બાંધકામ ક્ષેત્રને ધમધમતું કરવા સરકારનો મહત્વનો નિર્ણય
વિવાદોમાં અટવાયેલી બેન્ક ગેરેન્ટીની 75 ટકા રકમ છૂટી કરવા સરકારનો આદેશ
અબતક, નવી દિલ્હી : બાંધકામ ક્ષેત્રને ધમધમતું કરવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે મુજબ હવે બાંધકામ ક્ષેત્રમાં 25 ટકા બેંક ગેરેન્ટી ઉપર જ કામ થઈ શકે તેવી શકયતા સેવાઇ રહી છે. કારણકે સરકારે વિવાદોમાં અટવાયેલી બેંક ગેરેન્ટીની 75 ટકા રકમ છૂટી કરવાનો આદેશ જારી કર્યો છે.
ભારતમાં મંદીમાંથી પસાર થઈ રહેલાં બાંધકામ ક્ષેત્રને નવાં ભંડોળ મળી રહે અને બેન્ક એનપીએ દબાણ હળવું થાય તે હેતુસર કેન્દ્રીય કેબિનેટે કેટલાક સુધારાને મંજૂરી આપી હતી. તેમાં વિવાદોના ઝડપી નિકાલ અને લવાદી કાર્યવાહીમાં અટવાયેલી ૭૫ ટકા રકમને મુક્ત કરવાના નિર્ણયનો સમાવેશ થાય છે.
આ સુધારા રિયલ એસ્ટેટ, માર્ગ અને હાઇવે તેમજ અન્ય માળખાકીય સુવિધા ક્ષેત્રને પ્રભાવિત કરશે. આશા સેવાઈ રહી છે કે તેને પગલે અટવાઈ ગયેલા અનેક પ્રોજેક્ટની સંખ્યા ઘટશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે હવે કોન્ટ્રાક્ટર્સને નવી ઝડપી લવાદ પ્રક્રિયાની મદદ લેવા મંજૂરી આપી છે અર્થાત્ જાહેર એજન્સી અને કોન્ટ્રાક્ટર વચ્ચેના વિવાદો હવે જૂના એરબ્રિટ્રેશન કાયદાને બદલે નવા એરબ્રિટ્રેશન કાયદા હેઠળ ચલાવવાનો વિકલ્પ ખુલ્લો થયો છે.
ઉપરાંત વિવાદમાં અટવાયેલી ૭૫ ટકા રકમ બેન્કગેરંટી હેઠળ મુક્ત કરવા પણ મંજૂરી આપી હતી. સરકારના આ નવા નિયમથી બાંધકામ ક્ષેત્રને વેગ મળશે. આ પગલાંને કારણે નાણાકીય તરલતા વધશે તેમજ અટવાયેલા પ્રોજેક્ટ પુનઃ ચાલુ થશે. સરકાર દ્વારા લવાદ કાયદાને સરળ કરવામાં આવ્યો છે કે જેથી કરીને વિવાદ નિવારણ સરળતાથી થઈ શકે.
અટવાયેલા સંખ્યાબંધ પ્રોજેકટ ફરી ધમધમતા થશે
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ પગલું સમગ્ર માળખાકીય ક્ષેત્રોમાં સંખ્યાબંધ પ્રોજેક્ટ્સને મદદ કરશે. જેમાં મોટી સંખ્યામાં રેલવે અને હાઇવેના પ્રોજેક્ટ આર્બિટ્રેશનમાં અટવાયેલા છે. એચસીસી અને રિલાયન્સ ઈન્ફ્રા જેવી કંપનીઓને આ પગલાથી ફાયદો થશે. આ નવા ફેરફારથી જુના આર્બીટ્રેશન કાયદાની મડાગાંઠમાં અટવાયેલા સંખ્યાબંધ પ્રોજેકટ ફરી ધમધમતા થશે.