ભાજપ અને કોંગ્રેસનાં 28 કોર્પોરેટરોએ પુછયા 59 સવાલો પ્રશ્ર્નોતરીકાળમાં અધિકારીઓને ભીડવશે નગરસેવકો
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે 11:00 કલાકે મેયર બીનાબેન આચાર્યનાં અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે જે તોફાની બની રહે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે. બોર્ડનાં પ્રશ્ર્નોતરીકાળમાં ભાજપ અને કોંગ્રેસનાં 28 કોર્પોરેટરોએ 59 પ્રશ્ર્નો રજુ કર્યા હોય પ્રશ્ર્નોતરી કાળમાં અધિકારીઓને નગરસેવકો બરાબરનાં સાણસામાં લેશે. ગત એપ્રિલ માસમાં લોકસભાની ચુંટણીની આચારસંહિતાનાં કારણે જનરલ બોર્ડમાં પેન્ડીંગ રાખવામાં આવેલી તમામ 9 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. બોર્ડમાં લોકસભાની ચુંટણીનાં પરીણામનો મુદ્દો પણ ગાજે તેવી સંભાવના હાલ વર્તાઈ રહી છે.
કાલે મહાપાલિકામાં મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપનાં 12 કોર્પોરેટરોએ 15 પ્રશ્ર્નો જયારે કોંગ્રેસનાં 16 કોર્પોરેટરોએ 44 પ્રશ્ર્નો રજુ કર્યા છે. સામાન્ય રીતે બોર્ડનાં એક કલાકનાં પ્રશ્ર્નોતરીકાળમાં પ્રથમ પ્રશ્ર્નની ચર્ચા પાછળ મોટાભાગનો સમય પસાર કરી દેવામાં આવતો હોય છે. બોર્ડમાં પ્રથમ પ્રશ્ર્ન વોર્ડ નં.9નાં ભાજપનાં કોર્પોરેટર રૂપાબેન શીલુનો એસ્ટેટ શાખાને લગતો હોય દબાણ સહિતનાં મુદ્દે બોર્ડ તોફાની બની રહે તેવી સંભાવના જણાઈ રહી છે. એપ્રિલ માસમાં મળેલું જનરલ બોર્ડ લોકસભાની ચુંટણીની આચારસંહિતાનાં કારણે માત્ર વંદે માતરમનાં ગાન પુરતુ સીમીત રહ્યું હતું. બોર્ડમાં એક પણ પ્રશ્ર્નની ચર્ચા થઈ શકી ન હતી કે એકપણ દરખાસ્ત અંગે નિર્ણય લઈ શકાયો ન હતો. કાલે બોર્ડનાં પ્રશ્ર્નોતરીકાળમાં ભાજપ અને કોંગ્રેસનાં નગરસેવકો અલગ-અલગ પ્રજાલક્ષી પ્રશ્ર્ને અધિકારીઓને ભીડવવાનો પ્રયાસ કરશે. હાઈકોર્ટનાં આદેશ બાદ મહાપાલિકામાં હવે જનરલ બોર્ડની બેઠકમાં પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવામાં આવે છે જોકે કોર્પોરેટરનો ભલામણ પત્ર લાવનાર વ્યકિતને જ પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. અલગ-અલગ પ્રશ્ર્નો અને મુદ્દાઓને લઈને કાલનું જનરલ બોર્ડ તોફાની બની રહે તેવી પ્રબળ સંભાવના હાલ જણાઈ રહી છે.
કાલે મળનારાં જનરલ બોર્ડમાં વોર્ડ નં.3માં આવેલી આવાસ યોજનાને ભગીની નિવેદિતા ટાઉનશીપ, વોર્ડ નં.4માં આવેલી આવાસ યોજનાને લોકમાન્ય ટિલક ટાઉનશીપ, રૈયા ચોકડીએ બનેલા ઓવરબ્રિજને શહિદ બ્રિજ નામકરણ કરવા ઉપરાંત ટીપી સ્કીમ નં.27 (મવડી)નાં પ્રારંભિકનાં રેવન્યુ સર્વે નં.390/1-પીનાં મુળ ખંડ નંબર 58 સામે ફાળવેલી સંયુકત અંતિમ ખંડ નંબર 58/1/2માં ફેરફાર કરવા, ટીપી સ્કીન નં.13 (રાજકોટ) અધિનિયમની કલમ 70 (2) હેઠળ વેરીડ કરવા, ભાવનગર રોડ 24 મીટર સુધી પહોળો કરવા, કપાતમાં ગયેલી મિલકતનાં અસરગ્રસ્તો પૈકી 3 અસરગ્રસ્તોને અપાયેલા વૈકલ્પિક વળતરમાં ફેરફાર કરવા, મહાત્મા ગાંધી મ્યુઝીયમની એસપીવીની રચના કરવા તથા બોર્ડ ઓફ ડાયરેકટરની નિમણુક કરવા, મ્યુનિસિપલ બોન્ડ ઈસ્યુ કરવા, મ્યુનિસિપલ કમિશનરને પાવર ડેલીગેટ કરવા તથા સફાઈ કામદારોની ભરતી કરવા માટે નવા નિયમો ઘડવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.