ભાયાવદર નગરપાલિકાના સત્તાધીશોની મનમાનીને કારણે છેલ્લાં એક વર્ષથી આવાસ યોજનાની ફાળવણીમાં ઘરના નિયમો બનાવતા તેનાં ઘેરા પડઘા પડ્યા બાદ સત્તાધીશોને થૂકેલું ચાટવાનો વારો આવ્યો અને આવાસ યોજનાની ફાળવણીના નિયમોમાં ફેરફાર કરી સરકારી પરિપત્રનો અમલ કરવો પડ્યો છે.
આ અંગે જીલ્લા ભાજપના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાએ જણાવેલ કે ભાયાવદર નગરપાલિકાના સત્તાધિશો પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાળવણીમાં ઘરના નિયમો બનાવી અરજદારોને યેન કેન પ્રકારે હેરાન કરતા હોવાની ફરીયાદ શહેર ભાજપની ટીમને મળતાં ભાજપ દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને અનેક વખત રજૂઆતો કરી પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાળવણીમાં સરકારના પરિપત્રનો અમલ કરવો રજૂઆતો કરેલ પણ સત્તાધીશો દ્વારા ઘરની પેઢી સમજી આ રજૂઆતને ધ્યાનમાં લેવાને બદલે કોઇ ધ્યાન ન આપતા આખરે નગર પાલિકાના સત્તાધીશોને કાયદાનું ભાન કરાવવા આર.ટી.આઇ. દ્વારા માહિતી માંગતા નગર પાલિકાના સત્તાધીશો સફાળા જાગી ગયા હતાં. પાલિકાના પ્રમુખ અને ચિફ ઓફિસરને પગ નીચે રેલાં આવતા પાલિકા પ્રમુખ અને ચિફ ઓફિસર દ્વારા આવાસ યોજનાની ફાળવણી અને શહેરના અન્ય પ્રશ્નો 20 દિવસમાં નિકાલ કરવાની લેખિત ખાતરી આપી હતી.
વધુમાં ઇન્દ્રવિજય સિંહ ચુડાસમાએ જણાવેલ કે હાલ દલિત સમાજ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના મંદિર સમાન છે. તે માટે અમારે ના છૂટકે લડત કરવી પડી હતી. આ લડતમાં દલિત સમાજ પણ અમારી સાથે રહ્યો હતો. હાલમાં આવાસ યોજનામાં 134 લાભાર્થીઓના હપ્તાની દરખાસ્ત સરકારમાં મોકલી અપાઇ છે. સબપ્લોટીંગ અને સંયુક્ત મિલ્કતને કારણે વાંધા વચકા વાળા ઘણા બધા આવાસોને મંજુરી મળી ગયેલ છે. 67 જેટલા નવા આવાસોની મંજુરી માટે મોકલી આપેલ છે. હાલમાં 70 જેટલા ફોર્મની નગરપાલિકા દ્વારા અકારણી ચાલી રહી છે.
આવનારા દિવસોમાં જો નગરપાલિકાના સત્તાધીશો મનમાની કરશે અને પ્રજાના રોડ-રસ્તાના પ્રશ્નો નહિં ઉકેલે તો ફરી પાછા નગરપાલિકા સામે જન આંદોલનના મંડાણ કરવાની અમારી સંપૂર્ણ તૈયારી હોવાનું ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, અતુલભાઇ વાઘાણી, વી.સી.વેગડા, સરજુભાઇ માકડિયા, ધવલભાઇ ધમસાણીયા, રેખાબેન સિણોજીયાએ જણાવ્યું છે.