આજી-3માંથી થતી રેતી ચોરી ઉપર સ્ટેટ મોનીટરીંગ ટીમ ત્રાટકી: 1.97 કરોડનો મુદામાલ કબ્જે
સ્થાનિક તંત્રને ઊંઘતું રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કામરીયાએ ઓપરેશન પાર પાડ્યું : 1 હિટાચી મશીન, 6 ડમ્પર, 7 બોટ, 4 ટુ વ્હિલર કબ્જે લેવાયા
અંતે પડધરી તાલુકામાં થતા રેતી ચોરીના કાળા કારોબાર ઉપર તવાઈ ઉતરી છે. આજી-3માંથી થતી રેતી ચોરી ઉપર સ્ટેટ મોનીટરીંગ ટિમે ત્રાટકીને 1.97 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે. સ્થાનિક તંત્રને ઊંઘતું રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કામરીયાએ આ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં 1 હિટાચી મશીન, 6 ડમ્પર, 7 બોટ, 4 ટુ વ્હિલર કબ્જે લેવાયા છે.
રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં ખનીજચોરીનું દૂષણ વ્યાપક બન્યું છે, પડધરી તાલુકાના હરિપર ખારી અને ખાખડાબેલાની સીમમાં આજી-3 ડેમના કિનારા વાળી જગ્યાએ ડેમમાંથી રેતીચોરી લાંબા સમયથી ચાલી રહી હતી, સ્થાનિક પોલીસ આ વાતથી અજાણ હોય તે વાત કોઇને માન્યામાં આવતી નહોતી, ત્યારે રવિવારે સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી હરિપર ખારીમાં દરોડો પાડી ખનીજચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સ્થળ પરથી હોડી અને હિટાચી સહિત કુલ રૂ.1,97,15,238નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પડધરીના હરિપર ખારી ગામ, આજી-3 ડેમના કિનારા વાળી જગ્યાએ ખનીજ વિભાગની લીઝ કે મંજૂરી વગર બેફામ ખનીજચોરી ચાલતી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાથી ડીવાયએસપી કામરિયા સહિતની ટીમ રવિવારે સાંજે હરિપર ખારીમાં ત્રાટકી હતી, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પહોંચતા જ કેટલાક મળતિયાઓ વાહનો મૂકીને ભાગી ગયા હતા, આ ટીમે સ્થળ પરથી 1 હિટાચી મશીન, 6 ડમ્પર, 7 બોટ, 4 ટુ વ્હિલર મળી આવ્યા હતા. છમાંથી ચાર ડમ્પર ખાલી હતા પરંતુ બે ડમ્પરમાંથી 44.82 મેટ્રિક ટન રેતી મળી આવી હતી. ડીવાયએસપી કામરિયાએ જાણ કરતાં ખાણખનીજ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી, જોકે સ્થાનિક પડધરી પોલીસને જાણ કરવામાં આવી નહોતી. સૂત્રોના જણાવ્યા મુજબ આજી-3 ડેમના કિનારે આવેલા ખાખડાબેલા અને હરિપરમાં લાંબા સમયથી રેતીચોરી થઇ રહી છે.
ખાણ ખનીજ વિભાગે અગાઉ દરોડા પાડ્યા હતા પરંતુ ત્યારબાદ ફરીથી આ કૌભાંડ ધમધમવા લાગ્યું હતું, રાજકીય માથાઓની પણ પડદા પાછળ ભૂમિકા હોવાની વાત જોરશોરથી ચર્ચાઇ રહી છે. ખાખડાબેલા અને હરિપરમાં ક્યા ક્યા સ્થળે રેતીચોરી થાય છે તે દિશામાં સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ શરૂ કરી હતી. જપ્ત થયેલો તમામ મુદ્દામાલ પડધરી પોલીસમથક હવાલે કરવામાં આવ્યો હતો.
પડધરીના હરિપર ગામે મસમોટી ખનીજચોરી પકડાઈ છે જોકે તેના 8 મહિના પહેલા તેનાથી આગળ આવેલા ખાખડાબેલા ગામેથી પણ આ જ રીતે ડેમમાં હોડી મૂકીને ખનીજચોરી પકડાઈ હતી અને મસમોટો દંડ કરાયો હતો. આ કાર્યવાહી બાદ અલગ અલગ સ્તરોએ હરિપરમાં ખનીજચોરી ચાલતી હોવાના બેનામી પત્રો ચાલુ થયા હતા. એક વખત મામલતદારે ચકાસણી કરતા હરિપરના સામા કાંઠેથી ખનીજચોરી પકડાઈ હતી બાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી હતી. હકીકતે આ તમામ ફરિયાદ બે ગેંગ વચ્ચે થઈ રહી છે.
ખાખડાબેલા ગામ અને હરિપર ગામ બંને જગ્યાએ ડેમમાંથી ખનીજચોરી બેફામ થાય છે અને ધંધાકીય હરીફાઈ વધતા બંને ગેંગ એકબીજાને પાડી દેવા આગળ આવી છે આ કારણે એક જગ્યાએ ખનીજચોરી પકડાય એટલે તુરંત જ બીજા સ્થળે રેતીચોરીની ફરિયાદો ચાલુ થઈ જાય છે. હાલ જે ખનીજચોરી પકડાઈ છે તેમાં ખનીજમાફિયાઓ રાજકોટ શહેરની આસપાસના છે જ્યારે ખાખડાબેલા રાજકોટ-પોરબંદર હાઈવે પરના તાલુકાઓના ખનીજમાફિયા ચલાવે છે.
ખાણ ખનીજ વિભાગ અને સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ પરથી રેતી ભરેલા ડમ્પર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પડધરી પોલીસમથકને સોંપ્યો હતો પરંતુ દરોડા વખતે રાત પડી જતાં ડેમના કાંઠે રહેલો રેતીનો જથ્થો લઇ જવો મુશ્કેલ હોવાથી તે જથ્થો સગેવગે થઇ ન જાય તે માટે તંત્રએ ગ્રામપંચાયતને જવાબદારી સોંપી હતી અને જ્યાં સુધી જપ્ત થયેલા વાહનોના માલિક કે રેતીચોરો ન ઝડપાય અને નવી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી ડેમ કાંઠાની સ્થિતિ યથાવત્ રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી.
ખાણ ખનીજ, મામલતદાર અને પોલીસની ભૂંડી ભૂમિકા ?
મોટાપાયે થતી રેતી ચોરીમાં ખાણ ખનીજ, મામલતદાર અને પોલીસ તંત્રની પણ ભૂંડી ભૂમિકા હોવાની ચર્ચા ઉઠી છે. એક વ્યક્તિએ નામ ન દેવાની શરતે એવું કહ્યું કે ખાણ ખનીજ વિભાગના એક અધિકારીએ તો એક વખત રેડ પાડીને ધોસ બોલાવી હતી. બાદમાં તેઓ જ આ કૌભાંડમાં પાર્ટનર બની ગયા હતા. આ ઉપરાંત મામલતદાર તંત્ર અને પોલીસ તંત્રને નિયત સમયમાં હપ્તા પણ આપવામાં આવતા હતા. આમ તંત્રની મિલી ભગતથી મોટાપાયે રેતી ચોરી થતી હતી.