‘વિના સહકાર નહીં ઉદ્ધાર’ વિશ્ર્વાસે વહાણ તારવતા સહકારી ક્ષેત્રમાં ક્યારેક-ક્યારેક માહ્યલાવોનો વિશ્ર્વાસઘાત રોકાણકારો માટે રાતે પાણીએ રોવાની પરિસ્થિતિ ઉભી કરી દે છે. રાજકોટમાં શરાફી મંડળીનું કરોડોમાં ઉઠમણુ થયાના બનાવમાં રામેશ્ર્વરી શરાફી મંડળીના પ્રમુખ, વાઈસ ચેરમેન અને મેનેજર સામે ૪૨૦૦ નાના રોકાણકારોના ૬૦ કરોડના ફૂલેકામાં નોંધાયેલા ગુના બાદ હરકતમાં આવેલી પોલીસે બે મુખ્ય સુત્રધારોને કાયદાના સકંજામાં લઈ લીધા હતા.
કોરોનાકાળમાં આર્થિક મહામારીની પરિસ્થિતિ વચ્ચે નાના રોકાણકારો માટે બચતનો આધાર બનેલી રાજકોટની રામેશ્ર્વર શરાફી સહકારી મંડળીના સંચાલકો સામે ૩.૧૨ લાખની ઉચાપતની ફરિયાદ મેડિકલ સ્ટોરના સંચાલક સંજય જયંતીભાઈ સોજીત્રાએ નોંધાવી ચેરમેન સંજય દૂધાગરા, વાઈસ ચેરમેન ગોપાલ રૈયાણી, મેનેજર વિપુલ વસોયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં આ કૌભાંડમાં ૪૨૦૦ સભ્યોના કુલ ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડી થયાનું બહાર આવ્યું હતું.પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશનર પ્રવિણ કુમાર મીણા, એચ.એલ.રાઠોડે આ અંગે તપાસનો દૌર સંભાળ્યો હતો.
ફરારી આરોપીઓને ઝડપી લેવા માટે પીઆઈ જે.ડી.ઝાલા, પીએસઆઈ જે.બી.પટેલ, પોલીસ ટીમના નિલેશ મકવાણા, રણજીતસિંહ પઢેરીયા, મનરૂપગીરી ગોસ્વામી, હિરેનભાઈ પરમાર, સલીમભાઈ મકરાણી, ભાવેશ મકવાણા, રણજીતસિંહ જાડેજા, મનીષભાઈ સીરોડીયા, વાલજીભાઈ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા, રાજેશભાઈ ગઢવી અને હિતેન્દ્રસિંહ ઝાલાએ કાર્યવાહી હાથ ધરી હતી અને કરોડોનું ઉઠમણું કરવાના કૌભાંડમાં ફરાર ગોપાલ લક્ષ્મણ રૈયાણી ઉ.૭૪ (વાઈસ ચેરમેન) અને વિપુલ રતિ વસોયાને ઝડપી લઈ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.