૨૦૧૩ થી ૨૦૧૮ સુધીમાં જૂનાગઢ જિલ્લામાં ૧૬૪, અમરેલીમાં ૧૫૮ જેટલા સેન્ચુરી બહાર થયા શિકારો
કહેવાય છે કે, ગીર વિસ્તારમાં રહેવું ખુબ જ સુરક્ષિત છે જયારે ગીર વિસ્તારની બહાર રહેવું એટલું જ જોખમી છે. આ વાત હાલનાં સમયમાં સાચી સાબિત થઈ રહી છે. તે વાતમાં કોઈ જ મીનમેક નથી કારણકે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ઈકો સેન્સેટીવ ઝોનનાં કારણે સિંહ સહિતનાં જે જંગલી પ્રાણીઓ છે તેમને ખોરાક માટે સેન્ચુરી બહાર જવુ પડે છે. છેલ્લા આંકડાઓ પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો આ જંગલી પ્રાણીઓ દ્વારા સેન્ચુરી બહાર ૪૪૧ જેટલા શિકાર કરવામાં આવ્યા છે. જયારે સેન્ચુરીની અંદર માત્ર ૨૩ જ શિકાર કરાયા છે.
અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં આ પ્રકારની ઘટના નિયમિત અંતરાળ પર જોવા મળી રહી છે. પહેલા સાવજ લોકો વચ્ચે રહેવા ટેવાયેલો હતો ત્યારે હવે ગીર સેન્ચુરીમાંથી નેસડાઓ ધીમે-ધીમે દુર થતાં વન્યપ્રાણીઓને ખોરાક માટે સેન્ચુરીની બહાર જવુ પડતું હોય છે ત્યારે સરકારે એ વાતનું ધ્યાન રાખવું અનિવાર્ય બન્યું છે કે, આ પ્રકારની ઘટના નિયમિત અંતરાળ પર ન બને તે માટે શું કરવું જોઈએ. ગુજરાત સરકાર દ્વારા સાવજ અને અન્ય વન્ય પ્રાણી દ્વારા કરવામાં આવતા હુમલાનાં કારણે વારંવાર એક પ્રશ્ર્ન એ પણ ઉદભવિત થઈ રહ્યો છે કે, સેન્ચુરીનો જે મેનેજમેન્ટ પ્લાન હોવો જોઈએ તે યથાયોગ્ય નથી ત્યારે પ્રતિ દિવસ ૧૧ જેટલા શિકાર સેન્ચુરી બહાર થતા હોવાનાં આંકડાઓ સામે આવે છે. ડિસેમ્બર-૨૦૧૩થી નવેમ્બર-૨૦૧૮ સુધીનાં આંકડા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લામાં ૧૬૪ હુમલાઓ જેમાં ૧૨ હુમલાઓ ગીર સેન્ચુરીની અંદર થયેલા હોવાનું પણ સામે આવે છે. જયારે અમરેલી જિલ્લામાં ૧૫૮ હુમલાઓ દર્જ થયેલા છે. જેમાંથી ૧૫૬ હુમલા સેન્ચુરી બહારનાં વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.
જુનાગઢનાં સીસીએફ ડી.ટી.વસાવડાએ જણાવ્યું હતું કે, લોકોની વસ્તી સેન્ચુરી એરીયા બહાર ખુબ જ વધુ છે. જયારે ૨૦૧૫માં થયેલા સિંહોનાં સર્વેમાં વાત કરવામાં આવે તો ૨૦૦ જેટલા સિંહો સેન્ચુરી બહાર હરતા-ફરતા જોવા મળે છે જયારે ૩૨૦ જેટલા સેન્ચુરીની અંદર રહે છે ત્યારે સરકારી આંકડા પ્રમાણે સેન્ચુરીની અંદર અને સેન્ચુરી બહાર એક સરખા જ જંગલી પ્રાણીઓનો વસવાટ જોવા મળે છે જેમાં સિંહોનો પણ સમાવેશ થયો છે.
નેસડાઓમાં વસતા લોકોને સિંહોની તાસીર અને સિંહોને લોકોની તાસીર વિશે માહિતી હોય છે પરંતુ જે રીતે ખોરાકની અછત હોવાનાં પગલે સિંહો સેન્ચુરી બહાર જાય છે ત્યારે તે વાત પર મુખ્ય દારોમદાર રાખવામાં આવે છે કે, સેન્ચુરી બહાર વસતા લોકો સિંહોની પરિસ્થિતિ ન સમજી શકતા તેઓને તેનાં શિકારનો ભોગ બનવો પડતો હોય છે.