આભ ફાટ્યું હોય ત્યાં થીંગડુ ક્યાં દેવા જેવી પરિસ્થિતિમાં અત્યારે કોરોના કટોકટીના નવા વાયરા અને દૌરમાં હજુ સંક્રમણનું પ્રમાણ વધશે. સાવચેતી અને અનેક પ્રતિબંધાત્મક વ્યવસ્થાપન છતાં પણ આ મહામારીનું સંક્રમણ પણ વધતું જાય છે. પરિસ્થિતિ અત્યારે એ છે કે, વ્યવસ્થા તંત્ર પાસે હવે વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહેલી આ બિમારીને સંપૂર્ણપણે કાબુમાં લેવા માટેના સંશાધનો ખુટી રહ્યાં છે. ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. તેના કરતા માંગ વધી છે, જરૂરિયાત વધી છે. ટેસ્ટીંગ બુથથી લઈ હોસ્પિટલોમાં હયાત સુવિધા છે તેના કરતા દર્દીઓની સંખ્યા વધતી જાય છે. કુદરત સામે માનવ સંશાધન અને વ્યવસ્થા ઉણી ઉતરતી હોય તેવી પરિસ્થિતિમાં હવે દરેકે પોત-પોતાની જવાબદારી, ભુમિકા અને સમયના તકાજાને સ્વયંભુ સમજવું જોશે. કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝરનો ઉપયોગ, જાહેરમાં ભીડ ટાળવી, તહેવારોની બિનજરૂરી ઉજવણીથી દૂર રહેવું, સામાજીક મેળાવડા ખાળવા અને જરૂર વગર બહાર ન નીકળવા જેવી જરૂરી તકેદારી માટે હવે શિખામણની હિમાયત, તકેદારી કે કાયદાનો દંડો ઉગામી પ્રજાને કાબુમાં લેવાનો સમય નથી. હૈયે ન હોય તેને કહીએ શું થાય ? તે પરિસ્થિતિ હવે કોરોનાના વ્યવસ્થાપમાં બરાબર બંધ બેસી ગઈ છે. કોવિડ-19 વાયરસ કાચિંડાની જેમ નીત નવા રંગ અને નવી લાક્ષણીકતા સાથે કોવિડ-19 તેનું મુળ વર્ઝન બદલીને રોગના લક્ષણ સંક્રમણનો સમયગાળો અને ઈલાજની આવશ્યકતાના તમામ પરિમાળો બદલાઈ ર્હયાં છે. અત્યારે કોરોના ન  હોય તેને મુળભૂત લક્ષણો જેવી સમસ્યા જણાય છે. જેને કોરોના પોઝિટિવ થઈ ગયો હોય તેને સામાન્ય તાવના લક્ષણો પણ આવતા નથી. તેવી પરિસ્થિતિમાં માત્રને માત્ર સજાગતા અને વ્યક્તિગત વિવેકબુદ્ધિ અસરકારક રીતે કામ આવી શકે તેમ છે. કોરોનાની અસર વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે તેવા સંજોગોમાં જરા પણ રોગના લક્ષણ દેખાય તો તાત્કાલીક ટેસ્ટીંગ કરાવી લેવું. બહાર જવા-આવવાનું સ્વયંભુ ટાળવું, પોલીસ ન હોય તો પણ માસ્ક ઉતરવા ન દેવું, દવામાં સાવચેતીથી લઈને સામાજીક અંતરની તમામ ગાઈડ લાઈનમાં હવે કોઈના કહેવાની નહીં પણ હૈયાની વાત માનવાનો કપરો સમય ચાલી રહ્યો છે. સ્વયંભુ રીતે જેટલી તકેદારી રાખવામાં આવશે. તેટલી ઝડપથી આ રોગ સામે સુરક્ષીત રહી શકશે. હવે કાયદાના ડરથી નિયમો પાળવાના બદલે દરેકે સ્વયંભુ શિસ્ત જાળવવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.