છેલ્લા ૧૦ વર્ષમાં શ્વાનની વસતી ૨૮ હજાર જેટલી ઘટી હોવાનો તંત્રનો દાવો
શિયાળાની સીઝનના પ્રારંભે ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થતા શહેરમાં રખડતા-ભટકતા કુતરાઓનો ત્રાસ વઘ્યો છે. અંધારું થતાની સાથે જ ડાઘીયા કુતરાઓ રીતસર વાહન ચાલકો પાછળ દોટ મુકે છે. શ્વાનના ત્રાસથી શહેરીજનોમાં રીતસર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મહાપાલિકા દ્વારા શ્વાન ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી હોવા છતાં કુતરાનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.
હાલ મહાપાલિકા દ્વારા પ્રતિ શ્વાનના ખસીકરણ માટે સંસ્થાને રૂ.૧૮૫૦ ચુકવવામાં આવે છે. આ રસીની અસર બે વર્ષ રહે છે. બે વર્ષ બાદ ફરી શ્વાનની ખસી કરવાની જરૂર પડે છે જેના માટે રૂ.૧૮૫ ચુકવવામાં આવે છે. હાલ શહેરમાં ૩૦ હજાર જેટલા શ્વાન હોવાનો અંદાજ છે. આજથી ૧૦ વર્ષ પહેલા શહેરમાં ૫૮ હજાર જેટલા શ્વાન હતા. છેલ્લા એક દસકામાં શ્વાનની સંખ્યામાં ૨૮ હજારનો ઘટાડો થયો હોવાનું મહાપાલિકા દાવો કરી રહ્યું છે છતાં શિયાળાની સીઝન શરૂ થતાની સાથે જ શહેરમાં ડાઘીયા કુતરાનો ત્રાસ વધતા લોકોમાં ડરનું લખલખું પ્રસરી જવા પામ્યું છે.