યુએસ હાઉસમાં ગન કંટ્રોલ બિલ પાસ : બિલમાં 15 ગોળીથી વધુની ક્ષમતા વાળા મેગેઝીન ઉપર પ્રતિબંધ, ગન લાયસન્સ માટેની વય મર્યાદામાં વધારો સહિતની જોગવાઈ

અંતે અમેરિકાને ગન કલચર નડયું છે. ગન કલચરના કારણે કતલે આમ થઈ રહ્યું છે. જેને કારણે અનેક નિયંત્રણો મુકાયા છે. જેમાં યુએસ હાઉસમાં ગન કંટ્રોલ બિલ પાસ થયું છે. બિલમાં 15 ગોળીથી વધુની ક્ષમતા વાળા મેગેઝીન ઉપર પ્રતિબંધ, ગન લાયસન્સ માટેની વય મર્યાદામાં વધારો સહિતની જોગવાઈ કરાઈ છે.

ન્યુયોર્ક, ઉવાલ્ડે, ટેક્સાસમાં તાજેતરના સામૂહિક ગોળીબારના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ગન કલચરના વિરોધમાં લોકો રસ્તામાં ઉતરી આવ્યા છે. પરિણામે સરકારે ગન કલચરને નાથવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. જેમાં ગૃહે બુધવારે એક વ્યાપક બંદૂક નિયંત્રણ બિલ પસાર કર્યું હતું. જે રાઇફલ્સ ખરીદવા માટે વય મર્યાદામાં વધારો કરશે અને 15 થી વધુ ગોળીની ક્ષમતાવાળા મેગેઝીન ઉપર પણ પ્રતિબંધ મુકશે.

વિશ્વમાં લોકોના કબજા હેઠળ કેટલી બંદૂકો છે તે જણાવવું ખૂબ જ કઠિન છે. સ્વિત્ઝર્લેન્ડની એક નામી રીસર્ચ સંસ્થામાં સ્મોલ આર્મ્સ સર્વે નામની સંશોધન સંસ્થાના અભ્યાસમાં અંદાજ છે કે, 2018માં વિશ્વભરમાં 39 કરોડ બંદૂકો હતી. અમેરીકામાં પ્રતિ 100 નાગરિકો પાસે 120.5 શસ્ત્રો છે. જ્યારે 2011માં આ આંકડો 88 હતો. અમેરિકાના લોકો પાસે વિશ્વના  દેશો કરતા સૌથી વધારે હથિયારો છે.

અહેવાલ પ્રમાણે, જાન્યુઆરી 2019થી એપ્રિલ 2021 વચ્ચે 75 લાખ અમેરિકન લોકોએ પહેલી વખત ખરીદી હતી. આનો અર્થ એ થયો કે, અમેરિકામાં 1 કરોડ 10 લાખ લોકોના ઘરે બંદૂક આવી ગઈ છે જેમાંથી 50 લાખ બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંદૂકો ખરીદનારા આ લોકોમાંથી અડધી મહિલાઓ હતી.

અમેરિકામાં 1968થી 2012 સુધીમાં લગભગ 15 લાખ લોકોના મૃત્યું થયા છે. અમેરિકાના યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, માત્ર 2020માં અમેરિકામાં 45,000થી વધુ લોકો બંદૂક દ્વારા માર્યા ગયા હતા. જેમાં હત્યાની સાથે આત્મહત્યાનો પણ સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.