પોતાની પાક વિમા કંપની માટે સરકારે બજેટમાં કરી પ્રથમ ચરણ માટે ૩,૦૦૦ કરોડની જોગવાઈ
કહેવાય છે કે, ભારત ખેતીપ્રધાન દેશ છે અને ગુજરાતમાં ખેતીનું મહત્વ પણ ખુબ જ વધુ રહેલું છે ત્યારે રાજયમાં ખેડુતો અને ખેતીની આવક બમણી કરવા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. સરકારને ખેડુતોનાં પ્રશ્નોને લઈ અનેકગણુ સહન કરવું પડયું છે અને ચુંટણી સમય દરમિયાન જે વાયદાઓ તેમનાં દ્વારા કરવામાં આવતા હોય છે તે પણ તેમનાથી પરીપૂર્ણ થતા જોવા મળતા નથી ત્યારે ગત ધારાસભાની ચુંટણીની વાત કરવામાં આવે તો ભાજપ પક્ષ ૩ આંકડામાં પણ પહોંચી શકયું ન હતું અને ૯૯ સીટ માત્ર મળી હતી. આ જોતાં એ વાત સ્પષ્ટ થાય છે કે, ગત ધારાસભાની ચુંટણીમાં ખેડુતોમાં અસંતોષનું મોજુ ફરી વળ્યું હતું.
ખેડુતોની આવક બમણી કરવા અને ખેતીની આવકમાં વધારો કરવા માટે સરકાર અનેકવિધ રીતે પ્રયત્નશીલ છે પરંતુ હાલ માળખાગત સુવિધાઓ કે જે ખેડુતોને આપવામાં આવે છે તેનાથી તે વાત સ્પષ્ટ થાય છે કે, જે યોજનાઓ ખેડુતો માટે આપવામાં આવી છે તેનાથી કોઈ૫ણ પ્રકારે તેને લાભ થતો નથી. પાકવિમાને લઈ ઈન્સ્યોરન્સ કંપની પણ અનેકવિધ રીતે પોતાની મનમાની ચલાવતી હોય તેવું પણ સામે આવ્યું છે ત્યારે સરકારની વિવસ્તા અને તેનો પક્ષ ખેડુતો સમક્ષ મુકવા માટે અસફળ રહ્યું છે. જેનાં પગલે સરકારને ખેડુતોનાં રોષનો પણ સામનો કરવો પડયો છે ત્યારે દરેક ચુંટણી સમયે સરકાર દ્વારા ખેડુતોને અનેકવિધ વાયદાઓ અને વચનો આપવામાં આવતા હોય છે પરંતુ તે યથાયોગ્ય પૂર્ણ થતાં નથી ત્યારે જો સરકારે સત્તામાં ટકી રહેવું હોય તો ખેડુતોને પડતી મુશ્કેલીનો સામનો ન કરવો હોય તો તેને તમામ સમસ્યાનો યોગ્ય ઉકેલ નિયત સમયમાં લાવવો અનિવાર્ય બની રહેશે.
ખેડુતોનાં સુખાકારી અને ખેડુતોનું હિત જળવાય રહે તે માટે સરકાર હવે ખુદ કી દુકાન એટલે કે પોતાની ઈન્સ્યોરન્સ કંપની ઉભી કરશે તેવી પણ વાત સામે આવી રહી છે અને હાલ જે ઈન્સ્યોરન્સ સ્કિમ લાગુ કરવામાં આવી છે તેનાં પર પૂર્ણવિરામ મુકવામાં આવશે. જેને લઈ સરકાર પોતાનું કોપર્સ ફંડ ઉભું કરશે. વધુમાં વાત કરવામાં આવે તો ૩૦૦૦ કરોડથી વધુનું ફંડ પ્રથમ તબકકામાં સરકાર ખેડુતોનાં સુખાકારી અને પાકવિમાને લઈ પ્રવિધાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર પણ ઈન્સ્યોરન્સ કંપની સાથે ભાગીદારી કરી ૫૦ ટકા ઈન્સ્યોરન્સ પ્રિમીયમ આપતું હોય છે. આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ એ પણ માનવામાં આવે છે કે, ગુજરાતમાં હાલ ખેડુતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જે કલેઈમ ખેડુતો દ્વારા કરવામાં આવે છે તેને પણ ઈન્સ્યોરન્સ કંપની ફગાવી દેતી હોય છે ત્યારે સરકાર ખુદ કી દુકાન ઉભી કરશે તેવી વાત સામે આવી રહી છે. ૨૦૧૮માં કેન્દ્ર સરકાર અને રાજય સરકારે સંયુકત રીતે ૩૦૩૧ કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. જેમાં ૩૬૫ કરોડ રૂપિયા ખેડુતોને ચુકવવામાં આવ્યા હતા. પાકવિમાનાં પ્રિમીયમ તરીકે જયારે કંપનીએ ૨૦૫૦ કરોડનો કલેઈમ પણ કર્યો હતો ત્યારે ખેડુતો તરફથી મળતી ફરિયાદનાં આધારે એ વાત નકકી થઈ હતી કે, ખેડુતોને જે યોગ્ય વળતર પાકવિમા હેઠળ મળવું જોઈએ તે મળી શકતું નથી. જેને લઈ ખેડુતોનાં રોષનું કારણ સરકારે બનવું પડે છે. આ તકે આવતા સમયમાં સરકારને કોઈ પ્રશ્ર્ન ઉદભવિત ન થાય તે માટે સરકાર પોતાની ઈન્સ્યોરન્સ કંપની ઉભી કરવા માટે કટીબઘ્ધ છે જેથી ખેડુતોને જે પાકવિમાને લઈ મુશ્કેલી ઉદભવિત થઈ રહી છે તે હવેથી નહીં થાય અને સરકારને પણ ખેડુતોનાં રોષનું કારણ નહીં બનવું પડે.