ગુજરાતના ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, ઘીરૂભાઈ સરવૈયા, નીલેશ પંડયા સહિતનાએ રમઝટ બોલાવી
સિંઘુડોનો ૮૮મો પ્રાગટય દિન તથા ઘોલેરા સત્યાગ્રહની ૮૮મી જયંતી અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર ખાતે ‘મેઘાણી વંદના’ સ્વરાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણા તથા અગ્રગણ્ય સંસ્થાઓનાં સહયોગથી થયું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી તથા સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠની ૧૨૫મી જન્મજયંતી વર્ષ હાલ ચાલી રહ્યું હોવાથી આ કાર્યક્રમનું સવિશેષ મહત્વ રહ્યું. સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિતે ઝવેરચંદ મેઘાણીએ રચેલા દેશભકિતનાં ૧૫ શૌર્ય ગીતોનો સંગ્રહ સિંધુડો ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ધોલેરા સત્યાગ્રહનાં અવસરે પ્રસિદ્ધ થયો હતો. સિંધુડોના શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ થઈ ગયા હતા અને બ્રિટિશ સરકારે ગભરાઈને તેને ત્યારે જપ્ત કર્યો હતો.
ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડયાએ ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. જાણીતા લોકકલાકાર-હાસ્યકાર ધી‚ભાઈ સરવૈયા પોતાની આગવી શૈલીમાં ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરી. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સુરીલું સંગીત નિયોજન હતું. દુહા-છંદની રમઝટ બોલાવીને અભેસિંહ રાઠોડે કાર્યક્રમનો શુભારંભ કર્યો. ઝવેરચંદ મેઘાણી સ્વરચિત અમર ગીતો ‘મોર બની થનગાટ કરે’, ‘શિવાજીનું હાલરડું’, ‘રકત ટપકતી સો સો ઝોળી’,‘ઓતરાદા વાયરા ઉઠો ઉઠો’, ‘સો સો રે સલામું’,‘વીરા, મારા પંચ રે સિંધુને સ્મશાન’,‘બાજે ડમરું’ અભેસિંહભાઈએ રજુ કરીને સહુને ડોલાવી દીધા. કથાગીતો ‘નાં છડિયા હથિયાર’ અને હાલાજી તારા હાથ’ની પણ ઝમકદાર રજુઆત કરી. અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા અને રાધાબેન વ્યાસે ‘રઢિયાળી રાત’માંથી વેરણ-ચાકરીનાં લોકગીતો ‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી’, ‘આવી ‚ડી અંજવાળી રાત’, ‘આવડા મંદિર’, ‘માડી, બાર બાર વરસે’ તથા ‘પુરાતન જયોત’માંથી જેસલ-તોરલનાં ભજનો ‘પાપ તારું પરકાશ’ રાેઈ રોઈ કેને સંભળાવુંની હૃદયસ્પર્શી રજુઆત કરી.
રાણપુર પંથકની લોકલાગણીને નિહાળીને કુસુમબેન અને પિનાકીભાઈ ભાવુક થઈ ગયા હતા અને સહુનો હૃદયથી આભાર માન્યો હતો. વિશ્ર્વભરમાં વસતાં ૧,૭૫,૦૦૦ જેટલા ભાવિકોએ આ ભાવાંજલિ કાર્યક્રમને ઈન્ટરનેટ પર પણ માણ્યો હતો. ઈન્ટેલીમિડીયાની યુવા ટીમના જોય શાહ, મયુર કળથિયા અને સાથીઓએ પ્રસારણ માટે જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,