લગ્નેતર સંબંધોના કારણે બાળકોનું ભવિષ્ય જોખમાય છે
વર્તમાન યુગમાં લગ્નેતર સંબંધો સામાન્ય બન્યા હોવાનું ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં નોંધ્યુ છે. મહિલા સાથે ઘરેલું હિંસાના કેસમાં કોર્ટે આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. ભાવનગરમાં પતિએ પોતાના બાળકોની શિક્ષીકા સાથે બાંધેલા સંબંધો બાદ પત્નીને આ વાત ખબર પડતા ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પત્નીએ પતિ સામે ઘરેલું હિંસાનો કેસ નોંધવા દલીલ કરી હતી. અલબત આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
અગાઉ આ કેસમાં ફેમીલી કોર્ટે પતિની રૂ.૬૫૦૦૦ ભરણપોષણ પેટે ચૂકવવા આદેશ કર્યો હતો.ત્યારબાદ કેસ હાઈકોર્ટમાં ચાલતા જસ્ટીસ પારડીવાલાએ કહ્યું હતું કે, લગ્નેતર સંબંધો વર્તમાન યુગમાં સામાન્ય બાબત જેવા બની ગયા છે. અલબત આવા સંબંધોમાં ઘણા નુકસાન થતા હોય છે. આડાસંબંધો સમગ્ર વિશ્ર્વમાં લગ્નસંબંધો તૂટવાનું કારણ બની રહ્યાં છે. વિશ્ર્વાસ તુટવાથી લાગણી દુભાઈ છે તેમજ માનસીક નુકસાન પણ થતું હોય છે.
કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, સંબંધોમાં છેતરપિંડીના કારણ અસંખ્ય હોઈ શકે. મોટાભાગના કેસમાં પાર્ટનર સંબંધોને કઈ રીતે નુકશાન થઈ રહ્યું છે તે પ્રત્યે ધ્યાન આપતા નથી. લગ્નેતર સંબંધોમાં સૌથી વધુ નુકસાન જેનો કોઈ વાંક ન હોય તેઓ ભોગવે છે. બાળકોના ભવિષ્યને માતા-પિતાની ગતિવિધિ જોખમમાં મુકે છે.