છત પરના વાંટા ખુલ્લી જતા પાણી ઘુસ્યા હોવાની શંકા તાત્કાલિક કેમિકલ લગાડી રીપેરીંગ: તંત્ર ધંધે લાગ્યું
રાજકોટમાં ગઈકાલે રાત્રે વરસેલા અનરાધાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો ઉઠી હતી. શહેરમાં એકપણ સ્થળે વરસાદી પાણી ન ભરાઈ તેની જવાબદારી જેના શીરે છે તે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલી ખાસ સમિતિ ચેરમેનોની ચેમ્બરોમાં પણ વરસાદી પાણી ઘુસી જતા ભારે અફડા-તફડી મચી જવા પામી હતી. આજે સવારે જયારે નિયત સમયે કચેરી ખુલ્લી ત્યારે ચેરમેનોની ચેમ્બરોમાં પાણી…પાણી… જોવા મળ્યું હતું. તાત્કાલિક ધોરણે કેમિકલ લગાવી વાંટા બુરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગઈકાલે શહેરમાં પડેલા અનરાધાર વરસાદના કારણે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલી ખાસ સમિતિઓના ચેરમેનોની ચેમ્બરોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા હતા. ભારે પવન સાથે મેઘરાજા ત્રાટકતા આડેધડ વાછટના કારણે બારીમાંથી ચેમ્બરોમાં પાણી ઘુસી ગયા હતા તો અમુક ચેમ્બરોમાં અગાશીના વાંટા ખુલ્લી જવાના કારણે પાણી ટપકયું હતું. સવારે જયારે કર્મચારીઓએ ચેરમેનોની ચેમ્બર ખોલી ત્યારે તમામ ચેમ્બરોમાં વરસાદના પાણી જોવા મળ્યા હતા. જેને મહામહેનતે ઉલેચવામાં આવ્યા હતા. ભારે વરસાદ દરમિયાન બીજી વખત આવી ઘટના ન બને તે માટે તાત્કાલિક અસરથી કેમિકલ લગાવી વાંટા બુરી દેવામાં આવ્યા હતા.