સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે ભારતના નવા આઈટી કાયદાના પાલનની તૈયારી બતાવી છે. ટ્વિટરે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે કે, નવી ગાઈડલાઈનનું પાલન કરવા કંપની તૈયાર છે, પરંતુ તે માટે થોડો વધુ સમય લાગશે.
ટ્વિટરના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું, અમે ભારત સરકારને ખાતરી આપી છે કે નવી ગાઈડલાઈનનું પાલન કરવા કંપની તૈયાર છે. એ અંગેની પ્રક્રિયા શરૂ કરીશું ત્યારે તેની વિગતો પણ સરકારને આપીશું. અમે એ મુદ્દે કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ. પરંતુ કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી ગાઈડલાઈનના પાલન માટે વધારે સમય મળે તે જરૂરી છે. આ સ્થિતિમાં અમે સરકાર પાસે વધુ સમય માગ્યો છે.
નવી ગાઈડલાઈનનું પાલન કરવા ભારત સરકારને ખાતરી આપીએ છીએ: ટ્વીટર્ન પ્રવક્તાનું સતાવાર નિવેદન
જોકે, કંપનીએ ક્યારથી નવી ગાઈડલાઈનનું પાલન કરાશે તે બાબતે વધુ કોઈ જ જાણકારી કે તારીખ આપી ન હતી. કેન્દ્ર સરકારે ટ્વિટરને નોટિસ પાઠવીને નવી ગાઈડલાઈનનું પાલન કરવાનો આદેશ આકરા શબ્દોમાં આપ્યો હતો. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ટ્વિટરે ભારતના કાયદા પ્રમાણે વર્તવાની જરાક સરખી પણ તૈયારી બતાવી નથી. જો યુઝર્સની સલામતી માટે કંપની ભારતના કાયદાનું પાલન નહીં કરે તો સરકાર યોગ્ય પગલાં ભરશે.
આ નોટિફિકેશન પછી કેન્દ્ર અને સોશિયલ મીડિયા કંપની વચ્ચે ઘર્ષણ થયું હતું, પરંતુ નવી ગાઈડલાઈનના પાલનની પ્રતિબદ્ધતા બતાવીને ટ્વિટરે આખરે કેન્દ્ર સરકાર સામે નમતું મૂકી દીધું હતું.