બન્ને પક્ષોને નોટિસ આપી રૂબરૂ બોલાવાશે, બન્નેની દલીલો સાંભળી અને તપાસ કમિટીનો અહેવાલ ધ્યાને લઇ હાઇકોર્ટમાં રિપોર્ટ કરાશે
સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બનેલા બાલાજી મંદિરના બાંધકામ પ્રકરણમાં હાઇકોર્ટે 4 અઠવાડિયામાં કલેક્ટરને તપાસ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે. જે મામલે કલેકટરે કહ્યું છે કે એક કમિટી બનાવી સ્થળ તપાસ કરાવાશે. આ સાથે બન્ને પક્ષોને નોટિસ આપી રૂબરૂ બોલાવાશે. બન્નેની દલીલો સાંભળી અને તપાસ કમિટીનો અહેવાલ ધ્યાને લઇ હાઇકોર્ટમાં રિપોર્ટ કરાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના કરણસિંહજી રોડ ખાતે આવેલી કરણસિંહજી શાળાનું પટાંગણ સ્વામિનારાયણ સંપ્રદાયને સોંપાયું છે. કરણસિંહજી સ્કૂલ ટ્રસ્ટ દ્વારા પટાંગણમાં નાનુ મંદિર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અહીં મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જોકે, મોટું મંદિર બનાવવાનું શરૂ કરતા વિવાદ સર્જાયો છે.
શાળાના ગ્રાઉન્ડમાં મંદિર પરિસરનું બાંધકામ શરૂ કરાતા વિવાદ સર્જાયો છે. બાલાજી મંદિરની પહેલા જગ્યા 20 ચોરસ મીટરની હતી. પરંતુ સ્કૂલની જગ્યામાં 13 હજાર ચોરસ મીટરનું બાંધકામ કરાતા વિવાદ થયો છે. નાનું મંદિર બનાવવાની મંજૂરી આપ્યા બાદ મોટું મંદિર બનાવવાનું શરૂ કરતા વિવાદ વધ્યો છે. આસપાસના સ્થાનિકો મંદિરના નિર્માણકાર્યનો વિરોધ કરી રહ્યા છે. વકીલે બાંધકામ પર સ્ટે મેળવ્યો છે. પૂર્વ મંજૂરી વગર બાંધકામ ન કરવું તેવી શરતો હોવા છતાં બાંધકામ શરૂ કરાયું છે. તેવા આક્ષેપો થઈ રહ્યા છે.
બાંધકામ ગેરકાયદેસર થતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોના હોબાળા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. મનપા તંત્ર દ્વારા બાલાજી ટ્રસ્ટના કોઠારીને ગેરકાયદેસર બાંધકામને રોકવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
રાજકોટ બાલાજી મંદિરના વિવાદ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કલેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. તો બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર વિવાદ મામલે હાઇકોર્ટ દ્વારા કલેક્ટરને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ 4 સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવશે.
જ્યારે આ મામલામાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે હાલ કલેકટર તંત્રની લીગલ ટિમ પ્રકરણ અંગે તપાસ કરી રહી છે. પક્ષકારોને નોટીસ આપીને રૂબરૂ બોલાવવામાં આવશે. બાદમાં બન્ને પક્ષોને સાંભળવામાં આવશે. આ ઉપરાંત પ્રાંત અને ડીઆઈએલઆર સહિતના અધિકારીઓની એક કમિટી બનાવીને તેની સ્થળ તપાસ કરવામાં આવશે. આ કમિટી પાસેથી રિપોર્ટ મંગાવી અને બન્ને પક્ષોને રૂબરૂ સાંભળીને બાદમાં રિપોર્ટ તૈયાર કરી તેને હાઇકોર્ટને આપવામાં આવશે.