“વામનરાવ જમાદારે શકદાર સાક્ષીની પુછપરછ કરતા જયદેવને એક મજબૂત ધોકો આપ્યો પણ જયદેવે ધોકાને હાથ જ અડાડયો નહીં !
આધુનિક બહારવટીયા
અંગ્રેજોના શાસનમાં અને આઝાદી પછી પણ બહારવટીયાઓનો આતંક સૌરાષ્ટ્રમાં ખુબજ હતો. આમ જનતા આ આયોજીત ગુન્હા કરવા વાળી ટોળકીઓથી ત્રાહીમામ હતી. તેજ રીતે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ત્રિભેટે આવેલ સરહદી વિસ્તાર જે ચંબલઘાટી તરીકે કુખ્યાત હતો. ત્યાં પણ પ્રજા ઉપર ડાકુઓ નો અતિશય અત્યાચાર હતો. સૌરાષ્ટ્રમાં ગીરનું જંગલ અને ઉત્તર ભારતમાં આ ચંબલઘાટી આનાથી બદનામ હતી.
પરંતુ આઝાદી પછી ક્રમશ: પોલીસનું આધુનિકરણ થતા આ પ્રવૃત્તિઓ બંધ કે સીમીત થઈ ગઈ હતી, પરંતુ અમુક વારસાગત ધંધાદારી ગુનેગારોએ લૂંટધાડ અને બળાત્કારના ગુન્હાઓ સમયાંતરે કરવાના ચાલુ રાખ્યા હતા. પરંતુ ગુન્હા કરવાની પધ્ધતિ ફેરવી નાખી હતી. રાત્રીનાં ચોરી છુપીથી લૂંટધાડ કરી નાસી જવાની પધ્ધતિ અખત્યાર કરી હતી.
આ ગુનેગારો સામાન્ય રીતે અંતરીયાળ ગ્રામ્ય વિસ્તાર પસંદ કરીને અમુક સ્થાનીક મળતીયાઓથી રેકી (તપાસખાત્રી) કરાવી ને કે ગામમાં ઘરમાં કોની પાસે વધુમાં વધુ રોકડ રકમ અને જર જવેરાત મળી શકે તેમ છે. તેની ખાત્રી કરી ને ત્રાટકતા તે સમયે મોબાઈલ ફોન તો હતા જ નહિ પરંતુ ઘણા ગામડાઓમાં ટેલીફોન પણ રહેતો નહિ. તેથી બહારની અન્ય કે પોલીસની મદદ આવવાનો ગુનેગારોને જરાય ભય જ રહેતો નહિ.
બાબરા પોલીસ સ્ટેશનનું મોટા દેવળીયા આઉટ પોસ્ટ બાબરાથી છવ્વીસ કીમી દૂર હતુ આ આ.પો.તળે આવતું ગામ લોન કોટડા દેવળીયાથી દસેક કી.મી. દૂર હતુ. આ ગામે જવા માટે પણ બગસરાના દડવા (રાંદલ) ગામ અને ગોંડલના વાસાવડ થઈ ને જવું પડતુ લોનકોટડા બાબરા તાલુકાનું છેલ્લુ ગામ હતુ.
લોનકોટડાથી નજીકનું ગામ જસદણનું સાણથલી હતુ. આમ આ ગામ રાજકોટ જિલ્લાના ગોંડલ અને જસદણ પોલીસ સ્ટેશન તથા અમરેલીના બગસરા પોલીસ સ્ટેશનના કુંકાવાવ આ.પો.ના ત્રિભેટે આવેલું હતુ, વળી બાબરા પોલીસને પણ ત્યાં જવલ્લે જ જવાનું થતું.
દેવળીયા આઉટ પોસ્ટના જમાદાર વામનરાવ ગાવડે હતા. તેઓ જન્મે મરાઠા હતા અમરેલી રાજાશાહીમાં વડોદરાના ગાયકવાડનું અને ગાવડે જમાદારના વડવાઓ આ ગાયકવાડની ફોજમાં હોઈ અમરેલી આવેલ જમાદાર ગાવડેનો જન્મ અને ઉછેર અમરેલીમાં જ થયેલો તેથી તેમની બોલી કાઢીયાવાડી દેશી લઢણની, તે બોલતા હોયતો કોઈ માને નહિ કે, આ મરાઠા સરદાર જયદેવની સેનાના સભ્ય હશે.
ગાવડેનોવાન એકદમ ઉજળો બેઠીદડી મોટુ ગોળ પેટ માથે તાલ, મોટી મોટી અને ઉપસીને બહાર આવતી પણ બીલાડી જેવી પીંગળી આંખો આ ગાવડે જમાદારની હતી તેમનો અભ્યાસ ફકત બે ચોપડીનો હશે આથી લખવાના પણ ફાંફા પડતા મોટેભાગે અમરેલી પોલીસ હેડકવાર્ટરમાં કલોધીંગ સ્ટોરમાંજ નોકરી કરેલી તેથી કાયદા કાનૂનની પણ મારામારી હતી. પરંતુ કોઠા સુઝ ખૂબ ઉંચી હતી.
આથી ગાવડે જમાદાર સામાન્ય ગુન્હાતો ઠીક પરંતુ બળાત્કાર અને ખૂનની કોશીષ સુધી ના ગુન્હાનું પણ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી દેતા અને પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ જ આવવા દેતા નહિ તેનું મુખ્ય કારણ આ તેમની લખવાની અને કાયદાની મારામારી જ હતી.
જયારે ગાવડે જમાદાર સવાર સવારમાં બાબરા આવ્યા હોય તો તમામ પોલીસ સમજી જાય કે નકકી દેવળીયા વિસ્તારનો મોટો લોચો હોય અને ગુન્હો પણ વણ શોધાયેલો હોય. તો જ ગાવડે જમાદાર આવ્યા હોય કેમ કે તેઓ સમાધાન કોની સાથે કરાવે ? આરોપી પક્ષ હોયતો કરાવી શકે.
એક દિવસે સવારના સાત વાગ્યામાં જમાદાર ગાવડે બાબરા આવ્યા સહજ છે કે સાત વાગ્યે તો ફોજદાર સામાન્ય રીતે ઘેર જ હોય ! ફોજદારી બંગલો પોલીસ સ્ટેશનની સામે જ આવેલો હોય ગાવડેએ બંગલાનો કોલબેલ વગાડયો. જયદેવે રૂમમાંથી ઓંસરીમાં આવીને જાળીમાંથી બહાર ગાવડે જમાદારને જોયા, જમાદારની ભયભીત મોટી મોટી આંખો અને હાલત જોતા જ જયદેવને લાગ્યું કે નકકી કાંઈક મોટી બબાલ લઈને આવ્યા લાગે છે.
જયદેવે દરવાજો ખોલીને સીધુ જ પૂછયું કે શું ઉપાધી લઈને આવ્યા છો? ગાવડે એક કહ્યું ‘સાહેબ દેવળીયાના લોનકોટડા ગામે ખૂન સાથે મોટી ઘાડ રૂપીયા અઢીલાખની પડેલ છે’ જયદેવે કહ્યુંં ‘ફરીયાદીને લાવ્યો છોકે લાશ લઈને આવ્યા છો ?’ ગાવડેએ કહ્યું ‘સાહેબ કોઈ મારી પાસે આવ્યું નથી મને સમાચાર મળ્યા એટલે સીધો અહિં તમને જાણક રવા જ આવ્યો છું.
જયદેવે ઝટપટ તૈયાર થઈ જરૂરી પોલીસ જવાનો અને ગાવડેને લઈ બાબરાથી દેવળીયા વાસાવડ થઈ લોનકોટડા આવ્યો.ગામમાં તપાસ કરી તો સોની મહાજનના ઘરમાં ધાડ પડી હતી. જયદેવે ઘરમાં જઈને જોયું તો ઓસરીમાં જ એક વૃધ્ધાની લાશ પડી હતી. આ મકાન મુખ્ય બજારમાં એક ખડકી પછી ફળીયું અને સંયુકત ફળીયામાં એક જ ધારે બે ભાઈઓના ઓરડા વાળા મકાન હતા.
ઓંસરીઓ ખૂલ્લી હતી. આ બે પૈકી એક જ મકાનમાં ધાડ પડી હતી. જયદેવે એફ.આઈ.આર. નોંધી ઉચ્ચ અધિકારીઓને જાણ કરતો મેસેજ જેમાં વિજીટેશન બાબતે તથા ડોગ સ્કોડ અને ફોરેન્સીક મોબાઈલવાન મગાવતી પણ વિગત લખેલી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે બાબરા સરકારી દવાખાને મોકલી તપાસ તજવીજ શરૂ કરી.
તે સમયે બગસરાના ધારાસભ્ય ભોગ બનનાર કુટુંબની જ્ઞાતિના જ હતા. અધિકારીઓને કોઈ ખાસ સૂચના મળી હોય કે ન મળી હોય પરંતુ અધિકારીઓ વાવાઝોડાની જેમ છૂટયા અને લોન કોટડામાં પોલીસની ગાડીઓનો ઢગલો થઈ ગયો. અનુભવ એવો છે કે જયારે આ રીતે બને ત્યારે સ્થાનિક પોલીસ અધિકારી આવેલા ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓ સાંભળવા લખવામાં અને તેમની સરભરામાં જેમ એક પછી એક આવતા જાય તે રીતે રોકાયેલો જ રહે છે.
અને ‘સામટી સુયાણીએ વેતર વંઠે’ તેમ તપાસનું પણ થાય છે. વળી જયદેવ જાણતો હતો કે આપાભાઈની જગ્યાએ નવા આવેલા સીપીઆઈ અને ધારાસભ્યને સારા સંબંધો છે. અને અમરેલીમાં પણ બધુ ગોઠવાઈ ગયેલ હોઈ આ ગુન્હો સીપીઆઈની જાત તપાસનો અનડીટેકેટેડ ડેકોઈટી વીથ મર્ડરનો હોવા છતા તપાસ તેઓ નહિ સંભાળી ને તપાસનો ભાર જયદેવના ખંભે જ રહેવાનો હતો છતા પણ જયદેવેને આ ગુન્હો શોધવા માટે પ્રથમથી જ પૂરા પ્રયત્નો શરૂ કરી દીધા હતા.
ગુન્હાવાળી જગ્યાએથી ગુન્હો શોધાય તેવો પ્રથમ દ્રષ્ટીનો કોઈ પૂરાવો મળ્યો નહતો તેથી જયદેવે તેની મુળ પધ્ધતિ મુજબ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટીએ તપાસ શરૂ કરી સામાન્ય રીતે આમ જનતા ખાનગી વાતચીતમાં જો આત્મીયતા અનુભવે અને પૂરો વિશ્વાસ ઉપર બેસે તો જ તેમનું નિવેદન નહિ લખવાની પૂરી બાંહેધરી હોય તો અવશ્ય પણે આરોપીઓ અને ગુન્હા વિશે પાકકી બાતમી આપે અને મદદ પણ કરતી જ હોય છે.
પરંતુ સામાન્ય રીતે એકયા બીજા કારણોસર પોલીસની અણઆવડત કે બેદરકારીને કારણે બાતમીદારનું નામ ધીમેધીમે પણ જાહેર થઈ જતુ હોઈ પોલીસનો કોઈ ભરોસો કરતુનથી. જયદેવે બનાવ વાળી જગ્યાની આજુબાજુના પડોશીઓથીચર્ચા કરી અને લાક્ષણીક શૈલીથી એક પડોશીભાઈએ જયદેવ ઉપર વિશ્વાસ કહ્યું કે ‘નવાઈ જનક નથી લાગતુ કે એક ભાઈ ના ઘરમાં ધાડ પડી અને બીજાના ઘરમાં નહિ?’ વધુમાં તેમણે કહ્યું કે ‘આરોપીઓએ ત્યાં પણ કાળુ કામ તો કર્યું જ છે. અને ઘરનો ઓરડો પણ ખોલાયેલો હતો પણ તે મોટાભાઈ આર્થિક રીતે કંગાળ અને ખાવાના પણ વાંધા છે ઘરમાં કાંઈ હોયતો લઈ જાય ને? જયદેવને વહેમ તો હતો જ કે તે ઘરના ને નાની અમથી પણ ઈજા કરી નહતી. પડોશીએ કહ્યું ‘સાહેબ ત્યાં વધુ પૂછપરછ કરો કાંઈક કડી અવશ્યક મળી જશે.
જયદેવે મરનાર વૃધ્ધના મોટાપુત્રને પુછપરછ કરી પણ તે તો એમ જ જણાવતો હતો કે ગુનેગારોએ ખડકી ખખડાવી રાડો પાડીને પછી ધમકી આપીને ખોલાવીને અંદર આવલા પોતે કોઈને ઓળખતો નથી. જયદેવે કહ્યું ‘એતો ઠીક પણ પડોશી કહેશે કે અવાજ જાણીતો હતો અને ગુન્હો પકડાશે તોતમારે પણ ભોગવવું પડશે જયદેવની આ નાખણીની બરાબર અસર થઈ ઘરના એક અન્ય મહિલા સભ્યએ ઉતાવળે જ કહ્યું કે ગામના એક ખેડુત દ્વારા સાદ પડાવીને દરવાજો ખોલાવેલો હતો.
પરંતુ તે ખેડુતને સાદ પડાવીને દરવાજો ખુલતા જ તેમને પકડીને લાવેલા તેમાંથી મૂકત કરી જવા દીધેલા. જયદેવને નામ મળી ગયું. હવે જો ખેડુત સાચો થાય અને આરોપીઓવિશે કાંઈક જણાવે તો ગુન્હો ડીટેકટ થઈ જાય. તે દરમ્યાન તો મોટા અધિકારીઓની ગાડીઓના તો ઢગલા થઈ ગયા હતા.
આવિજીટેશનનો ગુન્હો હોય ફોજદારે તપાસ ઉચ્ચ અધિકારીને પૂછી ને જ જાણ કરીને આગળ વધવાનું હોય છે જયદેવે અધિકારીઓને પૂછયું ‘એક સાક્ષી ને ખાનગીમાં તપાસવો જરૂરી છે. તો જાઉ?’ અધિકારીઓએ કહયું ‘તેને અહિં જ બોલાવી લોને?’ જયદેવને ખબર હતી કે જો ખેડુત જાણતો હશે તોપણ આ રીતે જાહેરમાં કાંઈ બોલશે નહિ પણ જયદેવ માટે કોઈ બીજો ઉપાય ન હતો.
પ્રથા જારી રાખવાની હતી જવાનોને ખેડુતને બોલાવીને પંચાયત ઓફીસમાં લઈ આવવા જણાવ્યું જવાનો થોડીવારમાં જ પાછા આવ્યા અને કહ્યું કે આ ખેડુત વાસાવડ મગફળીની ધાણી કઢાવવા ગયેલ છે. અને ધાણીનું કામ કયારે પૂરૂ થાય તે નકકી નહી જયદેવે અધિકારીઓને કહ્યું કે ‘આ કામ ઘણુ જ અગત્યનું હોઈ પોતે જાતે જ જાય છે. કેમકેઆ કામ પેલી કહેવત મુજબ ‘જા બીલ્લી કુત્તેકો માર’ની જેમ કાંઈ કામ થઈ શકે નહિ તેથી જાતે જ જાય છે તેમ કહી તે વાસાવડ જવા રવાના થયો ગાવડે જમાદાર અને બીજા બે જવાનોને સાથે લીધા.
લોન કોટડાથી વાસાવડ જતા વાસાવડના પાદરમાં જ ખેડુત ગાડુ લઈ સામે મળ્યો. ગાવડેએ દૂરથી જ કહ્યું આજ છે. સાહેબ, આથી સાથેના જવાનોએ ગાડુ ઉભુ રખાવી નીચે ઉતાર્યો જયદેવે ખેડુતને એક બાજુ આવેલ ઝાડની નીચે બોલાવ્યો ત્યાંજ ગાવડેએ એક મજબુત ધોકો લઈને જયદેવને આપ્યો કે લ્યો સાહેબ આ મજબુત છે. પરંતુ જયદેવે ધોકાને હાથ જ અડાડયો નહિ કોણ જાણે જયદેવને ખેડુતની નિર્દોષતા ઉપર કરૂણા ઉપજી અને ખેડુતને પ્રેમથી જ પૂછયું કે ‘ભાઈ રાત્રીનાં શું મજબુરી ઉભી થઈ હતી?
આથી ખેડુતે કહ્યું કે રાત્રીનાં હું મારી વાડીએ ખળામાં સુતો હતો રાત્રે બારેક વાગ્યે પાંચેક અજાણ્યા વાઘરી જેવા માણસો એ મને ઉઠાડયો અને અમારા ગામના સોની મહાજનનું નામ આપીને તેનું ઘર બતાવવા સાથે આવવા કહ્યું પણ મેં નહિ જોયું હોવાનું કહેતા આ લોકોએ મને લાકડીઓ વતી મારવાનું શરૂ કરતા હું રસ્તો દેખાડવા આગળ ચાલ્યો વાડીના ઝાપા પાસે એક વ્યકિત ઉભી હતી તેનો રાત્રીના પણ થોડો ઘણો અણસાર આવી ગયો પરંતુ તે વ્યકિત અમારાથી થોડે દૂર જ રહેતી હતી પણ ગામના પાદરમાં આવતા દૂરથી પણ હું ઓળખી ગયો કે આ તો જસાપરના એક માથાભારે આગેવાન મોરભાઈ હતા પરંતુ હું કાઈ બોલ્યો નહિ.
મેં ઘર બતાવ્યું છતા આ લોકોએ મારી પાસે જ સાદ પડાવીને ફરિયાદીનું ઘર ખોલાવ્યું હતુ જેવો દરવાજો ખૂલવાની સાંકળ ખખડી તેવો જમને આ લોકોએ જવા દીધો હતો. પણ દૂર ઉભેલા મોરભાઈએ મને કહ્યું કે ‘જો કોઈને તેં આ વાત કરીતો તારે તો સીમમાં રાત્રે એકલા જ રહેવાનું છે.
ખબર છે ને?’ મને ભય લાગતા હું ચુપચાપ પાછો વાડીએ આવીને સુઈ ગયેલો. તમે બોલાવો મોરભાઈને હું તેમને રૂબરૂ જ કબુલ કરાવું કે રાત્રે તેઓ સાથે હતાકે નહિ ‘જયદેવે ખેડુતને કહ્યું સારૂ હવે આ વાત બીજા કોઈને કહેતો નહિ તારૂ ગાડુ તારા ઘેર છોડીને તુ મને મળજે એક પોલીસ જવાનને જયદેવે સુચના કરી કે તે ખેડુત સાથે ગાડામાં લોનકોટડા આવે અને ખેડુત ગાડુ તેના ઘેર છોડી પછી તુરત તેને લઈ પંચાયત ઓફીસે આવવાનું કહ્યું. લોનકોટડા ગામે અધિકારીઓ અને પદાધિકારીઓ વધી પડેલા હોય જયદેવે સરપંચને કહી પંચાયતની બાજુમાંજ આવેલ સહકારી મંડળીની કચેરી ખોલાવી તેમાં બેસવાની વ્યવસ્થા કરી હતી.
ખેડુત ગ્રામ પંચાયતમાં આવ્યો એટલે જયદેવે ખેડુતનું વિગતવારનું નિવેદન નોંધી લીધું અને આ ગુન્હાની તપાસના કાયદેસર જવાબદાર એવા સી.પી.આઈ.ને જાણ કરી આ નવા સીપીઆઈ કે જેમણે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ જિલ્લામાં વધારે નોકરી કરેલી અને રાજકીય કાવાદાવા અને તપાસોની ખટપટમાં પીઢ અને નિષ્ણાંત એવા આ અધિકારીને આ મેળવેલ કડીની જયદેવે ઉમંગ અને હરખભેર વાત કરી તો તેમણે કહ્યું હમણા એમ જ રાખો અત્યારે વાતાવરણને થાળે પડવા દયો પછી સીપીઆઈએ આ ગુન્હાના વિજીટેશન અધિકારી ડીવાયએસપી અમરેલી સાથે એકલા કાંઈક ચર્ચા કરી સાંજના પોસ્ટ મોર્ટમ થઈને લાશ લોન કોટડા આવતા દરેક અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવી કુંકાવાવ સાણથલી કમઢીયા તરફ ગુનેગારો શકદારો ડફેરોને તપાસવા રવાના કરી પરંતુ જયદેવે રાત્રી મુકામ લોનકોટડા જ કરવાનો હતો અમુક પોલીસ જવાનો ને પંચાયત ઓફીસમાં જ રાખવામા આવેલા અને પેલા ખેડુતને તપાસમાં મદદમાં સાથે રાખેલો.
બીજે દિવસે સવારે અગીયાર વાગ્યે આ ખેડુત અકળાયો અને જયદેવને કહ્યું સાહેબ મોરભાઈને એક વખત બોલાવી ને મારી સામે ભેગા કરી દો હું જ તેમને કહી દઉ કે મોરભાઈ તમે સાથે જ હતા તેથી જે હોય તે કહી દો. તે પછી મારૂ જે થવું હોય તે થાય પરંતુ તે પછી મારી જવાબદારી અને ફરજ પુરી. જયદેવે આ વાત સીપીઆઈને કરી. જમાનાના ખાધેલા સીપીઆઈના મનમાં શું હિસાબ ચાલતો હોય ભગવાન જાણે ! પરંતુ તેમણે જયદેવને કહ્યું ‘આ મોરભાઈને જસાપરથી લઈ આવીશું તો શું ઘાડમાં ગયેલ મુદામાલ મળી જશે ?
જયદેવ એકદમ આશ્ચર્ય પામી ગયો અરે ? અને કહ્યું તે તો હું કેમ કહી શકું પરંતુ આ મોરભાઈ પાસેથી બીજા આરોપીઓના નામ મળે અને તેઓ પકડાય તો તપાસમાં કાંઈક પ્રગતી થાયને ? સીપીઆઈએ કહ્યુ આવો ગંભીર ગુન્હો આવડો મોટો મુદામાલ જો તેમાં કાંઈ મળે નહિ તો બીજો પુરાવો શું ? અને આવા ડીટેકશનનો મતલબ પણ શું? જયદેવે કહ્યું ખેડુત સાક્ષી છે અને તપાસમાં આગળ કાંઈક પુરાવા મળે પણ ખરા.
પરંતુ તે બંને અધિકારીઓએ જે ચર્ચા કરી હોય તે પણ જયદેવને ઉતાવળ નહિ કરવા જણાવ્યું. પોલીસ દળમાંતો શિસ્ત એટલે શિસ્ત, અધિકારીને ઓવરટેક કર્યાતો ફસાયા. દરમ્યાન બગસરાના ધારાસભ્ય એ ભોગ બનનારના ઘરની મુલાકાત લીધી સાથે પોલીસ વડા વિગેરે પણ હતા. તેઓને કાંઈક ચર્ચા થઈ હશે અને સુચનાઓ પણ થઈ હશે પરંતુ તેમાં જયદેવ કયાંય હતો નહિ.
મોડેથી પંચાયત કચેરીમાં ખેડુત સાથે રહેલા જવાને જયદેવ પાસે આવીને કહ્યું ‘સાહેબ આ ખેડુતે રાત્રે પણ કાંઈ ખાધુ નથી અને અત્યારે બપોર વિતવા આવી છતા કહે છે મારે ખાવું નથી તેને પંચાયત કચેરીમાં બેસીને જમવામાં શરમ આવે છે. જયદેવ મુંજાયો કે બહુ થયું હવે તો સાક્ષીને જવા દેવો જોઈએ તેણે સીપીઆઈને ફરીથી મોરભાઈ વાળી વાત કરી તો સીપીઆઈએ કહ્યું કે તે પછી પહેલા ખેડુતને તેના ઘેર પોલીસ સાથે મોકલીને જમાડી લો ને! આથી જયદેવે એક જવાનને ખેડુત સાથે તેના ઘેર મોકલ્યો અને જમાડીને સલામત રીતે લઈ આવે.
જયદેવ ખરેખરો કંટાળ્યો હતો કે વિજીટેશનનાં ગુન્હામાં અધિકારીઓ પોતાનો જ રાગ આ લાપ્યા કરે છે. તેમના મનમાં શું હોય ભગવાન જાણે પણ મોરભાઈ કયાં મોટો રાજકારણી કે નેતા હતો કે તેને બોલાવીને પૂછપરછ કરીને આગળ તપાસ કરવામાં કાંઈ વાંધો કે અડચણ આવે? જો વીજીટેશન ન હોત તો ગઈકાલે સાંજ સુધીમાં જ મોરભાઈ આવી ગયા હોત અને ‘દુધ નું દુધ અને પાણીનું પાણી’ થઈ ગયું હોત. આ સીધા સાદા ખેડુતને ખોટુ બોલવાનુ કોઈ કારણ પણ નહતુ. પરંતુ શિસ્તબધ્ધ પોલીસ દળની પધ્ધતિ મુજબ સુપરવિજન અધિકારીનું સુચન માનવું જ રહ્યું.
જમાદાર ખેડુતને તેના ઘેર જમવા લઈ ગયા ને દસ પંદર મીનીટ જ થઈ હશે ત્યાં જમાદાર પેલા ખેડુતનો હાથ પકડીને ઉતાવળે ઉતાવળે પાછો આવ્યો અને કહ્યુ સાહેબ આણે તેના ઘેર ગયા પછી ફળીયામાં રહેલ કોંઢમાં જઈ કપાસમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા મોનોકોટોની આખી બોટલનું પ્રવાહી પેટમાં ઉતારી દીધું છે.
‘જયદેવે એક દમ ચમકીને કહ્યું’ હે ? ‘જયદેવે સહકારી મંડળીની કચેરીમાં હાજર અધિકારીઓ નેતાઓને આ વાત કરી તમામના શ્વા અધ્ધર થઈ ગયા. પંચાયત કચેરી પાસે તો કોઈ આવ્યું નહિ. જયદેવે ખેડુતને પુછયું ‘આમ આવું કેમ કર્યું?’ તો તેણે કહ્યુંં ‘સાહેબ આમે હવે મોરભાઈ મને જીવવાતો દેવા નથી. પરંતુ મારે તેને તમારી રૂબરૂમાં મોઢા મોઢ કહેવું હતુ કે તમે જ હતા પરંતુ પોલીસે મોરભાઈને બોલાવવામાં બે દિવસ કાઢી નાખ્યા હવે હું સાવ મુંજાયો હતો. તેથી ઘેર જતા મોકો મળતા આમ થઈ ગયું’.
ગામમાં તો સન્નાટો થઈ ગયો. ગામડામાં જેમ દીપડુ દાખલ થાય અને તેની ગંધ જ પારખીને કુતરા મોત ભાળી જાય અને પગલાનો પણ અવાજ ન આવે તે રીતે ચપોચપ સંતાવા લાગે અને અદ્રશ્ય થઈ જાય તેમ રાજકીય નેતાઓ કયારે રવાના થઈ ગયા તે ખબર પણ પડી નહી. સીપીઆઈએ કહ્યું આ ખેડુતને મારી જીપમાં બેસાડો અને જીપ ને ગોંડલ હોસ્પિટલમાં સારવારમાં રવાના કરો.
ડી.વાય.એસ.પી.એ કહ્યું જયદેવ હું જરા બાબરા ડોકટર પાસે પીએમ નોટની ચર્ચા કરવા અને ગુન્હાની હકિકત કુંકાવાવ તરફની મળી છે તો જતો આવું છું તમે અહિં લોનકોટડા જ રોકાજો તેમ કહી સીપીઆઈને સાથે લઈને નીકળી ગયા. શિસ્તબધ્ધ દળના સૈનિક તરીકે જયદેવને ‘હાજીસર’ કહ્યા સિવાય છૂટકો ન હતો. જયદેવને લોનકોટડામાં રોકકળ વચ્ચે અને ભેંકાર રાત્રીમાં પંચાયત કચેરીમાં રોકાવાનું હતુ.
જયદેવ મનમાં વિચારતો હતો કે ગુન્હાની ખરી હકિકત કુંકાવાવ તરફ નહિ પરંતુ જે હકિકત સાચી હતી તે હવે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી ગોંડલ તરફ જઈ રહી છે. હવે કુંકાવાવ તરફ જવાની કોઈ જરૂર નથી. જયદેવે ઈશ્વર મનોમન પ્રાર્થના કરી કે ખેડુત બચી જાય!