શ્રીનગરમાં સુરક્ષાદળો ઉપર પથ્થરમારો,ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી

અલગતાવાદી નેતા યાસીન મલિકને પટિયાલા હાઉસ કોર્ટે ટેરર ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. યાસીનને એનઆઈએ કોર્ટ અગાઉ જ દોષિત ઠરાવી ચુકી છે. યાસીન પર પાકિસ્તાનનું સમર્થન કરી કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ઘટનાઓને ફંડિંગ કરવા તથા આતંકવાદીઓને શસ્ત્રો-હથિયારો ઉપલબ્ધ કરાવવાનો આરોપ છે. બીજી બાજુ શ્રીનગરના અનેક બજારો બંધ થઈ ગયા છે. લાલ ચોક સહિત અનેક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.શ્રીનગરની આજુબાજુના વિસ્તારોમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.
સ્પેશ્યલ જજે યાસીન ઉપર આઇપીસી કલમ-૧૨૦બી હેઠળ ૧૦ વર્ષ, ૧૦ હજાર દંડ, ૧૨૧એ અંતર્ગત ૧૦ વર્ષની સજા ૧૦ હજાર દંડ જ્યારે ૧૭ યૂએપીએ હેઠળ આજીવન કારાવાસ તથા ૧૦ લાખ દંડની સજા ફટકારવામાં આવી છે. યુએપીએની કલમ ૧૩ હેઠળ ૫ વર્ષની સજા, યુએપીએની કલમ ૧૫ હેઠળ ૧૦ વર્ષની સજા, યૂએપીએની કલમ ૧૮ હેઠળ ૧૦ વર્ષની સજા અને ૧૦ હજાર દંડ, યૂએપીએ ૨૦ હેઠળ ૧૦ વર્ષની સજા અને ૧૦ હજાર દંડ, યૂએપીએની કલમ ૩૮ તથા ૩૯ હેઠળ ૫ વર્ષ ૫ હજાર દંડની સજા કરવામાં આવી છે.
સજાની જાહેરાત અગાઉ કોર્ટ રૂમમાં ફક્ત વકીલો અને દિલ્હીના ડીસીપીને એન્ટ્રી આપવામાં આવી છે.
યાસીન મલિકને કોર્ટ રૂમમાં લાવ્યા બાદ ચાર ગેટ બંધ કરવામાં આવ્યા. કોર્ટ કેમ્પસ છાવણીમાં તબદિલ થઈ ગઈ હતી. ચૂકાદા અગાઉ શ્રીનગરમાં યાસીનના ઘરની બહાર રહેલા તેના સમર્થકોએ સુરક્ષાદળો ઉપર પથ્થરમારો કર્યો. જ્યારે સુરક્ષા દળોએ તેમને હાંકી કાઢવા ટીયર ગેસ છોડ્યો.
પાકિસ્તાની પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને યાસીન મલિકને સજા આપવાની વાતનો વિરોધ કર્યો છે. ઈમરાને લખ્યું છે કે, હું કાશમીરી નેતા યાસીન મલિક સામે મોદી સરકારની તે ફાસીવાદી રણનીતિની નિંદા કરુ છું. મલિકને બિનકાયદે કારાવાસથી લઈને ખોટા આરોપોમાં સજા આપવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે ફાસીવાદી મોદી શાસનના રાજકિય આતંકવાદ સામે કાર્યવાહી કરવી જોઈએ.
દોષિત જાહેર થયા પછી મલિકે કોર્ટમાં કહ્યું હતું કે, તે યુએપીએની કલમ ૧૬ (આતંકવાદી ગતીવિધિ), ૧૭ (આતંકવાદી પ્રવૃતિ માટે ફંડ ભેગું કરવું), ૧૮ (આતંકવાદી પ્રવૃતિનું કાવતરું ઘડવું), ૨૦ (આતંકવાદી સમુહ અથવા સંગઠનના સભ્ય હોવું) અને ભારતીય દંડ સહિતાની કલમ ૧૨૦-બી (ગુનાહિત પ્રવૃત્તી) અને ૧૨૪-એ (દેશદ્રોહ) અંતર્ગત પોતાના પર લાગેલા આરોપોને પડકાર આપવા માંગતો નથી. મલિક ૨૦૧૯થી દિલ્હીની તિહાર જેલમાં કેદ છે.
મલિક જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) સાથે જોડાયેલો છે. ૨૦૧૯માં કેન્દ્ર સરકારે જેકેએલએફ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મલિક અત્યારે તિહાર જેલમાં બંધ છે. યાસીન પર ૧૯૯૦માં એરફોર્સના ૪ જવાનની હત્યાનો આરોપ છે, જે તેણે પણ સ્વીકારી લીધું છે. તેના પર મુફ્તી મોહમ્મદ સઈદની દીકરી રુબિયાનું પણ અપહરણ કરવાનો આરોપ છે. મલિક પર ૨૦૧૭ માં કાશ્મીરમાં આતંકવાદ અને ભાગલાવાદી પ્રવૃત્તિઓ કરવાના પણ ગંભીર આરોપ છે. યાસીન મલિકે દિલ્હીની કોર્ટમાં યૂએપીએ અંતર્ગત લગાવવામાં આવેલા દરેક આરોપ સ્વીકારી લીધા છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી ડૉ. એસપી વૈદે જણાવ્યું હતું કે ૧૯૮૯ના અંતમાં અને ૧૯૯૦ની શરૂઆતમાં જેકેએલએફ જ એકમાત્ર સંગઠન હતું. તેમણે જ પંડિતોને વિસ્થાપન માટે મજબૂર કર્યા હતા. આ સંગઠન કાશ્મીરની આઝાદીની નારેબાજી કરતા હતા. એ પાકિસ્તાનને પસંદ નહોતું, કારણ કે તેઓ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા માગતા હતા. જેકેએલએફ તરફથી ઘાટીની સ્થિતિ ખરાબ કર્યા પછી પાકિસ્તાને હિજબુલને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું.
ત્યાર પછી જેકેએલએફએ તેમનો રસ્તો અલગ કરી દીધો. ટેરર ફંડિગથી લઈને અન્ય આતંકી ઘટનાઓમાં સામેલ થઈ ગયા. જેકેએલએફએ આતંકીઓ જ માત્ર કાશ્મીરી પંડિતો પર જ નહીં, પરંતુ દેશભક્ત મુસ્લિમો પર પણ હુમલો કર્યો હતો. તેમનું કહેવું હતું કે યાસીન મલિકની સજાથી આખી ઘાટીમાં આતંકવાદની ઈકો સિસ્ટમને જબરદસ્ત ઝટકો લાગશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.