કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડ અને
કોંગ્રેસ વર્કિંગ કમિટીની મંજૂરી બાદ સત્તાવાર જાહેરાત કરાશે
વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ કરી દીધી છે. ગુજરાતમાં ગત દિવસોમાં સ્ક્રિનીંગ કમિટી અને પ્રદેશ ચૂંટણી સમિતિએ તૈયાર કરેલી યાદીને આખરી ઓપ આપવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દિલ્હી જવા રવાના થયા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દિલ્હીના બે દિવસના રોકાણમાં કેન્દ્રીય નેતાઓ સાથે ઉમેદવારો અંગે ચર્ચા કરશે. અલબત્ત, ઉમેદવારોની આખરી પસંદગી ઉપર કોંગ્રેસ વર્કિંગ કમિટી મત્તુ મારશે. દિવાળીની આસપાસ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ ચૂંટણી સમિતિ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષે નિયુક્ત કરેલી સ્ક્રિનીંગ કમિટીની ગત દિવસોમાં તબક્કાવાર બેઠકમાં વિધાનસભાની ૧૮૨ બેઠકોના સંભવિત દાવેદારો અને પ્રબળ દાવેદારોની યાદી અલગ તારવવામાં આવી હતી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીમાં સોમવાર અને મંગળવારે કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાંથી તૈયાર કરવામાં આવેલી યાદીના સંભવિત દાવેદારો અને કોંગ્રેસ હાઈકમાન્ડે સ્વતંત્ર રીતે કરાવેલાં સરવેમાં ઉભરેલાં ઉમેદવારોની યાદીનું સંકલન કરીને ઉમેદવારોની પસંદગીને ઓખરી ઓપ આપશે. આ યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને સુપરત કરાશે. પાર્લામેન્ટરી બોર્ડ આ યાદી ઉપર ચર્ચા-વિચારણા બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીને સુપરત કરશે. કોંગ્રેસ વર્કિંગ કમિટી પાસેથી આ યાદી કોંગ્રેસ ઉપા્ધ્યક્ષ રાહુલ ગાંધી પાસે આખરી મંજૂરી માટે મોકલવામાં આવશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષની મંજૂરીની મહોર વાગ્યા પછી કોંગ્રેસના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે, પ્રદેશની ચૂંટણી સમિતિએ વિવિધ જિલ્લાઓ અને વિધાનસભા બેઠકોમાંથી આવેલાં દાવેદારોમાંથી છટણી કરીને મોટાભાગની બેઠક પર એકથી વધુ ઉમેદવાર ન હોય તેવી રીતે દાવેદારોની પસંદગી કરીને સ્ક્રિનીંગ કમિટીને લિસ્ટ સુપરત કર્યું હતું.