‘જસ્ટીસ ડિલેઈડ ઈઝ જસ્ટીસ ડિનાઈડ !! ’
ગુજરાતમાં કુલ ૧૬.૫૭ લાખ કેસો પેન્ડિગ જેમાં ૪.૪ લાખ સિવિલ કેસો અને ૧૨.૧૬ લાખ ફોજદારી કેસોનો ભરાવો
ગુજરાતની કોર્ટોમાં છેલ્લાં ૫૦ વર્ષથી પણ વધુ પેન્ડીંગ પડેલા કેસો પણ ન્યાયની અપેક્ષા રાખી રહ્યાં છે જેમાં ગુજરાતનાં અમુક કેસો ઘણાખરા વર્ષોથી પેન્ડીંગ હોવાનું સામે આવ્યું છે. હરિશંકર ગોરખાનો કેસ ગત ૫૪ વર્ષથી ચાલું છે જેમનાં વિરુઘ્ધ સુરેન્દ્રનગરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે તેમની ઉંમર ૧૬ વર્ષની હતી. ડિસ્ટ્રીકટ જયુડીશીયલ ડેટા ગ્રીડ દ્વારા એવા ૧૦૦ કેસોની યાદી તૈયાર કરવામાં આવી છે કે જે ૫૦ વર્ષોથી વધુ જુના હોય. જેમાં ૧૯૬૧માં અબ્દુલ કરીમ વિરુઘ્ધ જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેની પણ કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે. ૨૯ ડિસેમ્બર ૧૯૭૮નાં રોજ ૩ લોકોને ઈનમોરલ ટ્રાફિક એકટ ૧૯૫૬ તહત કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે કેસનો હજુ પણ નિર્ણય આવ્યો નથી.
સ્ટેટ કોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કમિટી દ્વારા ૧૦૦ જુના કેસોની યાદી મંગાવવામાં આવી હતી જે સૌથી જુના કેસો હોવાનું પણ સામે આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ તમામ પેન્ડીંગ કેસો જે ગુજરાત રાજયમાં દર્જ થયેલા હોય તેનાં પર કામગીરી કરી રહી છે અને આ તમામ કેસોનાં નિર્ણય જલ્દી આવે તે દિશામાં પગલા પણ લેવામાં આવી રહ્યાં છે જે અંગે સ્ટેટ લીગલ ડિપાર્ટમેન્ટનાં વરિષ્ઠ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે, છેલ્લાં ૩૦ વર્ષમાં ૪૬૧૧ કેસોનાં નિર્ણયો હજુ સુધી આવ્યા નથી.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા નીચલી કોર્ટોને તાકીદ કરતાં જણાવ્યું હતું કે, ગત ૧૦ વર્ષનાં પેન્ડીંગ પડેલા કેસોને એક અઠવાડિયાની અંદર જ તેનો નિવેડો લાવવો જેથી કોર્ટમાં જે બેકલોબ વધી રહ્યો છે તે ન વધે અને કેસોનો નિકાલ પણ આવી શકે. ગત માસમાં રાજયસભામાં પેન્ડીંગ કેસોનાં મામલે જે મુદ્દો ઉઠયો હતો તેનાં જવાબમાં ન્યાયમંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, દેશભરની ૨૫ હાઈકોર્ટોમાં કુલ ૪૩ લાખ કેસો પેન્ડીંગ છે જેમાં ૮ લાખ કેસો એક દસકાથી વધુ જુના હોવાનું પણ તેમનાં દ્વારા જણાવવામાં આવ્યું હતું. જયારે નીચલી અદાલતમાં ૩.૧ કરોડ કેસો પેન્ડીંગ છે જેમાંના ૨.૨૨ કરોડ કેસો ક્રિમીનલ કેસ અને ૮૭ લાખ સિવિલ કેસો છે. ગુજરાતમાં કુલ ૧૬.૫૭ લાખ કેસો પેન્ડીંગ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. જેમાંના ૪.૪ લાખ કેસો સિવિલ અને ૧૨.૧૬ લાખ ક્રિમીનલ કેસોનું ભારણ ગુજરાત હાઈકોર્ટ પર રહેલું છે.