કચેરીમાં કુલ ડઝનેક અધિકારીઓના ચેમ્બરમાં અનઅધિકૃત રીતે રખાયા છે એસી વિકાસ કમિશનરના પરિપત્રી નિયમોને ઘોળીને પી જતા અધિકારીઓ ફસાયા
વિકાસ કમિશનર દ્વારા તાજેતરમાં અધિકારીઓની ચેમ્બરમાં એસી રાખવા સામે કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા પંચાયતમાં તો વર્ગ-૧ના ઠીક છે પરંતુ વર્ગ-૩ના કર્મચારીની ઓફિસમાં પણ એસી જોવા મળે છે. આમ સરકારના પરિપત્રોને ઘોળીને પી જતાં અધિકારીઓમાં આ પરિપત્રના કારણે ફફડાટ વ્યાપી ગયો છે.
જિલ્લા પંચાયત કચેરીમાં બન્ને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ડીડીઓના પીએ, જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારી, સમાજ કલ્યાણ અધિકારી, કાર્યપાલક ઈજનેર, જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખાના વહીવટી અધિકારી, એકાઉન્ટ ઓફિસર, ઈન્ટરનલ ઓડિટ ઓફિસર સહિતના અધિકારીઓની ચેમ્બરમાં બિનઅધિકૃત રીતે એસી ફીટ કરાયા છે. અધુરામાં પૂરું વર્ગ-૩માં આવતા નાયબ ચિટનીશની ચેમ્બરમાં પણ એસી ફીટ કરવામાં આવ્યું છે. તાજેતરમાં વિકાસ કમિશનરે આવા અધિકારીઓ સામે કાર્યવાહીના જિલ્લા વિકાસ અધિકારીને આદેશ આપ્યા છે. ઉપરાંત આ એસીના કારણે કચેરીને આવેલા વધારાના ખર્ચને વસુલ કરવાનો પણ હુકમ કર્યો છે. વિકાસ કમિશનરના આ પરિપત્ર સરકારના નિયમો ઘોળીને પી જતા અધિકારીઓ માટે કપરો સાબીત થયો છે. જો કે આ પરિપત્રની અમલવારી કરવામાં આવશે કે કેમ ? તે જોવું રહ્યું.