વડોદરા શહેરમાં તાજીયા વિસર્જન દરમિયાન પૂર્વાયોજીત કાવતરું હોય તે ઢબે એક સાથે જ પાણીગેટ સહિતના ત્રણ સંવેદનશીલ વિસ્તારમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. પાણીગેટ પોલીસ મથકના ઇન્સ્પેકટર પર હુમલો થતા તેમણે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાઇરીંગ કરતા બે યુવાનોને ઇજા પહોંચી હતી પથ્થરમારો, પેટ્રોલ બોંબ ખાનગી ગોળીબાર કરતાં ટોળાને વિખેરવા પોલીસે સંખ્યાબંધ ટીયરગેસના સેલ છોડ્યા હતા.
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાંથી બપોર પછી જ તાજીયાના જુલુસ શરૂ થઈ ગયા હતા. જો કે એકા એક રાત્રે 9.30ના હરણખાના રોડ પર તાજીયાને ટાર્ગેટ કરી પથ્થરમારો થયો છે તેવી અફવા ફેલાતાં માહોલ તંગ બની ગયો હતો. જો કે પોલીસે સમયસર પહોંચી જઈ ભેગા થયેલા ટોળાંઓને વિખેર્યા હતા. ત્યાર બાદ રાત્રે લગભગ 11.00 વાગ્યાના આસપાસ પાણીગેટ પોલીસ સ્ટેશન પાસે એક સાથે 9 તાજીયાના જુલુસ આવ્યા હતા. જેના પરિણામે લોકોનો ભારે ધસારો થયો હતો. આ સમય દરમિયાન પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે કાંકરીચાળો થયો હતો અને પોલીસ કંઇ સમજે તે પહેલા એક સાથે ત્રણ વિસ્તારોમાં કોમી તોફાનો શરૂ થઇ ગયા હતા. પથ્થરમારો, આગચંપી થતાં પરિસ્થિતિ હિંસક બની હતી. તેવામાં ખાનગી ગોળીબાર થતાં અને પેટ્રોલબોંબ ફેકાતાં પોલીસ સ્તબ્ધ બની ગઇ હતી.