં લાગી ગયા છે. શહેરના હોસ્ટેલ સંચાલકો ફક્ત છેલ્લા બે વર્ષથી હવે તાળાં ક્યારે ઉતરશે? તે સવાલ પૂછી રહયાં છે. જો કે, સંપૂર્ણ બેકારીમાં સંપડાયેલા સંચાલકો હવે ના છૂટકે અન્ય વ્યવસાય તરફ વળવા મજબૂર બની ગયા છે.
અનેક સંચાલકો હવે અન્ય વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. અધૂરામાં પૂરું પરિવારનું ગુજરાન ચલાવવાની સાથોસાથ મેન્ટેનન્સ ખર્ચ જેમ કે, હોસ્ટલ બિલ્ડીંગનું ભાડું, વેરા, કર્મચારીઓને પરિવાર, લોનના હપ્તા ભરવા મજબૂર બન્યા છે. ત્યારે તમામ હોસ્ટેલ સંચાલકો સરકારને શાળા-કોલેજો શરૂ કરવા અન્યથા હોસ્ટલના ધંધાર્થીઓને કંઈક રાહત આપવા વિનંતી કરી રહ્યા છે.
રાજકોટમાં અંદાજિત 3 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ સ્કૂલ-કોલેજો બંધ હોવાથી શહેરમાં અંદાજે 150 જેટલી હોસ્ટેલ છે. જેમાંથી હાલ 75 ટકા હોસ્ટેલ્સ બંધ થઈ ગઈ છે. ત્યારે જો કોલેજો શરૂ થાય તો પણ હાલની સ્થિતિને જોતાં ફરી બેઠા થવામાં 1 વર્ષ જેટલો સમય લાગે તેમ છે.
લોન લઈને હોસ્ટેલ શરૂ કરી ત્યાં લોકડાઉન આવ્યું, હવે હપ્તા કાઢવા સૌથી મોટો પડકાર: વિપુલ ચાવડા (આશિર્વાદ હોમ્સ)
કાલાવાડ રોડ આશીર્વાદ હોમ્સના નામથી હોસ્ટેલ ચલાવતા વિપુલભાઈ ચાવડાએ કહ્યું હતું કે, માર્ચ માસમાં અમે હોસ્ટેલનું કાર્ય પૂર્ણ કર્યું અને હજુ વિદ્યાર્થીઓનું એડમિશન કર્યું ત્યાં કોરોના મહામારીએ ભરડો લેતા લોકડાઉન અમલી બન્યું. તે સમયથી આજ સુધી એક દિવસ પણ અમે કોઈ વિદ્યાર્થીઓને અહીં રાખી શક્યા નથી. હોસ્ટેલ માટે અમે લોન લીધી હતી અને તે રકમમાંથી હોસ્ટેલનું તમામ કાર્ય કર્યું હતું પણ હજુ સુધી એક રૂપિયાની પણ આવક થઈ નથી સામે લોનના હપ્તા ક્યાંથી કાઢવા તે મોટો સવાલ છે. શિક્ષકોના પગારથી માંડીને હોસ્ટલનું મેન્ટેનન્સનો ખર્ચ સતત ચાલુ છે તો આ તમામ રકમ ક્યાંથી લાવવી તે મોટો સવાલ છે.
સરકાર કંઈક રાહત આપે તો ટકી શકાય: પ્રવીણભાઈ સેગલીયા (આદિત્ય હોસ્ટેલ)
મુંજકા ખાતેની આદિત્ય હોસ્ટેલના સંચાલક પ્રવીણભાઈ સેગલીયાએ કહ્યું હતું કે, છેલ્લા 2 વર્ષથી એક રૂપિયાની આવક નથી અને સામે જાવક સતત ચાલુ છે. તમામ ખર્ચ અગાઉની જેમ ચાલુ જ છે ત્યારે આ ખર્ચ માટેના પૈસા ક્યાંથી કાઢવા તે મૂંઝવણ ઉભી થઇ છે. જે લોકોએ ભાડે બિલ્ડીંગ રાખેલી છે તેમની પરિસ્થિતિ તો ખૂબ જ કફોડી બની ગઈ છે ત્યારે હવે સરકાર અમારી બાજુ પણ ધ્યાન આપીને કંઈક રાહત આપે તો અમે પણ ટકી શકીએ. આ પરિસ્થિતિમાં હવે જો કંઇક રાહત નહીં મળી તો ચોક્કસ હોસ્ટેલનો વ્યવસાય પડી ભાંગશે.
બંધ વ્યવસાયે ભાડા પેટે રૂ.12 લાખ ચૂકવ્યું: હસમુખભાઈ જોશી (સાંદિપની હોસ્ટેલ)
વાજડી ગામ ખાતે સાંદિપની હોસ્ટેલ ચલાવતાં હસમુખભાઈ જોશીએ કહ્યું હતું કે, છેલ્લા 2 વર્ષથી હોસ્ટેલ સજ્જડ બંધ છે. રાજકોટ તો શિક્ષણનું હબ છે ત્યારે અનેક બહારગામના વિદ્યાર્થીઓ અહીં હોસ્ટેલ્સમાં રહીને અભ્યાસ કરતા હોય છે પણ હાલ શિક્ષણકાર્ય બંધ હોવાથી હોસ્ટેલ્સ પણ બંધ છે. ત્યારે છેલ્લા બે વર્ષથી બંધ વ્યવસાયે અમે રૂ. 12 લાખનું ભાડું ચૂકવી ગયા છીએ જેની સામે કોઈ જ પ્રકારની આવક થતી નથી. તે ઉપરાંત અન્ય હોસ્ટલના કર્મચારીઓના પગાર પણ ચૂકવવા પડતા હોય છે. પૈસાની ખેંચતાણને કારણે અમે રસોઈયાથી માંડીને
અનેક કર્મચારીઓને છુટા કરી દીધા છે. હવે તો શૈક્ષણિક કાર્ય શરૂ થાય તો જ અમે ફરીવાર બેઠા થઈ શકીએ છીએ અન્યથા હવે વ્યવસાય બંધ જ કરવો પડે તેવી સ્થિતિ છે.
માર્ચ માસમાં લાગેલું લોકડાઉન સ્વરૂપનો ‘લોક’ હજુ યથાવત: વિશાલ આહીર (વિશાલ હોસ્ટેલ)
મુંજકા ખાતેની વિશાલ હોસ્ટેલના સંચાલક વિશાલભાઈ આહિરે કહ્યું હતું કે, માર્ચ 2020માં લોકડાઉનને કારણે હોસ્ટેલના વ્યવસાય પર લાગેલો ’લોક’ હજુ પણ યથાવત છે. વચ્ચે 2 મહિના છૂટછાટ મળી હતી ત્યારે હજુ તો વિદ્યાર્થીઓ આવતા થયા ત્યાં ફરીવાર તાળું લાગી ગયું હતું. આ તાળું ક્યારે ઉતરશે હવે તેની જ રાહ જોઈ રહ્યા છીએ. હાલ પરિસ્થિતિ તો એવી છે કે, અન્ય વ્યવસાય કરવો
પડે છે અને તેમાંથી જે નાણાંની આવક થાય તે હવે અહીં મેન્ટેનન્સ માટે ખર્ચવા પડે છે. રસોઈયા, સફાઈ કર્મચારીઓ સહિતના સ્ટાફને હવે છુટા કરી દેવા પડ્યા છે જેથી અમે તો બેરોજગાર થયા સાથોસાથ અન્ય 10 લોકો પણ બેરોજગાર થઈ ગયા છે.
વર્ષ આખાનું કારીયાણું ગૌશાળામાં આપી દેવું પડયું: કાંતિભાઈ ઘેટિયા (એસ.કે. હોસ્ટેલ)
છેલ્લા 2 વર્ષથી હોસ્ટલ સંચાલકોની જે દુર્દશા થઈ છે તેની કલ્પના પણ કરી શકાતી નથી. રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું પાટનગર તો છે જ સાથોસાથ શિક્ષણનું પણ હબ છે ત્યારે લાખો વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થાના ભાગરૂપે હોસ્ટેલનો વ્યવસાય ચાલતો હોય છે. હાલ શૈક્ષણિક કાર્ય જ બંધ છે તો
વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા તો નથી જ આવવાના. રાજકોટ શહેરની જ ફક્ત વાત કરવામાં આવે તો મારા મત મુજબ હોસ્ટેલ સંચાલકોને કુલ રૂ. 200 કરોડથી પણ વધુ ફટકો પડયો છે. હવે આ પરિસ્થિતિમાંથી બેઠા થવા માટે 2 વર્ષનો સમય પણ ટૂંકો પડી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું અમારી જ વાત કરું તો વિદ્યાર્થીઓ માટે અમે રસોડું પણ અહીં જ ચલાવીએ છીએ જેથી એક વર્ષના કરીયાણાની ખરીદી કરી હતી. વર્ષના શરૂઆતમાં જ લોકડાઉન આવ્યું જેથી લાખો રૂપિયાનું અનાજ બગડવા લાગ્યું ત્યારે અમે તમામ અનાજ ગૌશાળામાં આપી દેવા મજબૂર બન્યા હતા.
લોન હપ્તા, સ્ટાફનો પગાર, મેન્ટેનન્સ ખર્ચ માટેના નાણાં ક્યાંથી લાવવા?: જીજ્ઞેશભાઈ જોશી (શિવમ હોસ્ટેલ)
શિવમ હોસ્ટેલના જીગ્નેશભાઈ જોશીએ કહ્યું હતું કે, દિનપ્રતિદિન પરિસ્થિતિ ખૂબ બગડતી જઈ રહી છે. લોન લઈને હોસ્ટેલ શરૂ કરી હતી અને આ વ્યવસાયથી અનેકવિધ અપેક્ષાઓ હતી પણ જે રીતે શૈક્ષણિક કાર્ય બંધ થઈ ગયું છે તેના કારણે તમામ અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે. હાલ આ વ્યવસાયથી એક
પણ રૂપિયાની આવક તો થતી જ નથી પણ સામે દર મહિને લોનના હપ્તા, સ્ટાફનો પગાર, અન્ય મેન્ટેનન્સ ખર્ચ કાઢવો જ પડે છે. હવે આ તમામ રકમની ચુકવણી માટેના નાણાં ક્યાંથી લાવવા તે મોટો સવાલ થઈ ગયો છે. સરકાર હવે અમારી વ્યથા ધ્યાને લઈને કંઈક યોગ્ય પગલાં લે તેવી અમારી વિનંતી છે. જો ટૂંક સમયમાં કોઈ યોગ્ય પગલાં નહીં લેવાય તો ચોક્કસ અમારો વ્યવસાય તો પડી જ ભાંગશે.
અન્ય વ્યવસાય તરફ વળવાની નોબત આવી: નિલેશ સેગલીયા (દ્વારકાધીશ હોસ્ટેલ)
દ્વારકાધીશ હોસ્ટેલના સંચાલક નિલેશભાઈ સેગલીયાએ કહ્યું હતું કે, મેં હોસ્ટેલ લોન લઈને જ શરૂ કરી હતી. શરૂઆતના દિવસોમાં બધું બરાબર ચાલ્યું પણ એકાએક લોકડાઉન અને કોરોના મહામારીએ બધી ગોઠવણ પર પાણી ફેરવી દીધું. હાલ તો લોનના હપ્તા માટે પણ વિચાર કરવો પડે છે કે, નાણાં આવશે ક્યાંથી? મુંજકા એક સમયે વિદ્યાર્થીઓથી ભરપુર હતું પણ શૈક્ષણિક કાર્ય બંધ થતાં તમામ વિદ્યાર્થીઓ ઘરે પરત ફરી ગયા અને અમારો વ્યવસાય એકદમ પડી ભાંગ્યો છે. હવે સરકાર કોઈ રાહત આપે તો અમે ટકી શકીએ અન્યથા અમારે અન્ય કોઈ વ્યવસાય તરફ વળવું પડે તેવી પરિસ્થિતિ નિર્માનાધિન થઈ રહી છે.
ત્રણ પૈકી બે ડાઇનિંગ હોલ બંધ કરી દેવાની ફરજ પડી: અજયભાઈ (ગજાનંદ ડાઇનિંગ હોલ)
મુંજકા ખાતે ગજાનંદ ડાઇનિંગ હોલ ચલાવતા અજયભાઈએ કહ્યું હતું કે, મારો ધંધો મુખ્યત્વે વિદ્યાર્થીઓ પર નભેલો હતો. મોટાભાગના ગ્રાહક વિદ્યાર્થીઓ જ હતા પણ શાળા-કોલેજ બંધ થતાં હોસ્ટેલ પણ બંધ થઈ ગઈ અને વિદ્યાર્થીઓ તેમના ઘરે પરત ચાલ્યા ગયા જેના કારણે મારો ધંધો બંધ થઈ ગયો. દોઢ વર્ષ
પહેલાં જે તાળું મારા વ્યવસાય પર લાગ્યું તે હાલ સુધી ખુલ્યું નથી અને હવે ક્યારે ખુલશે તે પણ હું જાણતો નથી. અગાઉ મારી પાસે કુલ 3 ડાઇનિંગ હોલ હતા પણ આર્થિક ભીંસ ઉભી થતા મેં બે ડાઇનિંગ હોલ બંધ કરી દીધા છે અને હાલ ફકત એક ડાઇનિંગ હોલ છે તે પણ વેરાન પડ્યું છે. પરિવારનું ગુજરાન ચલાવવું પણ ખૂબ મુશ્કેલ બન્યું છે.