વિદેશમાં જ્યાં ગાય સાથે સમય વિતાવવાના હજારો રૂપિયા લોકો ખર્ચે છે, આ ગાય આપણા તો ધર્મ સાથે જોડાયેલી છે છતાં તેની દુર્દશા
અંતે હવે સરકાર ગૌ સેવા કરવાની છે. વર્ષોથી દેશમાં ગૌધનની દુર્દશા ચાલી રહી છે. તેવામાં રાજય સરકારે મન બનાવી લીધું છે કે ગૌ ધનને જ્યાં ત્યાં ભટકવા નહિ દેવાય. સરકારે આ પ્રશ્નનો નિવેડો લાવવા એક્શન પ્લાન બનાવ્યો હોય તેવા અણસારો મળી રહ્યા છે.
યુરોપિયન દેશમાં ગાય સાથે રમવું ઘણું જ લોકપ્રિય છે. ન્યૂયોર્કમા તો ગાય સાથે એક કલાકનો સમય વિતાવવા માટે 75 ડોલર એટલે કે અંદાજે રૂ. 5600 ખર્ચવા પડે છે. આ સર્વિસ ત્યાં ખાનગી રીતે આપવામાં આવે છે. ત્યાં એવું માનવામાં આવે છે કે ગાય સાથે આ રીતે કલાક પસાર કરવામાં આવે તો વ્યક્તિનો સ્ટ્રેસ દૂર થાય છે અને તે શાંતિ ફિલ કરી શકે છે. ભારતમાં આપણને ગાયની કોઈ કિંમત નથી અને રસ્તે રઝળતી ગાયો જોવા મળે છે પરંતુ વિદેશમાં ગાયોને લઈ થતા ફાયદાઓને ધ્યાનમાં રખાય છે.
ભારતમાં તો ગાયનું ધાર્મિક મહત્વ છે. ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય તેને પૂજનીય ગણવામાં આવે છે. આપણો ઇતિહાસ જોઈએ તો તેમાં પણ ગૌધનનું મહત્વ સમજવા મળે. ભૂતકાળમાં ગૌધન માટે અનેક ધીંગાણા ખેલાયા છે અનેક લોકોએ ગૌધન માટે પોતાના પ્રાણોની આહુતી આપી છે. ત્યારે હવે સરકાર પણ આ વાત બરાબર સમજી ગઈ હોય, રસ્તે રઝળતા ગૌધન માટે નવો કાયદો લાવવા જઈ રહી છે.
સરકાર હવે શહેરી વિસ્તારોના પશુને રાખવાના લાયસન્સ ઇસ્યુ કરશે. પશુ દીઠ નિયત કરાયેલી સાચવવાની જગ્યા હશે તો જ લાયસન્સ આપવામાં આવશે. જો સાચવવાની જગ્યા નહિ હોય અથવા ગાય રઝળતી દેખાશે તો ગાયનો કબ્જો લઈને પશુને પણ બીજી સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાશે આવી જોગવાઈઓ નવા કાયદામાં હશે તેવું જાણવા મળી રહ્યું છે.