વર્ષ ૨૦૨૧માં અમલી બનેલા લવ જેહાદ એકટ હેઠળ ૩ વર્ષ પૂર્વે નોંધાયેલા ગુનામાં સજા ફટકારી જ શકાય નહીં

૨૦મી ડિસેમ્બરે કાનપુર અદાલતે સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને ૧૦ વર્ષની જેલ અને રૂ. ૩૦ હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ કેસને અમુક ન્યૂઝ વેબ પોર્ટલ દ્વારા ઉત્તરપ્રદેશના પ્રથમ લવ જેહાદ પ્રકરણ તરીકે રજૂ કરી દેવામાં આવતા ફેક ન્યૂઝ ફેલાયા હતા. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ ગેરકાયદે ધર્મ પરિવર્તન એકટ ૨૦૨૧ને ટૂંક સમય પૂર્વે જ મંજૂરી આપવામાં આવી છે.

સમગ્ર પ્રકરણમાં જાવેદ ઉર્ફે મુન્ના નામના શખ્સને ઉત્તર પ્રદેશ લવ જેહાદ એકટ હેઠળ સજા કટકારવામાં આવી છે તેવા ફેક ન્યૂઝ વહેતા કરવામાં આવ્યા છે. પરંતુ કોર્ટે આ ગુન્હો લવ જેહાદ હેઠળ નોંધ્યો જ નથી.

ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ ૨૦૧૭માં ૧૭ વર્ષીય સગીરા પર જાવેદ ઉર્ફે મુન્ના નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય બાબત છે કે, સમગ્ર ઘટના વર્ષ ૨૦૧૭માં બની હતી જ્યારે લવ જેહાદ એકટ વર્ષ ૨૦૨૧માં અમલમાં આવ્યો છે તો પછી આ મામલામાં લવ જેહાદ એકટ હેઠળ સજા ફટકારવાની કોઇ બાબત જ ઉપજતી નથી.

આ ઘટનામાં કોર્ટે નરાધમને સજા ફટકારતાની સાથે જ અનેક વેબ પોર્ટલમાં ‘કાનપુર કેસમાં લવ જેહાદ એકટ હેઠળ આરોપીને સજા ફટકરાઈ’ તેવા ખોટા સમાચાર વહેતા થઈ ગયા હતા પરંતુ ખરેખર આ કેસમાં કોર્ટે પોકસો એકટ હેઠળ આરોપીને ૧૦ વર્ષની કેદ અને રૂ. ૩૦ હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.