સિવિલ અધિક્ષક ડો.મનિષ મહેતા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ લેવાયો નિર્ણય
પીડીયુ સીવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ, રાજકોટના સક્રિય કાઉન્સેલર જયંત ઠાકરની યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ‘સ્વચ્છ ભારત’ અભિયાનને વેગ આપવા માટે સીવીલ અધિક્ષક ડો.મનીષ મહેતા સાથે જયંત ઠાકરે ચર્ચા વિચારણા કર્યા બાદ લેવાયેલ નિર્ણયમા હવેથી પીડીયુ સીવીલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં હોસ્પિટલ સ્ટાફ, દર્દીઓના સગા સંબંધી મુલાકાતીઓ દ્વારા પાન, માવા, મસાલાના સેવનને કારણે હોસ્પિટલમાં જયા ત્યાં થુકવાને કારણે ભારે ગંદકી ફેલાતી હોય.
આ બાબતે સઘન ચર્ચા વિચારણા બાદ હવેથી પીડીયુ સીવીલ હોસ્પિટલમાં પાન માવા, મસાલા, ધ્રુમપાન કે અન્ય કેફી દ્રવ્યોના સેવન પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અને આ જાહેરનામાનો અમલ આજથી શરૂ થશે અને આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે સ્થળ પર જ રૂ.૧૦૦નો દંડ વસુલી દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ જાહેરનામાનો અમલ કરાવવા અને આ પ્રતિબંધનો ચુસ્ત પણે અમલ કરાવવા બાબતે હોસ્પિટલની સુરક્ષા એજન્સીઓ, સુરક્ષા ગાર્ડોને સીવીલ સર્જન ડો. મનીશભાઈ મહેતા તરફથી કડક શબ્દોમાં સુચના આપવામાં આવેલ છે. ત્યારે વધુમાં જયંત ઠાકરે જણાવ્યું હતુ કે હોસ્પિટળમાં પાન, માવા, મસાલાના સેવનને કારણે જયાં ત્યાં થૂકવાને કારણે વ્યાપક પ્રમાણમાં ગંદકી થતી હોય, તેવા આશયથી આપ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આમ જયંત ઠાકર પીડીયુ સીવીલ હોસ્પિટલના દુષણો દૂર કરવા અને દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સતત સક્રિય રહી કામગીરી બજાવી રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે.