“ચોર એવો અઠંગ હતો કે પોલીસના સઘન પેટ્રોલીંગ છતાં દુકાનોમાં ચોરીઓ કરી ચીઠ્ઠી મુકતો જતો “કિંગ ઓફ તળાજા રોક શકો તો રોક લો !

કીંગ ઓફ તળાજા

તળાજા ફોજદાર જયદેવ અને તેના જવાનો બજારમાં આવેલી દુકાનો, ડીપાર્ટમેન્ટલ સ્ટોરોમાં થતી સતત ઘરફોડ ચોરીઓ પકડવા અથવા રોકવા દિવસ રાત સખત રીતે ઓફીસમાં તથા બહારના ક્ષેત્રોમાં તનતોડ મહેનત કરતા હતા. જાસુસી જાળ પણ સક્રિય હતી પણ ચોરીઓ અટકવાનું નામ લેતી ન હતી. દર ત્રીજી-ચોથી રાત્રે એકાદ દુકાન તુટી જ હોય. સૌથી આશ્ર્ચર્યજનક બાબતએ હતી કે ચોરે જયાં ચોરી કરી હોય તે જગ્યા એ જ એક ચિઠ્ઠી લખીને મુકતો જતો હતો, જે માં લખેલુ રહેતુ “કિંગ ઓફ તળાજા

આથી જયદેવ જાતે તેમજ પોલીસ સ્ટેશનના અન્ય જવાનોથી રાત્રીની ફરજોમાં નાકા તથા પેટ્રોલીંગ વધારીને યુકિતયુર્વક ગોઠવી. તેમ છતા આ કિંગ ઓફ તળાજા દર ત્રીજી -ચોથી રાત્રીના તેનું પરાક્રમ કરી નાખતો. આ ચોરની એક ખાસીયત હતી કે તે રોકડ રકમની જ ચોરી કરતો અને તે જગ્યાએ જે કોઈ ખાવાની ચીજ-વસ્તુ હોય તે ત્યાં જ ખાઈને નાસી જતો રૂપીયા સિવાય કોઈ ચિજ સાથે લેતો નહિ ! આથી તળાજા પોલીસ આ ચોરને રોકડીયો ચોર જ કહેતા.

આથી જયદેવે પણ ત્રીજી અને ચોથી રાત્રીના સખત બંદોબસ્ત અને તકેદારી રાખવા છતા આ ચોર શહેરના દુરના વિસ્તાર  અને પોલીસની અવર જવર ઓછી હોય વળી ધનઘોર અંધારૂ હોય તેવી શેરીઓમાં દુકાન તોડી ચોરી કરી જતો. હવે તો તે કિંગ ઓફ તળાજા ઉપરાંત લખતો કે “રોક શકો તો રોક લો  આથી હવે આ બાબત પોલીસ માટે પડકારજનક પણ બની ગઈ. છાપાઓમાં આ કિંગ ઓફ તળાજાના પરાક્રમો મીઠુ મચ્ચુ ભભરાવીને લડાવી લડાવીને લખી સાથે પોલીસની લાચારીના પણ સમાચરો પણ છાપાયા.

પોલીસ દળ દિવસના બંદોબસ્તો તપાસોની કાર્યવાહી અને રાત્રીની પેટ્રોલીંગથી ગળે આવી ગઈ હતી. લોકો તો ઠીક હવે પોલીસ જવાનો પણ ઈશ્ર્વરને કાંઈક ચમત્કાર કરવા પ્રાર્થના કરવા લાગ્યા હતા. આવી કમઠાણ રાત્રી પેટ્રોલીંગમાં એક વખત જયદેવ મોટર સાયકલ લઈને તળાજા શહેરમાં ફરતો હતો ત્યારે અરધી રાત્રીનો સમય થયો હતો. કડકડતી ઠંડીમાં કુતરાઓ  પણ કયાંક આડીઅવળી ઓથ બખોલ ગોતી ટુંટીયુ વળીને સુઈ ગયા હતા તે સમયે દુર એક અધારી બંધ શેરીમાંથી કોલાહલ સંભળાયો અને સાથે સાથે ભુત ભુત દોડો દોડો નો અવાજ પણ સંભળાયો આથી જયદેવે મોટર સાયકલ તે બંધ શેરી તરફ લીધુ. શેરીમાં લોકો એકઠા થઈ ગયા હતા અને બેટરી તથા ટોર્ચની લાઈટો ચારે તરફ ફેંકતા હતા શેરીમાં જઈ ને જોયુ તો અમુક લોકો પોતાના ઘરની અગાસી અને રવેસ ઉપર આવી ને લાઈટ ફેંકતા હતા.

જયદેવે ટોળામાં જઈને પુછયુ કે શું થયુ ? આથી લોકોએ કહ્યુ આ દરજી કામની દુકાનમાં ભુત ગરી ગયુ છે. તો અમુક લોકોએ કહ્યુ ભુતબુત શુ હોય કોઈક અંદર હશે. આ વાત સાંભળીને જયદેવનો ઉત્સાહ અને ઉમંગ બંને વધી ગયા કેવાહ આજ શિકાર હાથમાં આવી ગયો ! ત્યાં દુકાનદાર હાજર હતો તેને પુછપરછ કરતા તેણે કહ્યુ કે હાલમાં લગ્નગાળાને હિસાબે કપડાની સિલાઈનું ખુબ જ કામ હોય હું વાળુ પાણી કરીને રાત્રીના સીલાઈ કામ કરવા દુકાને આવ્યો હતો.રાત્રીના એકાદ વાગ્યા સુધી કામ કરીને થાકી જતા દુકાનમાં જ દરવાજા અંદરથી બંધ કરી લાઈટ બંધ કરી સુઈ ગયેલો. દુકાન જુની પધ્ધતિની છે જેમાં છત ખુબ જ ઉંચી અને છત નીચે એક નાનો મેડો છે. જેમાં કબાટામાં વધારાના કાપડ પડયા રહે છે. આ મેડા ઉપર જવા માટે એક નાની સીડી છે. આખો દિવસ અને રાત્રીના એક વાગ્યા સુધી સતત કામકરીને પોતે થાકી ગયો હોય નિંદર ઘસઘસાટ આવી ગઈ હતી. પોતે ભર ઉંધમાં હતો ત્યારે કોઈ વ્યકિતએ પોતાના ઉપર પગ મુકયો હોય તેવો અહેસાસ થતા તે સફાળો જાગી ગયેલો અને જોયુ તો અંધારામાં એક કાળો ઓછાંયો દેખાયો આમેય આ બંધ શેરીમાં ભુત થતું હોવાનું લોકો વાતો કરતા જ હોય છે પણ આજે દુકાનમાં જોઈને મેં ભયભીત થઈ ને ડરામણી ચીખ નાખી દીધી ભુત ભુત ! આથી ઓછાયો સીડી ઉપરથી મેડામાં અદૃશ્ય થઈ ગયો અને મારી આ ચીખથી આજુબાજુના લોકો પણ ઉઠી ગયા અને દેકારો કરતા બેટરી ટોર્ચ લઈને દોડયા હશે. મેં દુકાનનો દરવાજો ખોલીને બહાર જઈ પાછો બહાર થી બંધ કરી દીધો. અને લોકો એકઠા થયેલા તેઓ બોલતા હતા કે ચોર લાગે છે. પરંતુ દુકાનમાં અંદર કોઈ જતુ નથી તે દરમ્યાન જ સારૂ કર્યુ તમે આવી ગયા.

જયદેવે દુકાનના દરવાજા ઉપર ઉભેલા લાઠીધારી યુવાનોને સુચના કરીને તેની સાથેના કોન્સ્ટેબલ કિશોરસિંહને બાજુની દુકાનના છાપરા ઉપર ચડાવી આ દરજીની દુકાનના છાપરાની તપાસ કરવા કહ્યુ, કિશોરસિંહે ચડીને કહ્યુ હા ખપેડો ફાડીને કોઈ અંદર ગયેલુ જરાય છે આથી જયદેવે કિશોરસિંહને કહ્યુ તમે બાકોરા ઉપર જ લાઠી લઈને ઉભા રહો અને લાઠીનો એવો ઉપયોગ કરજો કે કોઈ ત્યાંથી નિકળવા પ્રયત્ન કરે તો તેને પાછુ અંદર જ પટકાયુ પડે . પછી શેરીમાં પ્રકાશની વ્યવસ્થા કરી બાજુના રવેશ અને અગાસી ઉપર ઉભેલા લોકોને પુછયુ કે તમે આ દેકારા પછી કોઈને બાંકોરામાંથી ભાગતા જોયેલો? આથી તમામે જણાવ્યુ કે કોઈ છતમાથી નિકળ્યુ જ નથી.અમે તુર્ત જ અગાસી રવેસમાં ધસી આવ્યા હતા.

હવે જયદેવે બહારથી બંધ દુકાનનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યોે પણ કોઈ હિલચાલ જણાઈ નહિ. આથી દુકાનની ઈલેકટ્રીકની સ્વિચ ચાલુ કરી લાઈટ કરતા ટયુબ લાઈટના અજવાળાથી દુકાનમાં જલજલા અજવાળુ થયુ અને જોયુ તો દુકાન ખાલી ખમ્મ કોઈ જ માણસ ન હતુ. આથી જયદેવે લાઠી ધારી યુવાનોને જરૂરી સુચના કરી પોતે ધીરે ધીરે સીડી વતી મેડા ઉપર પ્રયાણ કર્યુ મેડા ઉપર ચડીને જોયુ તો આશું ? મેડો પણ ખાલી ખમ્મ આથી જયદેવને થયુ કે આરોપી નાસી ગયો લાગે છે. આથી તે નિરાશ થઈ ગયો કે હોઠે આવેલો સફળતાનો પ્યાલો ઢોળાઈ ગયો કે શુ ? પણ જયદેવ લીધી વાત મુકે તેમ ન હતો. તેણે ફરીથી આજુબાજુના લોકોને બાંકોરામાંથી કોઈ નાસી છુટેલ કે કેમ ? તેમ પુછતા તેમણે કહ્યુ કે દરજીની ચિખ સાંભળીને અમે તુર્તજ બહાર આવી ગયા હતા કોઈને ભાગતા કે નિકળતા જોયો નથી.

એકઠા થયેલા લોકોમાંથી કેટલાક બોલતા હતા કે આ બંધ શેરીનું ભુત હવે દુકાનમાં ભરાયુ લાગે છે.આથી જયદેવને આશ્ર્ચર્યુ થયુ કે શું ખરેખર ભુત હશે ? પરંતુ જયદેવને એ વાત ગળે ઉતરતી ન હતી કે ભુત ને છાપરામાં બાંકોરા પાડવાની શું જરૂર  પડે ?  એવુ કયાંય સાંભળ્યુ પણ નથી ! બાંકોરામાંથી કોઈ નાસી ગયેલ પણ જણાતુ નથી આથી આ બાબત આશ્ર્ચર્ય સાથે રહસ્યમય તો હતી જ.

જયદેવ ફરીથી દુકાનમાં આવ્યો બધુ બરાબર જોયુ પછી ફરી મેડા ઉપર ચડયો કાપડના પડેલા વિંટા આધા પાછા ફરીને જોયુ અને કબાટની આજુબાજુમાં જોયુ પણ કાંઈ જ ન હતુ ! જયદેવને થયુ કે આવડો મોટો માણસ શું હવામાં ઓગળી ગયો ? આમ વિચારતા વિચારતા કબાટના દરવાજા ખોલ્યા પણ તેમાં પણ મોટા મોટા ખાનામાં કાપડના વિંટા ગોઠવેલા હતા. દુકાનની ટયુબ લાઈટનું અજવાળુ મેડામાં પણ બરાબર પડતુ હતુ. જયદેવે ફરીથી કબાટમાં પડેલ કાપડના વિંટા ઉપર નજર નાખી અને મેડામાંથી નિચે ઉતરતા પહેલા છેલ્લે કબાટના નીચેના ખાનામાં નજર નાખી જોયુ તો એક માણસના પગનો પંજો દૃષ્ટિ ગોચર થયો, આથી જયદેવના ચહેરા ઉપર ચમક આવી ગઈ અને તેણે તે પગનો પંજો જ કચકચાવીને પકડીને જોરથી ખેચ્યો અને એક વ્યકિત મોટેથી આજી જી કરતો બહાર ખેંચાઈ આવ્યો કે “ભુલ થઈ ગઈ મારતા નહિ, બધુ જ કહી દઉ છું, આથી જયદેવે જ તેને ક્હ્યુ “આમ પણ હવે તું કયાં જવાનો છો કિંગ ઓફ તળાજા ? આથી આ વ્યકિતએ કહ્યુ સાહેબ મારૂ સાચુ નામ હરિસિંહ  રમજુભા છે. મહેરબાની કરી હવે મારતા નહી, બધુ જ કહી દઉ છું. આ વ્યકિત વિસેક વર્ષનો દુબળો પાતળો બેઠી દડીનો યુવાન હતો જે કબાટના નીચેના ખાનામાં એ રીતે ગોઠવાઈ ગયો હતો કે માથા ઉપર અને શરીરે કાપડ વિંટીની કોકડુ વળીને પડયો હતો. પણ ખુલ્લા રહી ગયેલા પગના પંજાએ તેની ચાડી બરાબર ખાધી અને જયદેવના હાથે તે આબાદ ઝડપાઈ ગયો.

આથી જયદેવે તેની બરાબર ઝડતી તપાસ કરી તેના ખીસ્સામાંથી મળી આવેલ ચીજવસ્તુઓ રોકડ રકમનું પંચો રૂબરૂ પંચનામુ કર્યુ પરંતુ પહેરેલ શર્ટના ખીસ્સામાંથી એક કાગળની ચિઠ્ઠી પણ મળી આવી જેમાં લખ્યુ હતુ કિંગ ઓફતળાજા જયદેવે આ ચિઠ્ઠી દસ્તાવેજી પુુરાવા તરીકે હસ્તાક્ષર નિષ્ણાંતના અભીપ્રાય માટે કબ્જે કરી. દુકાનદારની ઘરફોડ ચોરીના પ્રયાસની ફરીયાદ લીધી.

આ આરોપી હરિસિંહનું કાર્યક્ષેત્ર તો દિહોર ગામ અને ત્રાપજ અલંગ હતુ અને ઘણા લાંબા સમયથી નજર બહાર હતો. છેલ્લે આ હરિસિંહ ભાવનગર શહેરના કોઈ ગુન્હામાં એ ડિવીઝન પોલીસ સ્ટેશનના કોઈ અધિકારીના હાથે પકડાયેલો અને તેને રીમાન્ડ ઉપર લીધેલો. પરંતુ આ અઠંગ ગુનેગાર હરિસિંહ ભાવનગર શહેરની સેન્ટ્રલ જેલની સામે જ આવેલ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના લોકઅપની છત તોડીને નાસી ગયેલો અને તેથી ત્યાં ભારતીય દંડ સહિતાની કલમ ૨૨૪ મુજબ ગુન્હો નોંધાયેલ અને ત્યારથી હરિસિંહ વોન્ટેડ થઈ ગયો હતો અને નજર બહાર હતો. ભાવનગર ક્રાઈમ બ્રાંચ હરિસિંહના ખાસ ઠેકાણા દિહોર ત્રાપજ અને અલંગમાં શોધતી હતી પણ તે તો તળાજામાં સંતાઈને રહીને પણ તળાજાનો રાજા થઈ ગયો હતો અને ચોરીઓ ઉપર ચોરીઓ કરી જલ્સા કરતો હતો અને તળાજા પોલીસની ઉંઘ હરામ કરી દીધી હતી.

પોલીસ સ્ટેશનમાં લાવી તે જયદેવે હરિસિંહની પુછપરછ કરતા હરિસિંહે પોતે કરેલા તમામ પરાક્રમો પોપટની જેમ કહી દીધા ભાવનગર જેલ તોડીને નાસ્યા બાદ અઢાર થી વીસ દુકાનો તો તળાજાની બજારોમાં જ તોડી હતી. આ કરેલી ચોરીઓ પૈકી ચારેક ચોરીઓ જયદેવના તળાજા-બદલાઈને આવ્યા બાદ કરી હતી અને તે આવ્યા અગાઉ કરેલ ચોરીઓ પૈકી  જેમાં ખુબ વધારે રૂપીયા ચોરીમાં ગયેલા તેવી ત્રણ ચાર ફરીયાદો દાખલ થયેલી બાકી ગુન્હા જ નોંધાયેલા નહિ ! આ ગુન્હાઓ હરિસિંહે છેલ્લા પાંચ-છ  મહિના દરમ્યાન જ કરીને તરખાટ મચાવી દીધો હતો.

આથી જયદેવે ભાવનગર પોલીસવડા સાથે ટેલીફોનથી આરોપીએ કબુલ કરેલ અને જે વાસ્તવીક હકીકત હતી તે અંગે વિગતે વાત કરી ચર્ચા કરી. આથી તેમણે કહ્યુ કે તમામની ફરીયાદો લઈ ગુન્હાઓ દાખલ કરો. “આથી જયદેવે કહ્યુ  આરોપી લુખો અને લાવારિસ છે. ચોરીના લીધેલ રૂપીયાથી તેણે દારૂ પીને જુગાર રમીને મોજ મજા કરી જલ્સા કરી નવરો થઈ ગયો છે. તમામ ગુન્હોઓમાં રોકડ રકમ જ ચોરીમાં ગયેલ છે અને તે રકમ હવે કબ્જે થઈ શકે તેમ નથી. આથી પોલીસવડાએ કહ્યુ ગમે તે કરો મુદામાલ ન મળે તો પણ આરોપીને તમામ ગુન્હામાં ફીટ કરી દેવો જેથી આરોપી તો નોંધ લે જ પણ બીજા પણ નોંધ લે અને આરોપી વિરૂધ્ધ રેકર્ડ તો ઉભુ થાય ?

જયદેવે બે પ્રતિષ્ઠિત પંચોને બોલાવી પ્રાથમીક પંચનામું કરી આરોપી સ્વેચ્છાએ જગ્યાઓ દર્શાવતો હોવાની નોંધ કરી આરોપીને આગળ ચાલવાનું જણાવી પાછળ પંચો અને પોલીસ રવાના થયા. તળાજા શહેરમાં તે દિવસે જનતાને વર્ષેા બાદ કિંગ ઓફ તળાજા નો વરઘોડો જોવા મળ્યો. ઉભી બજારે વરઘોડો પસાર થતા જનતા કુતુકલથી જોવા સાથે રાહતનો શ્ર્વાસ પણ લેતી હતી.

જાતે થઈ બેઠેલા કિંગ ઓફ તળાજા હરિસિંહે એક પછી એક તમામ દુકાનો બજારમાં ફરીને બતાવી દીધી જેમાં તેણે ચોરીઓ કરી હતી. જયદેવે જે તે દુકાનદારો જો અગાઉ ફરીયાદ નોંધાયેલ ન હોય તો તેની ફરીયાદ લઈ અત્રે આરોપીએ આવી ને જાતે પંચો રૂબરૂ જગ્યા બતાવતા ફરીયાદ જાહેર કર્યાની વિગત લખી તે અંગે ગુન્હા નોંધાવ્યા. જયદેેવે આરોપી હરિસિંહને પુછયુ કે બીજી દુકાનો તો બરાબર પૈસા માટે તોડી પણ આ દરજીની દુકાનમાં શું માપ દેવા ગયો હતો ? આથી હરિસિંહે કહ્યુ સાહેબ અંધારામાં ભુલ થી ઘુસી ગયો હતો પાપનો ઘડો ભરાઈ ગયો હશે અને તમારા હાથે પકડાવાનું માંડયુ હશે તેથી નસીબે ભુલ ખવડાવી દીધી બાકી દરજીની દુકાનમાં શું લેવાનું હોય ?

આ તળાજાનો રીઢો ઘર ફોડીયો હરિસિંહ ઉર્ફે ” કિંગ ઓફ તળાજા પોલીસના હાથોહાથ ઝડપાયાના સમાચાર ભાવનગર જિલ્લાના દૈનીકોમાં હેડલાઈનમાં છપાઈને પ્રસિધ્ધ તા વેપારી આલમમાં સલામતીના અહેસાસ સાથે ચકચાર મચી ગઈ!

તમામ ગુન્હાઓમાં જયદેવે હરિસિંહને અટક ગણવા કોર્ટને રીપોર્ટ કર્યો. જે ગુન્હાઓમાં ચોરીનો મુદ્ામાલ મળ્યો નહિ તેમાં ફરીયાદી, પોલીસ અને પંચો જેમના રૂબરૂ આરોપીએ સ્વેચ્છાએ ચોરીઓ કરેલી તે જગ્યાઓ બતાવેલ તેમને સાક્ષી તરીકે ઉલ્લેખ કરીને તમામ ગુન્હાઓનાં ચાર્જશીટ કોર્ટમાં દાખલ કર્યા.

ત્યારબાદ એકાદ વર્ષે જયદેવની રાજકોટ બદલી થઈ ગયેલી અને તેને પ્રમોશન મળતા તે ઉત્તર ગુજરાતમાં ઉંઝા ખાતે પોલીસ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતો હતો. ત્યારે એક જામીન લાયક વોરંટ તળાજાથી આવેલ જેમાં આરોપી હરિસિંહ અન્ડર ટ્રાયલ કેદી તરીકે જેલમાં હોય અવશ્ય હાજર રહેવા જણાવેલ હતુ.

આથી જયદેવ તળાજા કોર્ટમાં આવેલો તે દિવસે કોર્ટ ભરચકક હતી. કુલ અઢાર ફરીયાદી પંચો અને પોલીસ જવાનો સાક્ષી તરીકે આ ” કિંગ ઓફ તળાજાના કેસના જ હતા. તે દિવસે અદાલતમાં આખો દિવસ ફ્કત આ એક આરોપી હરિસિંહના કેસોની જ કાર્યવાહી ચાલી જયદેવે મોડી સાંજ સુધી રોકાઈને તમામ કેસોમાં સાહેદી આપી દીધી. આરોપીને બરાબર પાઠ ભણાવાઈ ગયો હતો.

પછી તો કોણ જાણે હરિસિંહે ચોરીઓ કરી હોય કે ન કરી હોય પણ તેનું “કિંગ ઓફ તળાજાનું બીરૂદ જયદેવે આંચકી લીધુ હતુ. હવે જો ચીઠ્ઠી મુકે તો તુરત જ પકડાઈ જાય બીજુ ચોરીઓ તો બંધ થઈ પણ પેલી તળાજાની બંધ ગલીના ભુતનો ડર પણ લોકોમાંથી ચાલ્યો ગયો હશે !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.