સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ૧૬૪ જળસંચયના કામ કરાશે: તકેદારીના પગલા સાથે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તેવા મહા સંક્લ્પને સાર્થક કરવા શહેર પ્રતિબધ્ધ

સુજલામ સુફલામ જળઅભિયાન ૨૦૨૦ અંતર્ગત જામનગરમાં લોકભાગીદારી અને વિભાગીય કુલ ૧૬૪ કામો હાથ ધરવામાં આવ્યા છે. દરેક કામ કોવિડ-૧૯ના સંક્રમણને ધ્યાને રાખી સંપૂર્ણ તકેદારી અને સરકારની માર્ગદર્શિકા પ્રમાણેના પગલા લઈ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સામાજિક અંતર જાળવી સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૦ ની કામગીરી  શરૂ કરવામાં આવી છે. કોરોના વાયરસ કોવિડ-૧૯  હેઠળ લોકડાઉન તથા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસિંગ બાબતે અપાયેલ તેમજ ભવિષ્યમાં વખતોવખત અપાતી તમામ માર્ગદર્શિકાઓ અને સૂચનાઓના ચુસ્તપણે પાલન સાથે રાજ્યભરમાં સુજલામ સુફલામ જળઅભિયાનની કામગીરી ચાલી રહી છે.

જામનગર જિલ્લામાં પણ સુજલામ સુફલામ જળઅભિયાન- ૨૦૨૦ ત્રીજા તબકકાનો પ્રારંભ ૨૦ એપ્રિલથી થયો છે અને હાલ તેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ અભિયાન હેઠળ જામનગર જિલ્લામાં અંદાજિત રૂ. ૪૩૨.૧૮ લાખના કુલ ૧૬૪ કામો હાથ ધરાયા છે, સાથે જ કોવિડ-૧૯ સંદર્ભે કાળજી અને તકેદારી સારુ એક ટકા લેખે સરકાર  દ્વારા રૂ ૪.૩૦ લાખ પણ આપવામાં આવશે.

સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં હાલ જળસંપત્તિ વિભાગના કુલ ૧૦૪ કામો છે જેની અંદાજિત રકમ રૂ ૧૮૭.૦૩ લાખ છે જે પૈકી ક્ષાર અંકુશ વિભાગ જામનગર દ્વારા રૂ.૯૨.૮૬લાખના ૪૬ કામોનો સમાવેશ થયેલ છે. આ કામો અંતર્ગત ચેકડેમ ઊંડા ઊતરવા,બંધારા ડિસીલ્ટીંગ વગેરે કામ સમાવિષ્ટ છે.

જિલ્લા પંચાયત વિભાગ જામનગર દ્વારા આ ત્રીજા તબક્કામાં રૂ. ૨૬ લાખના ૨૧ કામો હાથ ધરાશે, જેમાં વિવિધ ગામોના તળાવો ઉંડા ઉતારવાના કામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ તળાવ ઉંડા ઉતારવાના કામને પુરજોશમાં જામનગર જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. જામનગર તાલુકાના વરણા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવ ઉંડુ ઉતારવાનું કાર્ય હાલ પ્રગતિમાં છે. આ તળાવને ઉંડા ઉતારવાના કામમાં સરકાર અને ગ્રામ પંચાયત દ્વારા ૬૦:૪૦ની લોકભાગીદારીથી સંપૂર્ણ કામ કરવામાં આવી રહ્યું છે. આ તળાવને ઉંડુ ઉતારાતા અંદાજીત રૂ. ૫ લાખના ખર્ચે ૧૬,૩૩૮ ઘનમીટર જેટલી માટી ઉપાડવામાં આવશે. આ કામગીરી પુર્ણ થતાં ૧ કરોડ ૬૩ લાખ ૩૮ હજાર લીટર પાણીનો જથ્થો આ તળાવમાં વધુ સંગ્રહીત થઈ શકશે.

આ ઉપરાંત વન વિભાગ જામનગર દ્વારા રૂ ૧૦.૨૫ લાખના ખેત તલાવડી બનાવવા, ઊંડા કરવા અને ચેકડેમ ઊંડા ઉતારવા વગેરેના ૯ કામો, ગ્રામ વિકાસ એજન્સી જામનગર દ્વારા તળાવ ઉંડુ ઉતારવા, ચેકડેમના કામ વગેરે રૂ. ૧૦૨.૦૩ લાખના ૧૨ કામો અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ સમાવેશ કરાયા છે.વોટરશેડ વિભાગ જામનગર દ્વારા અંદાજિત રૂ.૯ લાખના ૪ કામ દ્વારા વિવિધ ગામના ચેકડેમ ઊંડા ઉતારવામાં આવશે, તો મહાનગરપાલિકા જામનગર દ્વારા રૂ ૬૦.૪૭ લાખના કુલ ૧૧ કામ લહેર ગામનું તળાવ ઉંડું ઉતારવાનું, કેનાલ સફાઈ અને નદી સફાઈના કામો કરવામાં આવશે તથા જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ, જામજોધપુર નગરપાલિકા દ્વારા અંદાજિત રૂ. ૬૩.૪૦ લાખના ચેકડેમ તળાવો ઉંડા ઉતારવાના કામ, કેનાલ સફાઈ,વોંકળા તથા નદી સફાઈના ૨૪ કામો હાથ ધરાશે.

છેલ્લા બે વર્ષથી બે તબક્કામાં રાજ્યમાં દરેક જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન દ્વારા સરકારના ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાંના મહાસંકલ્પને સાર્થક કરાઈ રહ્યો છે ત્યારે આ ત્રીજા તબક્કામાં પણ જળસંચયના નવા આવશ્યક કામો જામનગર જીલ્લામાં તંત્ર અને લોકોના સહકારથી પૂરજોશમાં ચાલી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.