‘અબ આયા ઊંટ પહાડ કે નીચે’
વિદેશી કંપનીઓ આગામી પાંચ વર્ષમાં ૧૧ લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન કરશે
વૈશ્વિક સ્તર પર પોતાની આગવી છાપ ઉભી કરવા અને વિશ્વ ફલક ઉપર પ્રસ્થાપિત થવા માટે ભારત દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ટેલીકોમ ક્ષેત્રમાં વિદેશી કંપનીઓ વિદેશમાં મોબાઈલ બનાવી દેશને લુંટતા હતા પરંતુ હવે ટેલીકોમ કંપની જેવી કે એપલ, સેમસંગ સહિત અનેકવિધ કંપનીઓ ભારતમાં આવી મોબાઈલ ફોનનું ઉત્પાદન કરશે. હાલ જે ઘાટ ઘટિત થયો છે તેમાં એ વાત સ્પષ્ટ છે કે, વિદેશી કંપની જેવા ઊંટો પહાડની નીચે આવ્યા છે. આંકડાકિય માહિતી મુજબ ૨૨ જેટલી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં રોકાણ કરશે જેમાં એપલ પણ ભારતમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન કરશે. સાથોસાથ સેમસંગ, લાવા, ડિકસોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ કંપનીઓ દ્વારા ૧૧ લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન કરશે તેવી માહિતી ટેલી કોમ્યુનિકેશન મંત્રાલયનાં મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા આપવામાં આવી હતી.
સાથો સાથ સરકારે ઉત્પાદન કરવા બદલ પ્રોડકટીવ લીંક ઈન્સેન્ટીવ પેટે ૪૧ હજાર કરોડ રૂપિયાની સહાય આપશે બીજી તરફ ૧૨ લાખ જેટલી નવી રોજગારી પણ ઉદભવિત થશે જેમાં ત્રણ લાખ રોજગારી ડાયરેક અને ૯ લાખ રોજગારી ઈનડાયરેક મળવાપાત્ર રહેશે. બીજી તરફ ડોમેસ્ટીક વેલ્યુમાં ૧૫ થી ૨૦ ટકાનાં બદલે ૩૫ થી ૪૦ ટકાનો વધારો નોંધાશે. ૧૧ લાખ કરોડ રૂપિયાનાં ઉત્પાદનની સામે ૭ લાખ કરોડ રૂપિયાની નિકાસ પણ થશે. સરકારનું માનવું છે કે, અત્યાર સુધી વિદેશમાં ઉત્પાદન થતા મોબાઈલ ફોન ભારતમાં જે રીતે વહેચાતા હતા તેમાં હવે ફેરબદલ કરી વિદેશી કંપનીઓ ભારતમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન કરી તે જ ઉત્પાદનની નિકાસ પણ કરશે જેથી વિદેશની મોબાઈલ કંપનીઓ દેશમાં મોબાઈલ બનાવી કિંમતી હુંડિયામણ પણ રળી આપશે.