અબતક-સબનમ ચૌહાણ,સુરેન્દ્રનગર
ખારાઘોડાથી વર્ષે 160થી 180 જેટલી રેકો ભારતના મોટા ભાગના રાજ્યો અને છેંક નેપાળ સુધી મીઠાની નિકાસ થાય છે. આવનારા દિવસોમાં ખારાઘોડાથી ઇલેક્ટ્રિક માલગાડીઓમાં મીઠાની નિકાસ થતી જોવા મળશે. રેલ્વેના આલા અધિકારીઓ દ્વારા ઝુંડથી ખારાઘોડા સુધી ઇલેક્ટ્રિક લાઇનો નાંખવાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યા બાદ છેંક ખારાઘોડા સુધી રેલ્વે ટ્રેક પર ઇલેક્ટ્રિક લાઇનો નાંખવામા આવતા મીઠા ઉદ્યોગમાં ખુશીની લહેર દોડી જવા પામી છે
દેશના કુલ ઉત્પાદનનું 70% મીઠું તો એકમાત્ર ગુજરાતમાં પાકે છે. જેમાંથી 35% જેટલું મીઠું ઝાલાવાડના ખારાઘોડા, ઝીંઝુવાડા, ધ્રાંગધ્રાના કુડા રણમાં અને હળવદના ટીકર રણમાં પાકે છે. ખારાઘોડાથી દર મહિને અંદાજે 15 જેટલી રેલ્વે રેકો એટલે કે વર્ષે 160થી 180 જેટલી રેલવે રેકો દ્વારા આ મીઠું મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના ભારતના વિવિધ રાજ્યો અને છેંક નેપાળ સુધી નિકાસ થાય છે.
ઝુંડથી ખારાઘોડા સુધી ઇલેક્ટ્રીક લાઇનો નાખવાની કામગીરથી મીઠા ઉદ્યોગના ખુશીની લહેર
વધુમાં રેલ્વેને મીઠાની નિકાસ દ્વારા વર્ષે 7 થી 8 કરોડની રેલ્વેનૂરની આવક થાય છે. હવે આવનારા દિવસોમાં ખારાઘોડાથી ઇલેક્ટ્રિક માલગાડીઓમાં મીઠાની નિકાસ થતી જોવા મળશે. રેલ્વેના આલા અધિકારીઓ જેમાં શ્યામસુંદર મંગલ અને ડેપ્યુટી ચીફ ઇલેક્ટ્રિકલ એન્જીનિયર સુભાષિશ નાગ સહિત રેલ્વે ઇલેક્ટ્રિફિકેશ વિભાગના અધિકારીઓ દ્વારા ઝુંડથી ખારાઘોડા સુધી ઇલેક્ટ્રિક લાઇનો નાંખવાનું વિદ્વાન પંડીતો દ્વારા વૈદિક મંત્રોચ્ચારો સાથે ખાતમુહુર્ત કરવામાં આવ્યા બાદ રેલ્વે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામ હાથ ધરી છેંક ખારાઘોડા સુધી રેલ્વે ટ્રેક પર ઇલેક્ટ્રિક લાઇનો નાંખવામા આવતા મીઠા ઉદ્યોગમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.
આ અંગે રેલ્વેના આલા અધિકારીઓએ જણાવ્યું હતુ કે, આ પ્રોજેક્ટથી ઇલેક્ટ્રિક માલવાડીઓ વધુ વજનના વહન સાથે વધુ સ્પીડથી દોડી શકશે જેથી કરીને ગુજરાતના ગૌરવસમા મીઠા ઉદ્યોગને વધુ વેગ મળશે.
ફાયબર-એલ્યુમિનીયમની પણ માલગાડી દોડશે રેલ્વે મંત્રાલય દ્વારા ઓછા વજનવાળા અને વધુ માલ વહન કરી શકે તેવા આધુનિક વેગનો બનાવવા મીઠા ઉદ્યોગના માંધાતાઓ પાસે સૂચનો મંગાવાયા છે. ત્યારે આગામી દિવસોમાં રેલ્વે પાટા પર ફાયબર કે એલ્યુમિનીયમની માલગાડી દોડતી નજરે પડે તો નવાઇ નહીં હોય.
પાટડી ખારાઘોડામાં આજથી 20 વર્ષ અગાઉ દિવસમાં બે પેસેન્જર ટ્રેનોની અવર-જવર થતી હતી. પરંતુ આ સેવા અચાનક બંધ કરી દેવાઇ હતી. આટલા વર્ષોના વિકાસ બાદ પાટડી પથંકના લોકો ખરીદી માટે અમદાવાદ પર નિર્ભર છે.
એવામાં ખારાઘોડામાં મીઠાના વહન માટે ઇલેક્ટ્રિક લાઇનો નાંખવાનું કામ પૂર્ણ કરાતા આગામી દિવસોમાં પાટડીમાં પેસેન્જર ટ્રેન શરૂ થવાની આશા જીવંત બનતા લોકોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. પ્રાઇવેટ માલગાડીમાં મીઠાની નિકાશ જોવા મળશે.