ટોપલા બનાવતી સહકારી મંડળીનો પ્રમુખ જે સીમમાં કાંટાળી ઝુંપડીમાં રહેતો હતો તેને મત માટે ફાઈવ સ્ટાર હોટલના એરકંડીશન રૂમમાં દસ દિવસ રાખ્યો !

અમરેલી જિલ્લામાં તે સમયે થયેલ ધારાસભાની ચૂંટણીમા જનતાએ મત આપી ને છ એ છ બેઠકો રાષ્ટ્રવાદી પાર્ટીને આપી હતી આમ રાજય વિધાનસભામાં અમરેલી જીલ્લાનું રાષ્ટ્રીય પાર્ટીનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ ગયું હતુ.

પરંતુ જિલ્લાની અન્ય સંસ્થાઓ જેવી કે જીલ્લા પંચાયત તાલુકા પંચાયતો, સહકારી સંઘો અને જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક વિગેરેમાં હજુ રાષ્ટ્રીય પાર્ટીનું શાસન ચાલતું હતુ આ સંસ્થાઓમાં હવે સત્તા મેળવવા માટે ચૂંટણી રૂપી ખરૂ આખલા યુધ્ધ શરૂ થવાનું હતુ જે ચૂંટણીમાં તમામ નિતી નિયમો અને કાયદાઓનો યુકિત પ્રયુકિતથી ભંગ કરી નેતાઓ શકુની દાવ રમી ને ગમે તે ભોગે હસ્તીનાપૂર (સત્તા) મેળવવા માટે મરણીયો જંગ ખેલવાની તૈયારીઓ કરતા હતા. આવા જંગનો ભોગ તો વહીવટી તંત્રની તટસ્થ કામગીરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓ જ બનવાના હતા તે પણ નકકી હતુ જો કે બનતુ પણ એમ જ હોય છે તેવો અનુભવ છે.

વિધાનસભામાં જનતા અને મતદારોનો જે માનસિક પ્રવાહ હોય છે. તે જ પ્રવાહ સામાન્ય રીતે તે પછી આવતી અન્ય ચૂંટણીઓમાં પણ જોવા મળતો હોય છે. આથી વિધાનસભામાં સુપડા સાફ થઈ જતા રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓ સત્તા જતા ભુરાંટા તો થયા હતા પરંતુ વિધાનસભામાં હારી ગયેલા નેતાઓ પણ નવરા બેઠા બેઠા આવનાર સંસ્થાકીય ચૂંટણી લડવા માટે હથીયારોને ઘસી ઘસીને અણી કાઢી રહ્યા હતા જીત માટે આયોજન પૂર્વક કાવત્રા અને ચોગઠા ગોઠવી રહ્યા હતા.

તેમાં સૌ પ્રથમ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ના ડીરેકટરોની ચૂંટણી જાહેર થઈ આ જીલ્લા સહકારી બેંકમાં પ્રમુખ પદ માટે એવો નિયમ છે કે જેની પાસે વધારે ડીરેકટરો હોય તે ઉમેદવાર પ્રમુખ બને તે સમયે આ સહકારી બેંકમાં પ્રમુખ પદ માટે રાષ્ટ્રવાદી પાર્ટીને બે ત્રણ ડીરેકટરોની જ વધારે જરૂરત હતી તેમાં જીલ્લાની લાઠી વિભાગ સહિત અમુક વિભાગોના ડીરેકટરોની ચૂંટણી જાહેર થઈ. જો આ તમામ બેઠકો રાષ્ટ્રવાદી પાર્ટીને મળે તો હવે બેંકના પ્રમુખ તેમના જ બને.

આ જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડીરેકટરોની ચૂંટણી જે તે તાલુકા વિભાગોમાં આવેલ રજીસ્ટર્ડ સહકારી મંડળીઓ જેવી કે ખેત ઉત્પાદન સહકારી મંડળી, દુધ ઉત્પાદક સહકારી મંડળી વિગેરે જેવી જુદી જુદી સહકારી મંડળીમાં મંડળી દીઠ એક મત ડીરેકટર ને આપવાની સતા હોય છે. જે ડીરેકટર ને ચૂટે છે. આવો મત લગભગ રાજયમાં જે સત્તાધારી પક્ષ હોય તેને જ મળતો હોય છે. અપવાદરૂપ અમુક મંડળીના ચુસ્ત રાજકીય ટેકેદારો લોકશાહી ધોરણે પોતાના આત્માના અવાજ પ્રમાણે પણ મત આપતા હોય છે.

ખરો પ્રશ્ર્ન જ અહી ઉભો થાય છે. આ જે તે સહકારી મંડળી વતી જે વ્યકિતને મત આપવાનો અધિકાર હોય તે વ્યકિતને બળુકી રાજકીય હસ્તી શામ દામ અને ભેદની રીતે સમજાવી ને કે શરણે લાવીને પોતાની તરફનું મતદાન કરાવી શકે. પરંતુ તે સમયે એવો જબ્બરદસ્ત રાજકીય માહોલ રાષ્ટ્રવાદી પાર્ટીની તરફેણનો હતો કે તમામ મંડળીના અધિકૃત મતદાતા સતાધારી રાષ્ટ્રવાદી પાર્ટીને જ મત આપવાના હતા પરિવર્તન એટલે પરિવર્તન એવો તે સમયે માહોલ હતો. આથી નિશ્ર્ચિત પણે હાર ભાળી ગયેલા રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓએ આ જંગ જીતવા માટે મરણીયા પ્રયાસ શરૂ કર્યા. પાણી વગર જેમ માછલી તરફડે તે રીતે દસકાઓથી સત્તા પર રહેલી રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓ સતા વગર તડપતા હતા.

ખરેખરો જંગ લાઠી વિસ્તારની આ સહકારી બેંકના ડીરેકટર પદની સીટ માટેનો જામ્યો હતો. સહકારી મંડળીઓનાં મતની સંખ્યા કચોકચ ચાલતી હતી આથી મંડળીના મતાધીકાર વાળી વ્યકિતઓનો બંને પાર્ટીના ઉમેદવારો તથા કાર્યકરો દ્વારા સતત સંપર્ક અને મીલાપ થતો હતો.

ફોજદાર જયદેવ આ તમામ હિલચાલ ઉપર બારીકાઈથી નજર રાખતો હતો અને એલઆઈબીના જમાદાર સામંતસિંહ પણ પૂરા સર્તક હતા. સામંતસિંહે જયદેવને કહ્યું ‘સાહેબ હોય ન હોય આ ચૂંટણીમાં કાંઈક નવા જૂની થશે અને આપણે (પોલીસને) ઉપાધી વધી પડશે. તેવી તિવ્ર રસાકસી અને ખેંચતાણ છે.’ આથી જયદેવે કહ્યું પડશે તેવા દેવાશે પણ આપણે સર્તક રહેવાનું છે.

દરમ્યાન એક દિવસ લાઠી ખાતે રાષ્ટ્રવાદી પાર્ટીની જાહેર સભા કોઈ અન્ય બાબતની યોજાયેલ હતી. આ સભામાં અમરેલીનાં વિધાયક અને રાષ્ટ્રવાદી પાર્ટીના મોટાભાગના આગેવાન અને આજ જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના આગામી પ્રમુખ પદના દાવેદાર પણ હાજર હતા. જેવું તેમનું પ્રવચન શરૂ થયું એટલે તેમણે પ્રાથમિક ઉદબોધન કરીને શ્રોતાઓની વિષયાંતર બદલ માફી માગી આ સભામાં જયદેવ પણ બંદોબસ્તમાં હતો. પરંતુ તે શ્રોતાગણની પાછળ છેલ્લે ઉભો હતો. અમરેલીનાં વિધાયક જનતાની તો માફી માગી પરંતુ તેમણે માઈક ઉપરથી જાહેર કર્યું કે આ સભામાં તંત્રના જવાબદાર અધિકારીઓ હાજર છે. તેમને મારી વિનંતી છે કે રાષ્ટ્રીયપાર્ટીના નેતાઓ હાર નિશ્ચિત પણે ભાળી જતા હવે ગુનાખોરી ઉપર ઉતર્યા છે. અહી લાઠીની વાંસ ટોપલી ઉત્પાદક સહકારી મંડળીના મતદાન અધિકારી સભ્યનું માજી ધારાસભ્યએ તેમની કાર નં. જી.એ.એમ. ૨૦૨૧માં તેમના જોડીદાર માજી કેન્દ્રીય મંત્રીના પુત્ર સાથે મળીને ગઈકાલે સાંજે અપહરણ કરી ગયા છે. જે ગેરકાયદેસર છે. આ સભા પૂરી થતા જ અમે આ સહકારી મંડળીના મતદાર સભ્યના અપહરણની લેખીત ફરિયાદ આપીએ છીએ આથી તંત્ર આવી ગુંડાગીરી સામે કડક પગલા લે.

આ સાંભળીને જયદેવ ચોંકી ઉઠ્યો કે મનુષ્ય અપહરણની ફરિયાદ ? તેણે વિચાર્યું કે આમ તો આ ગુન્હો ટેકનીકલ છે. જાહેરસભા હજુ ચાલુ જ હતી. તેને થયું કે આવી પ્રવૃત્તિ મતદારોને ખેંચી જવાની નૈતિક દ્રષ્ટીએ તો ખોટુ છે જ પરંતુ મનુષ્ય અપહરણનો ગુન્હો નોંધાય તે કાયદાકીય દ્રષ્ટીએ સ્પષ્ટ થતુ નહતુ કેમકે આ બાબત બળજબરીની છે. કે છેતરપીંડી કે લાલચ આપી ને સાથે લઈ ગયાનું નકકી કરવું ઘણું કઠીન કામ હતુ ગુન્હો ગંભીર બને જાહેરહીતની દ્રષ્ટીએ સંવેદનશીલ હોય આ આરોપીઓને આગોતરા જામીન મળવા અસંભવ હતા અને રેગ્યુલર જામીનની વાતતો પાછળ રહી આથી જેલ કસ્ટડી નકકી હતી. આ કાર્યવાહીના આનુસંગીક પ્રત્યાઘાતો એટલે કે આંદોલનો રેલા રેલીઓ ઉપવાસ છાવણીઓનો આ સત્તા માટે બેબાકળા બનેલા રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓ જનતાની હમદર્દી મેળવવા માટે આશરો લેવાના જ હતા. તેથી પોલીસનું વાસ્તવીક કામ જનતાની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાનું એક બાજુ રહેવાનું હતુ જયદેવને થયું કે સાલી સત્તાની સાઠ મારી ખરી છે.

આથી જયદેવે વ્યવહારીક રસ્તો કાઢવા માટે બાજુમાં જ આવેલ એસ.ટી.ડી. પી.સી.ઓમાંથી અમરેલી ખાતે માજી કેન્દ્રીય મંત્રીના બંગલે ફોન લગાવી તેમનો પુત્ર કે જે યુવા રાજકારણી પણ હતો અને જયદેવનો પરિચિત હતો. તેની સાથે વાત કરી ને આ લાઠીની જાહેરસભામાં રાષ્ટ્રવાદી પાર્ટીના નેતાએ એફઆઈઆર આપવાના કરેલા એલાન અંગે જણાવ્યું તથા કડક અને લાંબી કાયદેસરની કાર્યવાહીને બદલે આ વાંસ ટોપલી ઉત્પાદક સહકારી મંડળીના મતદારને અર્ધા કલાકમા લાઠી પહોચાડવા જણાવ્યું અને કહ્યું કે જો એફ.આઈ.આર. થઈ તો આગોતરા જામીન પણ નહી મળે અને કાર્યવાહી અધરી પડશે. તેણે થોડીવાર વિચારીને જયદેવને કહ્યું ‘સાહેબ તમે સાચા છો પણ આ તો રાજકારણ છે. અમે થુકેલુ ચાંટવાના નથી આ મતદાર સભ્ય તો અનેક કિલોમીટર દૂર એક કેમ્પ કે જેને ચૂંટણી પૂર્વ તૈયારી મોજ મહેફીલ પાર્ટી કહેવાય તેમાં એક રીઝોર્ટમાં મૂજરા કરે છે. તે તો હવે મતદાનના દિવસે સીધો અમરેલી મતદાન મથક ઉપર જ આવશે હવે ભલે જે થવું હોય તે થાય તમે કહ્યું કે અપહરણ કર્તા તરીકે મારૂ નામ પણ છે. તો હવે મારે પણ અન્ડર ગ્રાઉન્ડ થવું પડશે ને ? એમ કહીને આ યુવાનેફોન મૂકી દીધો.

જયદેવને થયું કે સાલો ખરો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો છે ‘પાડે પાડા લડે અને ઝાડનો ખો કાઢે’ તે રીતે હવે પોલીસને જ ઉપાધી હતી. પોલીસ આરોપીને પકડે તો પણ ઉપાધી થવાની હતી અને ન પકડે તો પણ ઉપાધી થવાની હતી આમ પોલીસની હાલત ‘સુડી વચ્ચે સોપારી’ જેવી હતી.

અંતે સભા પૂરી થઈ અને રાષ્ટ્રવાદીપાર્ટીના ત્રણ નેતાઓ લેખીતમાં એફ.આઈ.આર. લઈને આવ્યા જેમાં આરોપી તરીકે રાષ્ટ્રીય પાર્ટીના લાઠીના માજી ધારાસભ્ય કે જેઓ તાજેતરની ચૂંટણીમાં જ ક‚ણ રીતેહારી ગયા હતા. તેઓ તેમની કાર નં. જી.એ.એમ. ૨૦૨૧માં માજી કેન્દ્રીય મંત્રીના પુત્ર સાથે આવીને લાઠી ગામના પાદરમાં પડેલ ઝુપડામાંથી વાંસ ટોપલી સહકારી મંડળીના મતદારને જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડીરેકટરની ચૂંટણી અન્વયે અપહરણ કરી લઈ ગયાનું જણાવેલું હતુ.

જયદેવ માટે હવે ગુન્હો નોંધ્યા સિવાય છૂટકો ન હતો તે સમયનો કદાચ આવો રાજકીય સાઠમારીમાં અપહરણનો આ પ્રથમ ગુન્હો નોંધાતો હતો. જે રાજકીય અપહરણના ગુન્હાની પરંપરાતે પછીના નજીકના સમયમાં જ છેક મધ્યપ્રદેશના ‘ખજૂરાહો’ સુધી પહોચવાની હતી ! જેથી જયદેવે ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૬૫ ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ ચાલુ કરી અને લાઠી ગામના પાદરમાં પડતર જમીનમાં હંગામી કુબા (છાપરા) બનાવી ને રહેતા ફરિયાદી તથા આજુબાજુ વાળાના નિવેદનો નોંધ્યા. નિવેદનો ઉપરથી એ હકિકત તો સ્પષ્ટ થતી હતી કે આગલા દિવસે સાંજે સાડાસાત વાગ્યાના સુમારે કાર નં. જી.એ.એમ. ૨૦૨૧માં માજી ધારાસભ્ય અને માજી કેન્દ્રીય મંત્રીના પુત્ર આ ઝુંપડાઓ પાસે આવેલા અને ભોગ બનનાર અપહૃત ને બોલાવીને કાંઈક ચર્ચા કરીને તેને કારમાં સાથે ઉપાડી ને રવાના થઈ ગયેલા.

આ ગુન્હાવાળી જગ્યા પડતર જમીનમાં સામાન્ય રીતે ઋતુ પ્રમાણે અને પ્રસંગોપાત રખડતી ભટકતી ટોળકીઓ જેવી કે વણઝારા, ખેતીના ઓજારો વેચતા લુવારીયા (મારવાડીહાડા) બળદોનો વેપાર કરતા વાંઢીયાર (ઉ.ગુ.)માંથી વઢીયારા બળદો વેચવા પડાવ નાખતા તો કયારેક વાસણોની કલાઈ કરનાર ભંગારનો વેપાર કરનારા આવતા તો કયારેક બહુરૂપીયા કે મદારી કે વાદીઓ પણ પડાવ નાખતા તો કયારેક ગુનેગાર ટોળકીઓ બાવરી છારા વિગેરે પણ વેશ બદલીને પડાવ નાખતા. પરંતુ આ વાસમાંથી ટોપલા ટોપલી બનાવનારા લોકો અહી લાંબો સમય રોકાઈ ગયેલા તે અંગે સામંતસિંહ જમાદારે જણાવેલું કે નજીક આવનાર સહકારી બેંકના ડીરેકટરોની ચૂંટણી માટે જ અમુક રાજકારણીઓએ આ લોકોને થોડી ઘણી આર્થિક મદદ કરી અહીં રોકાઈને જવા માટે તૈયાર કરી તેમની વાંસ ઉત્પાદક સહકારી મંડળી નવી બનાવી તેનું જીલ્લા રજીસ્ટ્રારમાં રજીસ્ટ્રેશન નોંધણી કરાવી ને એક નવો પાકકો મત તૈયાર કરી દીધેલો. તેથી આ લોકો થોડો વધારે સમય રોકાઈ ગયેલા.

આમ જયદેવને આ રાજકારણીઓ પણ કેવી યુકિત પ્રયુકિતથી પોતાનો રાજકીય ધંધો કરતા હોય છે તે જાણીને નવાઈ લાગી કે કેવો મત તૈયાર કર્યો ?

ગુન્હો નોંધાયા પછી તો અમરેલી જિલ્લામાં કમઠાણ મચ્યુ દૈનિક પત્રોમાં આ સમાચારો હેડ લાઈનમાં છપાયા અને બંને રાજકીય પાર્ટીઓએ આક્ષેપો પ્રતિઆક્ષેપોનો સામસામે મારો ચાલુ કર્યો વચ્ચે પોલીસને પણ હડફેટે લીધી એક પાર્ટી કહે ખોટો ગુન્હો નોંધ્યો તો બીજી પાર્ટી કહે આરોપીઓને નહિ પકડીને પોલીસ ગુન્હેગારોને મદદ કરે છે અપહૃત વ્યકિતને છોડાવવા માટે સતાધારી પાર્ટી રાષ્ટ્રવાદી પક્ષનું દબાણ ઉચ્ચ અધિકારીઓ ઉપર આવ્યું પરંતુ અપહૃત વ્યકિત અમરેલી જિલ્લામાં કે કયાંય અતો પતો મળે તો પોલીસ છોડાવે ને ? અપહૃત મતદાર લાઠીના પાદરમાંના કાંટાળા ઝુંપડાને બદલે કોઈ ફાઈવ સ્ટાર હોટલના એરકંડીશન રૂમમાં દૂરના કોઈ રીઝોર્ટ ઉપર તેના જીવનમાં કદી કલ્પના પણ કરી નહોય તેવા આનંદમય જલ્સામાં દિવસો પસાર કરી મુંજરાનું મનોરંજન માણી રહ્યો હતો. આવા સંજોગોમાં જો તેને ઘેર (ઝુંપડામાં) પાછા આવાનો મોકો મળે તો પણ શાનો આવે?

બંને આરોપીઓ પણ અન્ડર ગ્રાઉન્ડ થઈ ગયા હોઈ પકડાતા ન હતા છેલ્લા પાટલે બેસેલા રાજકારણે પોલીસ ઉપર દબાણ લાવવા આક્ષેપ કર્યો કે અપહૃત અને આરોપીઓ માજી કેન્દ્રીય મંત્રીના બંગલામાંજ છે ! પોલીસ તેની ઝડતી તપાસ ઈરાદા પૂર્વક નથી કરતી ગુન્હાની તપાસ કરનાર અધિકારી તરીકે ફોજદાર જયદેવે કમને પણ આ બંગલાની ઝડતી કરી પંચનામુ કર્યું અને રાજકીય વૈતરણી પાર કરી પણ કાંઈ મળ્યું નહિ.

આખરે ચૂંટણીનો દિવસ આવી ગયો જયદેવ પણ આ સહકારી બેંકના ડીરેકટરની ચૂંટણી બંદોબસ્તમાં અમરેલી આવ્યો હતો. મતદાન મથકના મકાન પાસે સવારે નવેક વાગ્યે ત્રણ ચાર કારોનો કાફલો આવ્યો અને તેમાંથી મતદારો ઉતરીને મતદાન મથકમાં પ્રવેશી ગયા જેમાં કહેવાતો અપહૃત મતદાર પણ હતો. તમામે મતદાન કર્યું ચૂંટણીમાં રાષ્ટ્રવાદી પાર્ટીના ઉમેદવારની જવલંત જીત થઈ આ અપહૃતમતદારે ભલે મોજ મહેફીલ રાષ્ટ્રીય પાર્ટીની માણેલી પણ મત તો રાષ્ટ્રવાદી પાર્ટીને જ આપેલો.

ચૂંટણી પુરી થતા જયદેવને એમ હતુ કે હવે મામલો શાંત થઈ જશે. પરંતુ રાષ્ટ્રીય પાર્ટીના અગ્રહરોળના નેતા કમ આ ગુન્હાના આરોપીઓને પાકકો સબક શિખવવા માટે રાષ્ટ્રવાદી પાર્ટીના નેતાઓએ આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલવા જ આગ્રહ રાખ્યો. અપહૃત મતદાર પણ ‘ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત’ માફક રીસોર્ટના જલ્સા કર્યા પછી પાછો હવે લાઠીની ઝુંપડીઓમાં કુકડા કુતરાઓ વચ્ચે આંટા મારતો થઈ ગયો હતો. તેનું નિવેદન લેતા તેણે પ્રથમ સમજાવીને લઈ જઈ પછી પાછો આવવા નહિ દેવા અંગેની બાબત જણાવી તેથી ભલે ટેકનીકલ પણ ગુન્હો તો બનતો જ હતો.

આથી ભોગ બનનાર અપહૃત વ્યકિત આવી ગયેલો હોય બંને આરોપીઓ માજી ધારાસભ્ય અને માજી કેન્દ્રીય મંત્રીનો પુત્ર અમરેલી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે વકીલ મારફત અરજી કરી અપહૃત આવી ગયેલ હોય કોર્ટે આગોતરા જામીન માટે હુકમ કર્યો પરંતુ પોલીસને આરોપીઓની જરૂર પડયે રીમાન્ડ માંગી શકશે તે શરતે હુકમ કર્યો. જયદેવે કોર્ટના હુકમ મુજબ આરોપીઓની તપાસ (રીઝોર્ટ હોટલો વિશેની તપાસ) માટે રીમાન્ડ (આરોપીઓની પોલીસ કસ્ટડી) માટે માંગણી કરી આથી હવે તે ધર્મ સંકટ ગયું સરકારી વકીલની કચેરીમાં અને જયદેવને ઉપાધી ટળી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.