બાયડ તાલુકા પંચાયત પ્રમુખ સહિત ૧૨ સભ્યો ભાજપમાં જોડાયા પ્રમુખ જીતુ વાઘાણીની અઘ્યક્ષતામાં આજે ભાજપની પ્રદેશ બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ૧૪ ધારાસભ્યો એટલે કે ૨૫ ટકા સભ્યોને ગુમાવી દેનાર કોંગ્રેસ પક્ષના કબજા હેઠળની જિલ્લા, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓમાં ભંગાણની શરૂઆત થઇ છે. આજે કોંગ્રેસ શાસિત બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ૧૨ સભ્યોએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે.
બાયડ તાલુકા પંચાયતમાં કુલ સભ્ય સંખ્યા ૨૪ની છે તેમાં ૧૬ સભ્યો કોંગ્રેસના હતા. ભાજપના ૭ અને ૨ અપક્ષ સભ્યો હતા. આમાંથી આજે બે અપક્ષ સહિત તાલુકા પંચાયત પ્રમુખ તેમજ કોંગ્રેસના ૧૦ સભ્યોએ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી છે. આમ, તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે અને ભાજપ ૧૯ સભ્યો સાથે સત્તા મેળવશે. આ સભ્યોમાં ઉદેસિંહ બાલુસિંહ મકવાણા, ભગીરથસિંહ ચૌહાણ, દિનેશભાઇ પટેલ, ડાહીબેન પરમાર, કાંતાબેન પટેલ, હીરાબેન ચૌહાણ, શોભનાબેન ઝાલા, અશ્વિનભાઇ પટેલ, દિલીપભાઇ પટેલ, અશ્વિનભાઇ બી. પટેલનો સમાવેશ થાય છે.
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શન પ્રમાણે પ્રદેશ તથા કેન્દ્રિય નિરીક્ષકો પ્રવાસ કરશે. તેના આધારે પાર્લામેન્ટરી બોર્ડમાં ૧૮૨ બેઠકોના નિરીક્ષકોના રિપોર્ટની સમીક્ષા બાદ જ ઉમેદવારો જાહેર કરાશે. વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસ વેરવિખેર થઇ ગઇ છે. જનાધાર ગુમાવી ચૂકેલી કોંગ્રેસના નેતાઓના ષડયંત્રો પારખીને જાહેર જીવનના સન્માનીય નેતા શંકરસિંહ વાઘેલાએ વિપક્ષી નેતા પદેથી રાજીનામું આપી કોંગ્રેસ છોડી દીધી છે. માત્ર રાજકીય સ્વાર્થમાં રાચતી કોંગ્રેસ એક વર્ષ અગાઉ ઉમેદવારો જાહેર કરી દેવાની વાતો કરતી હતી, આજે એના નેતાઓ ક્યાંથી લડવાના છે એ પણ નક્કી કરી શક્યા નથી. ત્યારે ૫૭ ધારાસભ્યોમાંથી ૧૪ સભ્યો ગુમાવી ચૂકેલી કોંગ્રેસ આગામી ચૂંટણીમાં ૨૩ બેઠક પણ નહીં મેળવી શકે.
ઓગસ્ટ ક્રાંતિ દિનથી શરૂ કરી ૨૦૨૨ સુધીમાં સંકલ્પ સે સિદ્ધિ મંત્ર સાથે નયા ભારતના નિર્માણ માટે ભારત જોડોનું એક રાષ્ટ્રીય સ્તરે ભાજપે અભિયાન શરૂ કર્યું છે તેના ભાગરૂપે ગુજરાતમાં ૩૦ ઓગસ્ટ સુધીના વિવિધ કાર્યક્રમો તેમજ આગામી ચૂંટણી સંદર્ભે ચાલી રહેલી તૈયારીની સમીક્ષા માટે શુક્રવારે બપોરે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સંગઠન સહ મહામંત્રી વી.સતિષ પણ ઉપસ્થિત રહેશે. આ પરિચર્ચામાં કેન્દ્રીયપ્રધાનો સ્મૃતિ ઇરાની, પ્રકાશ જાવડેકર, હરિ ચૌધરી, જશવંતસિંહ ભાભોર, પી.પી. ચૌધરી, રાષ્ટ્રીય પદાધિકારીઓ ઓમ માથુર, ભુપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે.