વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર–પ્રસાર મુખ્ય ૧૦ મુદ્દા ઉપર આધારીત રહેશે
‘આઘા રેજો વિકાસ ગાંડો થયો છે’ તેવા હળવા સ્લોગન સોશ્યલ મીડિયામાં ધુમ મચાવી રહ્યાં છે. આ સ્લોગનમાં સીધી રીતે ભાજપનું કે સરકારનું નામ નથી પરંતુ અડકતરી રીતે વિકાસના નામે રોષ ઠાલવાય છે. કોંગ્રેસ પણ આ સ્લોગનને ચગતુ રાખવા કાર્યરત છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ રોજગાર, ખેડૂતો અને મકાનનો મુદ્દો આગળ ધરી ભાજપ અને સરકારને ઘેરવાની તૈયારીમાં છે.
ગુજરાત કોંગ્રેસે તબક્કાવાર ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે. વિધાનસભા મત ક્ષેત્રોમાં કયાં પ્રશ્ર્ને વિરોધ કરવો અને ચૂંટણી વચન આપવું તે માટે તખ્તો ગોઠવાઈ ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રવાસે આવવાના છે.
વિધાનસભા ચૂંટણીની તૈયારી અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લા લેવલની કામગીરી કરવા આજે તૈયારીઓ કરવામાં આવી હતી. કોંગ્રેસે મુખ્ય ૧૦ ઈસ્યુ ઉપર ચૂંટણીની રણનીતિ તૈયાર કરી છે. આ દસેય મુદ્દા લોકો સાથે સીધી રીતે સંકળાયેલા છે. રાજયોમાં બેરોજગારીનો મુદ્દો કોંગ્રેસ માટે ચૂંટણી મુદ્દો બની રહેશે. આ ઉપરાંત ભાજપે ૨૦૦૨માં આપેલું ઘરનું ઘર વચન મામલે પણ કોંગ્રેસ ઉગ્ર પ્રત્યાઘાતો આપશે.
ખેડૂતોના પ્રશ્ર્નોને પણ ઉજાગર કરવા કોંગ્રેસ પ્રયાસ કરશે. જેમાં ખેડૂતોના દેણા, લઘુતમ ટેકાના ભાવ, શિક્ષણ તેમજ એસસીએસટી વેલફેર પ્રોગ્રામનો પણ સમાવેશ કરવામાં આવશે. કોંગ્રેસ માટે રોજગારી, ખેડૂતના પ્રશ્ર્નો અને સામાન્ય લોકોના ઘરના ઘરનું સ્વપ્ન ચૂંટણી માટે ભાજપ સામેનું હથિયાર બની રહેશે.
અગાઉની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે આ તમામ મુદ્દાને લક્ષ્યમાં રાખી જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો. આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખી ભાજપ સરકાર ઉપર ઉગ્ર પ્રહારો કરશે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ વખતે ગુજરાત ચૂંટણી ઉપર યોગ્ય ધ્યાન આપવાના છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ જમીની કાર્યકર્તાઓને જ ટિકિટ ફાળવવાનું એલાન કર્યું છે. આ તમામ કાર્યકર્તાઓ રોજગારી, ખેડૂતોના પ્રશ્ર્ન અને ઘરના ઘરનું સ્વપ્ન સાથે સીધી કે અડકતરી રીતે જોવા મળશે. પરિણામે કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર સરળ રહેશે. જો કે, કોંગ્રેસની અત્યારની તૈયારી ભવિષ્યમાં કયું સ્વ‚પ ધારણ કરશે તે જોવાનું રહ્યું.
રાહુલ ગાંધીનો રોડ શો અને સોનિયાની સફર
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે ભાજપની યાત્રા સામે યાત્રા ઉપરાંત શહેરી વિસ્તારના મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રોડ-શો જ્યારે આદિવાસી વિસ્તારોને આવરી લેતા પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની જાહેરસભા સહિતના કાર્યક્રમો ઘડી કાઢ્યા છે. રાજ્યની ૧૮૨ વિધાનસભા બેઠકમાં પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓની બેથી ત્રણ જાહેરસભા અને બૂથ-પેજપ્રભારીઓ થકી જનસંપર્ક અભિયાન પણ હાથ ધરવા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં જિલ્લા પ્રમુખો, વિધાનસભા અને લોકસભાના નિરીક્ષકો, સહ-પ્રભારીઓની ગુરુવારે યોજાયેલી બેઠકમાં તમામ હોદ્દેદારો-આગેવાનો સાથે પ્રચાર-પ્રસારના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ ચૂંટણી પ્રચાર કમિટી(કેમ્પેઈન કમિટી)ના ચેરમેન સિદ્ધાર્થ પટેલ દ્વારા આગેવાનો સમક્ષ ચૂંટણી દરમિયાન હાથ ધરાનારા ફ્લેગશીપ કેમ્પેઈન કાર્યક્રમો અંગેની રૂપરેખા રજૂ કરવામાં આવી હોવાનું જણાવતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, આ કાર્યક્રમોમાં મુખ્યત્વે યુવાનો, બેરોજગારી, ખેડૂતો સહિતના મુદ્દા આવરી લેવાશે.